લોકો કેવી કેવી જાતનાં માસ્ક કેવી કેવી રીતે પહેરતા થઈ ગયા છે ? જરા નટખટ નજરે જોવા જેવું છે…
***
અમુક લોકો માસ્કને ગળા ઉપર એ રીતે લબડતું રાખે છે કે જાણે મફલર પહેર્યું છે !
***
અને અમુક લોકો માસ્કને એક કાન ઉપરથી એ રીતે લબડતું રાખે છે કે જાણે કોઈ સુથાર-મિસ્ત્રીએ કાન ઉપર પેન્સિલ ભેરવી રાખી હોય !
***
અમુક બહેનો માસ્ક ઉપર વારંવાર એ રીતે હાથ ફેરવ્યા કરે છે કે જાણે રાતોરાત મોં ઉપર દાઢી-મૂછ ઊગી નીકળ્યાં હોય !
***
અને અમુક બહેનો જેટલી વાર સાડીનો છેડો સરખો કરે છે એટલી વાર મોં ઉપરનું માસ્ક પણ સરખું કરી લે છે !
***
અમુક ભાઈઓ મોંમાં માવાની પડીકી પધરાવવા માટે ડાચું ઊંચું કરીને માસ્કને એ રીતે ખોલે છે કે જાણે પાઇપ વડે કેરબામાં કેરોસીન રેડવાનું હોય !
***
અને અમુક ભાઈઓ મોં નીચું રાખીને, માસ્ક સ્હેજ ઊંચું કરીને, પ્લાસ્ટિકની બોટલમાંથી એ રીતે પાણીનો ઘુંટડો ભરે છે કે જાણે પોલીસની નજર ચૂકવીને દારૂ પીતા હોય !
***
અમુક બહેનો શાક લેવા જવાનું હોય તો પણ સાત માસ્ક વારાફરતી બદલીને પછી જે મેચિંગમાં આવતું હોય એ જ પહેરીને નીકળે છે !
***
અને અમુક બહેનો તો માસ્ક પહેરતાં પહેલાં હોઠ ઉપર લિપસ્ટિક પણ લગાડી લેતાં હોય છે ! બોલો.
***
બાકી મોટા ભાગના લોકો માસ્ક એ રીતે પહેરે છે કે જાણે મોં ઉપર બાંય વગરનું બનિયાન લટકતું હોય !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment