જસ્ટ વિચાર આવે છે કે આપણે ક્યાં જઈએ છીએ, કોને મળીએ છીએ, શું મંગાવીને ખાઈએ છીએ એવું બધું જાણીને પેલા ચીનાઓને શું મળતું હશે ?
ચાલો, માની લઈએ કે દેશના 10,000 વીઆઈપી ટાઈપના લોકોની જાસૂસી કરવામાં એમને કંઈ ફાયદો થતો હશે પણ મારા તમારા જેવા મામૂલી લોકોની માહિતી મેળવવાથી શું મળે ?
ખરેખર તો પત્નીઓ જાણવા માગે છે કે પતિ શું કરે છે ? આપણા દેશમાં ‘પતિ-જાસૂસી’નું એક એપ હોવું જોઈએ !
***
આ એપમાં જાણવા મળશે કે પતિ ફોનમાં કોની કોની જોડે કેટલી મિનિટ વાતો કરે છે…
દાખલા તરીકે, ‘પટેલ ટ્રેડર્સ’ જોડેની વાત હંમેશાં 3 મિનિટમાં પતી જાય છે પણ ‘સુનિધિ ટ્રેડર્સ’ સાથે કેમ રોજ 30-30 મિનિટ વાત કરવી પડે છે ?
***
આ એપથી પતિનું લોકેશન પણ ટાઈમ સાથે જાણવા મળશે…
દાખલા તરીકે, સાંજે 6.30 વાગે પતિ ઓફિસના લોકેશનથી નીકળીને રોજ ‘પોપ્યુલર હાઉસ’ નામના બિલ્ડીંગ પાસે 55 થી 60 મિનિટ રોકાયેલા હોય છે. શું ત્યાં એટલો ટ્રાફિક જામ થાય છે ?
- કે પછી ત્યાં કોઈ પત્તાંની ક્લબ છે ? કે કોઈ પાનનો ગલ્લો છે ? કે પછી એ બિલ્ડીંગમાં કોઈ પોપ્યુલર સુંદરી રહે છે ?
***
આ એપ તમને એ પણ બતાડશે કે પતિ કઈ કઈ ચીજોની ખરીદી કરે છે ?
જો શૂઝ, જિન્સ, શર્ટ, વૉટ કે શેવિંગ કીટ હોય તો સમજ્યા પણ લેડિઝ પરફ્યુમ, ચણિયા ચોળી કે ઘી, તેલ, ઘઉં, ચોખા વગેરે કરિયાણું ખરીદાતું હોય તો તે કોના માટે છે ?
***
અરે, આ એપ તમને એ પણ બતાડશે કે પતિ એમના મોબાઈલમાં શું શું જુએ છે ?
કોની કોની ફ્રેન્ડશીપ કરી રાખી છે ફેસબુકમાં ? કોની કોની પોસ્ટને રોજ લાઈક મારે છે ઇન્સ્ટામાં ? અને મોડી રાત્રે યુ-ટ્યુબમાં શું શું જુએ છે ? (ખાસ કરીને તમે પિયરમાં હો ત્યારે.)
***
આ એપનું નામ તો છેતરામણું હશે જેમ કે ‘વાજબી ભાવ કરો’… પણ મજાની વાત એ છે કે એમાં સૌથી વધુ જાહેરખબરો છૂટાછેડા કરાવી આપનારા વકીલોની હશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment