કોરોનાકાળની એક હાસ્ય લઘુકથા

‘અહીં જ ઊભા રહેજો, ક્યાંય જતા નહીં આઘાપાછા !’


રમીલાકાકીએ ડોળા કાઢીને રસિકકાકાને ડારો આપ્યો.

એક તો પોતાની સ્કુટી રિપેરીંગમાં આપેલી અને બીજું પોતાને ગિયરવાળું સ્કુટર ચલાવતાં ફાવે નહીં એટલે નાછૂટકે પોતાના ધણીને આ શાકમારકેટમાં લાવવા પડ્યા હતા. એમ તો રસિકકાકાને ય શાક લાવવાનું કીધું હોત તો ચાલત પણ એમને શાક ખરીદતાં આવડ્યું છે જ ક્યારે ? ટીંડોળાને પરવળ સમજીને લઈ આવે અને પાતળી દૂધીને કાકડી સમજીને ઉપાડી લાવે એવા.

ખાસ તો આજે રમીલાકાકીનો ભાઈ NEETની એક્ઝામ આપવા આવવાનો હતો એટલે એને ખાસ ભાવતું નાનાં નાનાં રીંગણાનું ભરેલું શાક બનાવવાનું હતું. કાકાને સોંપ્યું હોત તો નાના રીંગણાને બદલે, ભલું પૂછવું, ડુંગળીઓ ઉપાડી લાવે !

કાકી આખા મારકેટમાં ફરી વળ્યાં. નાનાં રીંગણાં ક્યાંય દેખાતાં જ નહોતાં. વચ્ચે વચ્ચે દૂરથી કાકા તરફ નજર નાંખી લેતાં હતાં. ભુરું સ્કુટર અને લીલું ચોકડીવાળું શર્ટ ક્યાંય આઘુંપાછું તો નથી થતું ને ? કાકાનું ભલું પૂછવું, પાનને ગલ્લે મસાલો બંધાવવા પહોંચી જાય અને ત્યાં વળી કોઈ ઓળખીતો મળી જાય તો એની જોડે ચા પીવા ઉપડી જાય !

છેવટે નાનાં રીંગણાં મળ્યાં ખરાં ! છતાં જોખાવતી વખતે કાકીની નજર તો સતત પેલા ભુરા સ્કુટર અને લીલા ચોકડીવાળા શર્ટ ઉપર જ ! રીંગણાં લીધા પછી ધાણા, ફૂદીનો, બે ચાર ટામેટાં, થોડાં મરચાં આવું લેતાં લેતાં પણ નજર તો લીલા ચોકડીવાળા શર્ટ ઉપર જ હતી.

છેવટે કાકી શાકભાજીની લારીઓ અને પાથરણાંની ભીડ પાર કરતાં ભૂરા સ્કુટર પાસે પહોંચ્યા. લીલું શર્ટ સ્કુટર ઉપર જ બેઠું હતું. કાકીએ પાછલી સીટ ઉપર બેસતા હુકમ છોડ્યો “ચાલો, હવે માખીઓ શું મારો છો ?”

પાછલી સીટ ઉપર બેઠાં બેઠાં રમીલાકાકી થેલામાં હાથ નાંખીને રીંગણા ચેક કરતા રહ્યાં “મુઆએ એકાદ સડેલું તો નથી ઘુસાડી દીધું ને ?”

દસેક મિનિટ પછી સ્કુટર ઊભું રહ્યું ત્યારે કાકી ઘરનો દેખાવ જોઈ તતડી ઊઠ્યાં “આ તમારી કઈ સગલીના ઘરે લઈ આવ્યા ?”

“સગલી ?” કાકા માસ્ક ઉતારતાં બોલ્યાં. “આ તારું જ ઘર છે !”

ઉતરેલા માસ્ક પાછળનો ચહેરો જોતાં જ કાકીની આંખો ફાટેલી રહી  ગઈ ! ભુરું સ્કુટર અને લીલું શર્ટ તો એવું જ હતું પણ કાકા કોઈ બીજા  જ હતા !

- માસ્ક હોય ત્યારે આવું થઈ જાય છે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment