મનસુખ ‘માત્ર’ને સવારથી ચટપટી લાગી હતી કે ક્યાંક પેલા ફોગટ ‘ફક્ત’ને આ ઈ-મેઇલ ના પહોંચી ગઈ હોય !
વાચકોને જણાવી દઈએ કે મનસુખ ‘માત્ર’ અને ફોગટ ‘ફક્ત’ એ બે એવા ઉપેક્ષિત કવિઓ છે જેમને કદી મુશાયરાના મંચ ઉપર બેસવા મળતું નથી. એમની કવિતાઓને ફેસબુકમાં એમનાં પોતાનાં સગાવ્હાલાં પણ લાઈક કરતાં નથી. છતાં એમની કૃતિઓ નાના-મોટા અખબારોની મહિલા પૂર્તિમાં અવારનવાર (પચ્ચીસ મોકલી હોય ત્યારે બે છપાય એ રીતે) છપાતી રહે છે.
મનસુખ ‘માત્ર’ને ફોગટ ‘ફક્ત’ માટે ભારોભાર ઇર્ષ્યા હતી કારણ કે સાલું, દર વખતે મહિલા પૂર્તિઓમાં એમની કવિતાઓ સાથે-સાથે જ છપાય ! એટલું જ નહિ, સાલા ફોગટ ‘ફક્ત’ની કવિતા મનસુખ ‘માત્ર’ની કવિતાની બરોબર ઉપર જ હોય !
‘બેટા, આ વખતે તો હું તને પાડી જ દઈશ !’ મનસુખ ‘માત્ર’ પોતાના મોબાઈલમાં આવેલી મેઇલ જોઈને જોશભેર દાંત કચકચાવી રહ્યો હતો. દાંતના પ્રેશર વડે ‘માત્ર’ની છાતી પણ શરીરશાસ્ત્રના કોઈ ભેદી નિયમનું પાલન કરીને ફૂલી રહી હતી !
... અને કેમ ના ફૂલે ? ભોપાલની ‘સાહિત્યકાર સન્માનવર્ધન ગૌરવ પ્રતિષ્ઠાન’ નામની સંસ્થાએ શુધ્ધ હિન્દી ભાષામાં મનસુખ ‘માત્ર’ને નિમંત્રણ મોકલ્યું હતું કે ‘ગુર્જરલોક કી ગર્વિલી ગુજરાતી ભાષા કા કેવલ નિર્મોહવૃત્તિ સે કવિતાઓં દ્વારા ગર્વસિંચન કરને કા આપ કા જો નિર્થક આયામ રહા હૈ ઉસ કી પ્રશસ્તિ કરતે હુએ હમ આપ કો એક માનચિહ્ન અર્પણ કરના ચાહતે હૈં. ક્યા આપ ભોપાલ મેં આયોજિત હોનેવાલે ઇસ ભવ્ય સમારોહ મેં ઉપસ્થિત રહને કા કષ્ટ કરેંગે ? યદિ આપ પધારેંગે તો યહ સમગ્ર વિશ્વ કે કવિલોક કા આદર-સન્માન કા પ્રતીક હોગા.’
મનસુખ ‘માત્ર’ માટે તો આ કોઈ ઓસ્કાર એવોર્ડ જેવું હતું. અરે, ઓસ્કાર શું, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝવાળા જેમ દુનિયાના કોઈપણ ખૂણે સંતાયેલી પડેલી પ્રતિભાને શોધી કાઢે છે તેવી અનુભૂતિ હતી ! બસ, લોચો એક જ હતો કે સાલો.... મફત ‘ફક્ત’ નામનો મહાફાલતુ, મહાચાલુ, મહા બકવાસ કવિ ક્યાંક આમાં ઘૂસી ના આવે !
મનસુખ ‘માત્ર’ને સળંગ ચાર દિવસ લગી ચટપટી રહી કે ક્યાંક સેઇમ ઇ-મેઇલ ફોગટ ‘ફક્ત’ને પણ ગયો હશે તો ? છેવટે પાંચમા દિવસે મનસુખ ‘માત્ર’ની સ્વીકૃતિના બદલામાં પેલા સન્માનવર્ધન પ્રતિષ્ઠાનની નમ્ર વિનંતીનો ઇ-મેઈલ આવ્યો કે ‘કવિઓં કે સન્માવર્ધન કા યહ સમારોહ દાતાઓ કી ઉદાર ધનરાશિ સે હી શક્ય હો પા રહા હૈ. ક્યા આપ ઇસ મેં સહભાગી હોના ચાહેંગે ? આપ ન્યુનતમ 5000 રૂપયે કા અનુદાન દે સકતે હૈં.’
મનસુખ ‘માત્ર’ને હવે મઝા પડી ગઈ ! ‘‘પેલો ફોગટ ‘ફક્ત’ સાલો, મહાકંજુસ છે. એ તો 5000નું નામ પડતાં જ ફસકી જવાનો !’’ મનસુખ ‘માત્ર’એ 5000ને બદલે 10,000નું મહાદાન ફટકારી દીધું. લે ફોગટિયા, લેતો જા !
જોકે મનસુખ ‘માત્ર’નું નસીબ બે ડગલાં આગળ હતું. ત્રીજા દિવસે ઉડતી ખબર મળી કે ફોગટ ‘ફક્ત’ને પણ આવી જ ઈ-મેઇલ મળી છે અને સાલા મખ્ખીચૂસે પુરા 5000 ભરી દીધા છે ! મનસુખ ‘માત્ર’ હવે મુંઝાયા. પેલા પ્રતિષ્ઠાનને એમ થોડું કહેવાય કે મેં વધારે રૂપિયા ભર્યા છે એટલે પેલા ‘ફક્ત’ને ફક્ત ઓડિયન્સમાં જ બેસાડજો ?
ત્યાં તો વળી, નવી તક ઊભી થઈ ! પેલા પ્રતિષ્ઠાને પૂછાવ્યું હતું કે તમારા રહેવાની વ્યવસ્થા કેવી હોટલમાં કરવી જોઈશે? ટુ સ્ટાર કે ફોર સ્ટાર ? મનસુખ ‘માત્ર’ એ આ તકને તો વિકેટકીપર ધોની ક્રીઝની બહાર નીકળેલા બેટ્સમેનનાં ચકલાં ઉડાડી દે એટલી ઝડપથી ઝડપી લીધી ! ‘ફોર સ્ટાર ! ફોર સ્ટાર !’ ઇ-મેઇલમાં જવાબ મોકલતાં સાથે હોટલ ભાડાના રૂ. 7500 પણ મોકલી દીધા ! ‘‘લેતો જા મફતિયા, તું સડજે ટુ સ્ટારમાં !’’
ભોપાલ પહોંચતા પહેલાં જોકે મનસુખ ‘માત્ર’એ વહીવટી ખર્ચ, મેડલ-મેકિંગ, પ્રશસ્તિપત્ર પ્રિન્ટીંગ તથા નાસ્તા-ભોજન ખર્ચ પેટે બીજા પંદરેક હજાર મોકલવા પડ્યા પરંતુ ‘માત્ર’ને ખાતરી હતી કે ‘ફક્ત’ તો આટલો નહીં જ ખેંચાય.
છેવટે, મનસુખ 'માત્ર' વાજતે ગાજતે ભોપાલ પહોંચ્યા. (વાજતે ગાજતે એટલે, બધાં બેન્ડ વાજા માત્ર 'માત્ર'ના મનમાં લાગી રહ્યાં હતાં.)
આખરે ભોપાલના એ હોલમાં મનસુખ'માત્ર' પ્રવેશ્યા... પણ આ શું ? ‘માત્ર’ને બહુ મોટો ઝટકો લાગ્યો !
અહીં આખા દેશમાંથી 150 જેટલા કવિઓ પોતાનું ‘ગર્વસિંચન’ કરાવવા માટે સ્વખર્ચે અને સ્વયં દાનેશ્વરી બનીને અહીં પધાર્યા હતા ! હોલમાં હાજર રહેલા ‘માત્ર’ અને ‘ફક્ત’ સહિત અન્ય 148 કવિઓ અહીં ‘ફક્ત અને માત્ર બકરા’ બની ગયા હતા !
(એક સત્યઘટના પર આધારિત)
***
-મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
The TragiComic, but an eye-opener !
ReplyDeleteThank you so much Rasesh bhai !
ReplyDelete