માસ્કનું લક્ષણ શાસ્ત્ર !


કોણે કેવું માસ્ક પહેર્યું છે અને માસ્ક પહેર્યા પછી કોણ કેવી હરકતો કરે છે… એનું ધ્યાનથી અવલોકન કરવાથી શું શું જાણવા મળે છે ?

***

જેણે પોતાના ચહેરા કરતાં મોટું માસ્ક પહેર્યું હોય તેણે કદાચ પોતાના બાપાનું માસ્ક પહેર્યું હશે !

***

જેણે સાવ નાનું માસ્ક પહેર્યું હોય તેને એ માસ્ક બાળકના ડાઈપર સાથે ફ્રીમાં મળ્યું હશે !

***

જે માણસ વારંવાર પોતાનું માસ્ક એડજસ્ટ કર્યા કરતો હોય તેને અંદર પોતાની મૂછ નડતી હશે !

***

જે માણસ માસ્ક પહેરવા છતાં પોતાનું નાક ખુલ્લું રાખે છે તેને જ કદાચ શ્વાસ લેવામાં તકલીફ પડતી હશે ! (એનાથી આઘા રહો.)

***

જેના માસ્ક ઉપર તમને ઘેરા લાલ અથવા બ્રાઉન કલરના ડાઘા દેખાય એનાથી પણ આઘા રહો… કારણ કે એને વારંવાર માવાની પિચકારી મારવાની ટેવ હશે !

***

માસ્ક પહેરતાંની સાથે જેના ચશ્મા ઊંચા ચડી જાય છે તેના માસ્કનું ઇલાસ્ટિક ચશ્માની દાંડીમાં ભરાઈ જતું હશે !

***

જે માણસ ફક્ત ટ્રાફિક સિગ્નલ પાસે આવીને જ માસ્ક પહેરે છે તે પોતાની જાતને કોરોનાથી નહી, પોલીસથી બચાવી રહ્યો છે !

***

જેણે કેસરિયા રંગનું માસ્ક પહેર્યું છે તે રામભક્ત હોઈ શકે છે.

અને જેણે લીલા રંગનું માસ્ક પહેર્યું છે તે કોઈ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાંથી ચોરેલું હોઈ શકે છે ! (બધા કલર કોમવાદી ના હોય.)

***

… અને જેણે કાળા કલરનું માસ્ક પહેર્યું હોય તેના પેટમાં ગડબડ હોઈ શકે છે કારણ કે કાળો રંગ ‘મેલખાઉ’ હોય છે ! હીહીહી….

***

- મન્નુ શેખચલ્લી

Comments