આજે જ્યાં લગ્નમાં પણ 50 જણાથી વધારે લોકો ભેગા નથી થઈ શકતા ત્યાં જાહેરમાં કવિ સંમેલનો તો શી રીતે કરી શકાય? (કેમ કે એમાંથી 25 તો કવિઓ જ હોય ! ) એટલે જ અમે વિચાર્યું છે કે શ્રોતાઓની તથા કવિઓની તમામ સગવડ સચવાય એવી એક ‘મુશાયરા-એપ’ બનાવવી ! આનાં મુખ્ય ફિચર્સ આ મુજબ રહેશે...
***
સૌથી પહેલાં તો જે આયોજકો હોય એમણે કમ સે કમ 150 ઓનલાઇન શ્રોતાઓ લાવીને છેક અંત સુધી ‘હાજર સ્ટોક’માં હાજર રાખવાની જવાબદારી લેવી પડશે. (કવિઓને પુરસ્કાર નથી આપતા તો આટલું તો કરો?)
જોકે આમાં ખાસ પ્રોબ્લેમ નહિ નડે કારણ કે અમે એપમાં એવું એક ફિચર રાખવાના છીએ કે તમે એકવાર કવિ સંમેલનમાં ઓનલાઇન થઈ જાવ પછી મોબાઈલમાં તમે ફેસબુક, વોટ્સેપ, ટ્વીટર અથવા ફિલ્મ, વેબસિરિઝ, ગેઇમ જે કરવું હોય તે કરી શકો છો ! બિચારા કવિઓને તો ખબર પણ નહિ પડે.
આ ‘ઓનલાઇન-હાજરી’ ફિચરનો સૌથી મોટો ફાયદો એ છે કે શ્રોતાઓ જો ખરેખર ઝોંકાં ખાય કે ઊંઘી જાય તો તેની પણ ક્યાંય નોંધ લેવાશે નહીં.
આ એપનું બીજું મહત્વનું ફિચર એ છે કે શ્રોતા ચાલુ મુશાયરે ‘લાઇવ-દાદ’ આપી શકશે ! એના માટે ત્રણ અલગ અલગ બટન હશે (1) વાહ વાહ ! (2) ક્યા બાત હૈ ! (3) દૂબારા ! દૂબારા !
જોકે શ્રોતાઓએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે કવિ હજી પોતાની પહેલી જ કવિતાની પહેલી જ પંક્તિના પહેલા બે શબ્દો માંડ બોલી રહ્યો હોય ત્યાં ‘દુબારા... દુબારા...’નું બટન દબાવવા ના મચી પડતા !
જોકે, આ ફિચરની સૌથી ખાસ વાત એ છે કે શ્રોતાઓની આ ત્રણેય પ્રકારની દાદ દરેક કવિને પોતપોતાના મોબાઈલમાં ફૂલ વોલ્યુમમાં સંભળાતી હશે. (ક્યા બાત હૈ !)
આ એપમાં ‘તાલિયાં’નું પણ ખાસ ફિચર છે. શ્રોતાઓ જ્યાં લગી આ બટન દબાવી રાખશે ત્યાં લગી તાળીઓનો ગડગડાટ ચાલુ રહેશે. જોકે આમાં પણ સાવધાની એ રાખવાની છે કે બિચારા કવિની કવિતાને અધવચ્ચેથી અટકાવી દેવા માટે તેનો ઉપયોગ કરવો નહીં. (પ્લીઝ દયાળુ બનો.)
અચ્છા, આ એપમાં કોમેન્ટ્સનું પણ સેક્શન છે. શરત એટલી જ કે શ્રોતાઓ ‘ઉગતા કવિ’ના રોલમાં આવીને જે કોઈ કોમેન્ટો કરવી હોય તે માત્ર અને માત્ર કવિતાના સ્વરૂપમાં કરવાની રહેશે !
આ સાથે જ કોમેન્ટ્સને બીજા શ્રોતાઓ લાઇક પણ કરી શકશે. એટલું જ નહિ, ‘વાહ વાહ’ ‘ક્યા બાત હૈ’ તથા ‘દૂબારા... દૂબારા...’નાં બટનો વડે દાદ પણ આપી શકશે. આના કારણે મઝા એ આવશે કે આખા કવિ-સંમેલનમાં પેરેલલ ચાર-પાંચ લાઈવ મુશાયરા ફાટી નીકળશે ! (જોકે સૌથી મોટો ફાયદો એ થશે કે કવિ હોવાના ‘વહેમમાં’ આવી ગયેલા શ્રોતાઓને ઓનલાઈન છોડીને ઝટ ઓફ-લાઈન થવાનું મન થશે નહીં !)
આ બધું તો સમજ્યા, પણ આ એપનું સૌથી બેસ્ટ ફિચર છે... સડેલાં ટામેટાં અને ઇંડાં ! જી હા ! તમને થશે કે વાહ, મજા પડી ગઈ ! આમાં તો કશું જોયા સાંભળ્યા વિના ઘેર બેઠાં જ તમે ભલભલા (પોત-પોતાને ઘેર બેઠેલા) કવિશ્રીને ટામેટાં-ઇંડા મારી શકો છો ! પણ ના...
વાત એમ છે કે આ એપમાં એવી ગોઠવણ કરી છે કે શ્રોતા જ્યારે આ બે બટનો દબાવે ત્યારે સ્ક્રીન ઉપર ઇંડાં કે ટામેટાં ઉછળતાં દેખાશે જ નહીં ! એના બદલે સતત લખેલું આવ્યા કરશે... “Error!!! Please try again…” બસ, હવે જોવાનું એ છે કે કયો શ્રોતો ક્યાં સુધી એની ભડાસ કાઢવા માટે આ બટન દબાવતો રહેશે ? છેવટે એ પણ થાકશે ને ?
બસ, આ જ અમારા એપનું મેઇન ફિચર છે. ભલે શ્રોતા થાકી જાય પણ કવિ કદી નહીં થાકે ! બોલો, વાહ વાહ... ક્યા બાત હૈ !
***
e-mail : mannu41955@gmail.com
Waah waah kya baat hai 😆😆
ReplyDeleteThank you so much Manoj Bhai
DeleteHumorous.
ReplyDeleteસરસ સરસ સરસ
ReplyDeleteઆભાર આભાર આભાર ! 🙏🙏🙏
ReplyDelete