'ટાઈમ’ મેગેઝિને ટોપ 100 હસ્તિઓનું લિસ્ટ બહાર પાડ્યું પરંતુ હકીકતમાં તો આ ‘ટાઈમ-પાસ’નું વરસ છે ! એટલે પ્રસ્તુત છે ટોપ ટેન યાદી ‘ટાઈમ-પાસ’ની...
***
(1) રિયા ચક્રવર્તી
આજની તારીખે દેશનો સૌથી મોટો ટાઈમપાસ હોય તો તે રિયા ચક્રવર્તી છે. બિચારીએ જેલમાં શું ખાધું, ક્યાં સૂતી, કેટલાં મચ્છર કરડ્યાં એવિ વિગતો આખરે દેશવાસીઓ શેના માટે જાણવા માગે છે ?
***
(2) પબ્જી
ઇન્ડિયાના 16 કરોડ લોકો રોજના બે કલાકથી સાત-સાત કલાક શેના વડે ટાઈમપાસ કરતા હતા ? જો રિયા સુશાંતની ગર્લફ્રેન્ડ ના હોત તો પબ્જી જ નંબર વન હોત.
***
(3) ટિક-ટોક
દેશની 20 કરોડ જનતા નાચી, કૂદી, ગાઈ અને જોક્સ સંભળાવીને બાકીના 55 કરોડ મોબાઈલ યુઝરનું મનોરંજન કરીને ટાઈમપાસ નામના મહાયજ્ઞમાં યોગદાન આપતી હતી... પ્લીઝ રિસ્પેક્ટ.
***
(4) ઓનલાઈન ભણતર
દેશનાં 12 કરોડ સ્ટુડન્ટો પાસે મોબાઈલ છે. બાકીના 12 કરોડ પાસે નથી. જેની પાસે મોબાઈલ છે એમાંથી 4 કરોડ વિદ્યાર્થીઓએ ટાવરની શોધમાં ઝાડ ઉપર, છાપરે, ટેકરીએ, ગામના પાદરે જવાનું હોય છે. ગણી કાઢો ટોટલ ટાઈમપાસ (ભણતરના કલાકો પણ ઉમેરવા !)
***
(5) વેબસિરિઝો
લોકડાઉનના ચાર મહિનામાં બિચારા સંપન્ન સુખી લોકોને ડિપ્રેશન કે આપઘાતના વિચારોમાંથી બચાવ્યા કોણે? વેબસિરિઝોએ ડોક્ટરો કરતાં મોટું કામ કર્યું છે.
***
(6) કોરોનાનું સ્કોરબોર્ડ
કેટલા મર્યા ? ક્યાં મર્યા ? કઈ ઉંમરના ? કયા ધર્મના ? મલ્ટીપલ કે ઓન્લી કોરોના ? આખા વર્લ્ડનાં આંકડાઓ વડે સૌથી મોટો ટાઈમપાસ ન્યુઝ ચેનલોએ કરાવ્યો કે નહીં ? હા પાડો યાર.
***
(7) ચાઈના.... ચાઈના...
ચીન કોરોનાનો જન્મદાતા ! ચીનની વર્લ્ડ બેસ્ટ જાસૂસી ! ચીની એપ દ્વારા ઘૂસણખોરી ! ચાઈના બોર્ડર પર તનાવ ! ચીનની ખતરનાક ચાલ ! ....આવી તો કંઈક સ્ટોરીઓએ ટાઈમપાસ કરાવ્યો. તમે ચીની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરી લો પણ ટાઈમપાસનો બહિષ્કાર ? ઇમ્પોસિબલ.
***
(8) ‘પોઝિટીવ’
જીવનમાં ‘પોઝિટિવ’ શી રીતે રહેવું અને કોરોના ટેસ્ટમાં ‘પોઝિટીવ’ થતાં કેમ બચવું ...એના ચિંતનાત્મક તથા ચમત્કારી નુસખાઓ ! ગ્રેટ ટાઈમ પાસ.
***
(9) ઓનલાઈન કવિ સંમેલનો
દુબારા... દુબારા... (માત્ર કવિઓ માટે)
***
અને (10) ... આ ! તમે વાંચો છો તે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment