સળંગ બે અઢી મહિના લગી ગંભીર-ગંભીર ટાઈપના લેખો પછી હવે જરા હળવા લેખો તરફ પાછા વળીએ ? આજે ફિલ્મી ગાયકોના અવાજની વાત માંડી છે...
જ્યારે જ્યારે કે. એલ. સાઈગલના જમાનાનાં ગીતો કાને પડે છે ત્યારે દર વખતે અમને એક જ સવાલ થાય છે કે યાર, શું એ વખતે તમામ ગાયક અને ગાયિકાઓને પરમેનેન્ટ શરદીનો કોઠો રહેતો હતો ? અચ્છા-અચ્છા નામી ગાયકો લગભગ એ જ રીતે નાકમાંથી કેમ ગાતા હતા ?
એ ગાયનોમાં જે વાજિંત્રો વાગતાં એ સાંભળીને તો મને આજે પણ નવાઈ લાગે છે. તબલાં, ઢોલક, હાર્મોનિયમ, વાયોલિન... દરેક વાજિંત્રને જાણે ત્રણ ચાર દહાડા માટે પાણીમાં બોળી રાખ્યાં હોય એવાં બોદાં બોદાં વાગતાં હતાં !
એ જમાનો ’30 અને ’40ના દાયકાનો હતો. હિન્દી ફિલ્મોનું સંગીત શા માટે એ ટાઈપનું હતું એનાં કારણો ઉપર કોઈએ Ph.D. કર્યું લાગતું નથી એટલે મારા જેવા અજ્ઞાનીને હજી એ રહસ્ય સમજાતું નથી.
ખેર, એ પછી ’50ના દાયકામાં ગાયકોના અવાજ ખુલી ગયા ! અનિલ બિશ્વાસ અને ખાસ તો શંકર જયકિશનની ‘બરસાત’ પછી વાજિંત્રોનાં ગળાં પણ શેકેલા પાપડ જેવાં કડક થઈ ગયાં. તબલાં તબલાં જેવાં જ સંભળાવા લાગ્યાં, ઢોલક ઢોલકની માફક અને શહેનાઈ પણ શહેનાઈની જેમ જ વાગવા લાગી. હિન્દી ફિલ્મી મ્યુઝિકનો આ ‘ગોલ્ડન’ પિરિયડ ગણાતો હતો. જોકે એ પછી સિલ્વર, તાંબુ, પિત્તળ અને એલ્યુમિનિયમ પિરિયડ પણ આવવાના જ હતા.
’60ના દશકામાં ગાયકોના અવાજ ધીમે ધીમે મોટા થવા લાગ્યા... (યા... હૂ... ચાહે કોઈ મુઝે જંગલી કહે...થી એની શરૂઆત થઈ) લતાજીનો અવાજ વધુ તીણો થતો ગયો, રફી સાહેબનું ગળું વધારે ખુલતું ગયું, કિશોરકુમારે જાતભાતના અકલ્પનીય અવાજો ગળામાંથી કાઢી બતાડ્યા અને તલત મહેમૂદ જેવા ધીમા અવાજે ગાનારા બિચારા ગાયબ થવા લાગ્યા.
’70 ના દાયકામાં તો લગભગ બધા ઘાંટા પાડીને ગાતા થઈ ગયા. (અરે... રફ્તા રફ્તા દેખો આંખ મેરી લડી હૈ...) 60 વાયોલિન કરતાં ચાર ઢોલકનો અવાજ ભારે મોટો લાગતો હતો. સાદા ટ્રાન્ઝિસ્ટરમાં વાગતું ગીત જાણે મેળાના મોટા ભૂંગળામાં વાગતું હોય તેવું ગાજતું હતું.
’80નો દાયકો જેમ તેમ કરીને કાઢ્યો ત્યાં તો 90ના દાયકામાં ગાયકોની કાર્બન કોપીઓ આવવા લાગી. (સંગીતકારોની પણ !) કુમાર શાનુમાં કિશોરકુમારની અઢારમી ઝેરોક્સ કોપીની ઝલક હતી. તો અનુરાધા પૌંડવાલ લતા મંગેશકરની સગી ભાણેજ હોવાનો દાવો કરી શકે તેમ હતી. મહંમદ રફીની નકલોને તો સ્ટેજની ઘોંઘાટિયણ ‘રફી મ્યુઝિકલ’ નાઈટોમાં માઈકમાં મોં ખોસીને, ગળાની નસ ફૂલાવીને, ચળકતા સોનેરી રૂપેરી શર્ટ પહેરનારા ગાયકોમાંથી શોધી લાવવામાં આવ્યા ! એમાંય વળી મુકેશની નકલ કરનારાઓ તો એટલી હદે ભદ્દી નકલ કરી શકતા હતા કે મુકેશજીની તબિયતને કારણે એમનો જે લથડી ગયેલોઅવાજ હતો તેની પણ આબાદ કોપી મારી શકતા હતા !
આમાં ને આમાં કિશોરકુમારનો દિકરો અમિતકુમાર અને મુકેશનો પુત્ર નિતિન મુકેશ ઓરિજિનલની ‘ઓરિજિનલ કોપી’ હોવા છતાં હરિફાઈમાં હાંફી ગયા.
આ બધામાં એકમાત્ર સોનુ નિગમ જ એવો હતો જે T-Seriesની કેસેટોમાં મહંમદ રફીની નકલ કરતો હતો, તે આગળ જતાં પોતાના સુરીલા અંદાજમાં પુરબહાર ખીલ્યો. જોકે, ’60થી લઈને ’90ના દાયકા સુધીમાં જેને FREAK અવાજ કહી શકાય તેવા (એટલે કે ‘હાઈલા ! આ તો કેવું ગાય છે !’ ‘ટાઈપના અવાજવાળા) ગાયકો પણ મળ્યા.
એક તો શારદા... જે મારા હિસાબે ’40ના દાયકાનું ‘નાક’ અને ’50ના દાયકાના ‘ખુલ્લાગળા’નું મિશ્રણ હતી ! અને બીજા તે ભપ્પી લાહિરી ! બોસ, આને કહેવાય ‘ઓરિજિનલ વોઈસ-ટોન’ ! ભપ્પી દા પોતે સંગીતકાર હતા એટલે પોતાને સૂટ થાય એવી તર્જો પકડીને ગાઈને જ નાંખતા હતાં.
અને હા, આર ડી બર્મન અને એસ ડી બર્મનને કેમ ભૂલાય ? સિનિયર બર્મન માંડ પાંચેક વરસે એક વાર ગાતા અને આરડી ? ..... દૂઈ દાઆઆમ... તોરો તોરો તોરો...”
(આજકાલના ગાયકોની તો, આવતા લેખમાં ‘વાત’ છે ! )
***
-મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Fantastic
ReplyDeleteThank you Jagdish bhai !
ReplyDelete