દેશી રેમ્બો કેવો હશે ?


લો બોલો, હોલિવૂડનો સિલ્વેસ્ટર સ્ટેલોન જે ‘રેમ્બો’નું પાત્ર ભજવતો હતો એ જ ફિલ્મોનું હવે હિન્દી વર્ઝન આવવાનું છે !

આમાં દેશી રેમ્બો તરીકે બીજો કોઈ નહીં પણ ટાઈગર શ્રોફ હશે ! જસ્ટ કલ્પના કરો, આપણો બોલીવૂડનો રેમ્બો કેવો જબરો રેમ્બો હશે ?

***

સૌથી પહેલી વાત તો એ કે દેશી રેમ્બોના પપ્પા રજનીકાંત હશે !

જન્મતાંની સાથે જ દેશી રેમ્બોએ હોસ્પિટલની આળસુ નર્સને કીક મારીને ‘સીધી’ કરી દીધી હશે !

***

બાળપણથી જ એને નાસ્તામાં અડધો ડઝન બુલેટ્સ અને બે હેન્ડ-ગ્રેનેડ ખાઈ જવાની આદત હશે !

***

હોલીવૂડના રેમ્બોને આર્મી કમાન્ડો ફોર્સમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. આપણા દેશી રેમ્બોને બારમા ધોરણમાંથી કાઢી મુકાયો હશે !

***

હોલીવૂડનો રેમ્બો દુશ્મનોને મારવા માટે ઇરાન, અફઘાનિસ્તાન, વિયેતનામ વગેરે દેશોમાં જઈને સખત મારામારી કરતો હતો.

આપણો દેશી રેમ્બો પણ ઇરાન, અફઘાનિસ્તાન, વિયેતનામ વગેરે દેશોમાં જશે પણ ત્યાં જઈને તે ભાંગડા, ડિસ્કો, ગરબા, ડાંડીયા વગેરે દરેક ટાઈપના ડાન્સ કરશે !

***

પ્રાયવટ વિમાનમાં ભાગી રહેલા વિલનને પકડવા માટે દેશી રેમ્બો સ્કૂટર ઉપરથી કૂદકો મારીને ઘોડા ઉપર ચડી જશે, પછી ઘોડા ઉપરથી કૂદકો મારીને ટ્રેન ઉપર અને ટ્રેન ઉપરથી કૂદકો મારીને હવામાં ઉડતા વિમાનની પૂંછડી પકડી લેશે ! (સૌજન્ય : સાઉથની ફિલ્મો)

***

અને હા, આપણો દેશી રેમ્બો ભારતની ઉબડ ખાબડ સડકો ઉપર 150 કિલોમીટરની સ્પીડે સ્કુટર ભગાવશે ! છતાં એની કમરના એક પણ મણકામાં જરાય ઇન્જરી થશે નહીં !

હોલીવૂડના રેમ્બોની હિંમત હોય તો આ સ્ટંટ કરી બતાડે !

***

- મન્નુ શેખચલ્લી

 

Comments