“એ જિગલા, તારા વાળી નીકળી…” પકિયાએ એના દોસ્ત જિગલા ઉર્ફે જિગેન્દ્રને આંખ મારી.
જિગેન્દ્રના દિલની ધડકન ધક ધક ધક થઈ ગઈ. છેલ્લા ચાર મહિનાથી તે તેની કોલેજની ફ્રેન્ડ પ્રિયંકા ઉર્ફે ‘પ્રિયુ’ને ‘આઈ લવ યુ ટુ મચ’નો મેસેજ મોકલવા માટે મથી રહ્યો હતો.
કોરોનાને કારણે કોલેજો તો બંધ હતી. પ્રિયુને લવ-યુ કહેવું શી રીતે ? ફેસબુક પર કોમેન્ટ કરે તો પ્રિયુના 876 ‘ફ્રેન્ડઝ’ જાણી જાય. ઇન્સ્ટામાં મુકે તો પ્રિયુના 254 ફોલોઅર્સ પાછળ પડી જાય. જો પ્રિયુના વોટ્સએપમાં મેસેજ મુકે અને એની મમ્મી ચેક કરે તો ? ડાયરેક્ટ ફોન કરે અને એના પપ્પા ઉપાડે તો ?
આખરે પકિયાએ ટ્રિક બતાડી હતી. “જિગા, એની સોસાયટીના ઝાંપાથી દૂર ગલીના નાકે નજર નાંખીને બેસવાનું. એ એની પિન્ક કલરની સ્કુટી લઈને નીકળે કે તરત એની પાછળ પાછળ આપડે બાઈક લઈને જવાનું. રસ્તામાં જ્યાં બી રેડ સિગ્નલ પર એ ઊભી હોય ત્યાં મસ્ત ગડી વાળેલા ગુલાબી કલરના કાગળમાં લખેલો લવ-લેટર એના હાથમાં પકડાવી દેવાનો !”
જિગેન્દ્રને આઇડિયા ગમી ગયો હતો. ચાર ચાર દિવસની ફિલ્ડીંગો ભર્યા પછી પ્રિયુના ઘરનું એડ્રેસ અને ઘરના કમ્પાઉન્ડમાં પાર્ક થયેલી પિંક કલરની સ્કુટીનો નંબર હાથ લાગ્યો હતો. ચાર દિવસથી લખી રાખેલો પિંક કલરનો લવ-લેટર પણ રેડી હતો. બસ, છેક અત્યારે ચાન્સ મળ્યો…
જેવું પિન્ક સ્કુટી બહાર નીકળ્યું કે તરત જિગાએ મોં ઉપર માસ્ક ચડાવ્યું અને પકિયાએ મોં ઉપર હેલ્મેટ. બાઈક વડે ધીમે ધીમે તેઓ પીછો કરતા રહ્યા. છેવટે એક રેડ સિગ્નલ પર જિગાએ ફટાફટ ઉતરીને, પિંક કલરની હેલ્મેટ નીચે પિન્ક કલરનું માસ્ક પહેરેલી પ્રિયુને, લવ-લેટર આપી જ દીધો !
એમાં જિગાએ છેલ્લે પોતાનો ફોન નંબર લખીને મેસેજ મુકેલો “ડિયર, કોઈપણ અજાણ્યા નંબરથી મને ફોન કરજે !”
- અને અડધા જ કલાકમાં ફોન આવ્યો !! “હલો, ચાંદલોડિયા પોલીસ સ્ટેશનથી મહિલા કોન્સ્ટેબલ સુપ્રિયા બોલું છું ! છોકરીઓની છેડતી કરો છો ?”
બિચારા જિગાને ક્યાંથી ખબર હોય કે પિન્ક કલરનું સ્કુટી પ્રિયંકાની મોટી બહેન સુપ્રિયા પણ વાપરતી હશે ?
- આ માસ્કને લીધે આવું આવું થાય છે. બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Mast... 😀😀😀
ReplyDeleteThanks 😊😊 🙏
Delete