દિલ બેચારા: ફોલ્ટ ઈન ધ કાર્બન કોપી !


જે લોકો સુશાંત સિંહના ફેન હોય તેઓ અહીંથી જ વાંચવાનું બંધ કરે, પ્લીઝ. બાકી જેને ફિલ્મી કેન્સર પેશન્ટો (જે હિન્દી ફિલ્મની ‘આનંદ’થી ચાલી આવતી પરંપરા મુજબ હંમેશા જોક્સ જ મારતા હોય) માં રસ હોય તેમને જણાવવાનું કે અહીં આ ફિલ્મમાં તો નવી નવી જાતના કેન્સર પેશન્ટો છે !

એક પેશન્ટને પગમાં કેન્સર થયું છે. તેનો પગ કાપી નંખાયો છે. બીજાની એક આંખ કેન્સરમાં આંધળી થઈ ગઈ છે અને ત્રીજા પેશન્ટને ઓક્સિજનની કમી પડે છે એટલે તે સતત સ્કુલ-બેગ સાઈઝનો ઓક્સિજનનો બાટલો લઈને ફરતી રહે છે.

જોવાની વાત એ છે કે જે પેશન્ટ લંગડો છે (સુશાંત) તે કોલેજની ટેલેન્ટ ઇવનીંગમાં સ્ટેજ ઉપરથી ઓડિયન્સમાં અને ઓડિયન્સમાંથી સ્ટેજ ઉપર ગાયન ગાતાં ગાતાં ઠેકડા જ મારતો રહે છે !

બીજો જે પેશન્ટ આંધળો થઈ જવાનો છે (સુશાંતનો દોસ્ત) તેને મરતાં પહેલાં કોમેડી ભોજપુરી ફિલ્મ બનાવવી છે !

ત્રીજી જે ઓક્સિજનનો બાટલો લઈને ફરે છે તેનું સપનું  ઓક્સીજનના બાટલાની ફેક્ટરી બનાવવાનું છે, એવું નથી બતાડ્યું તે નવાઈની વાત છે !

એમાંય સુશાંતની ઠેકડા મારવાની ટેવ તો એટલી હદે વકરેલી છે કે એ દર વખતે એની ગર્લફ્રેન્ડની પહેલા માળની રૂમમાં ડાયરેક્ટ બાલ્કનીમાંથી જ અંદર આવે છે ! બોલો !

એ પોતે એકવાર કહે છે કે એનું સપનું ઠેકડા મારી મારીને ગોલ કરતા બાસ્કેટબોલ પ્લેયર બનવાનું હતું ! (એટલા માટે જ એ જ્યાં રહે છે તે ભાડેના રૂમમાં એક બાસ્કેટબોલની જાળી તેના ખભા જેટલી હાઈટે જ રાખી છે !)

આખી ફિલ્મમાં કોમેડી કરવાની ટોટલ જવાબદારી આ ત્રણ કેરેક્ટરોએ જ લઈ લીધી છે. એમની વાહિયાત અને સડેલી (ક્યારેક અપમાનજનક) જોક્સ ઉપર બીજાં પાત્રોએ કાં તો હસવાનું છે કાં તો એમને ના દેખાય એ રીતે રડવાનું છે! (પ્રેક્ષકોએ શું કરવું તેની સુચના ક્યાંય નથી.)
એટલું જ નહિ, ત્રણે જણા મળીને સાવ ભવાડા જેવી ભોજપુરી ફિલ્મ બનાવે એમાં હેલ્પ પણ કરવાની છે !

આ ત્રિપુટી જાતજાતના ધતિંગો કરતી રહે છે. આંધળાની બ્રેક-અપ કરી ગયેલી ગર્લફ્રેન્ડના ઘરે જઈને ઇંડાં ફેંકે છે, ચર્ચમાં પ્રાર્થના ચાલતી હોય ત્યાં સેક્સનાં ‘કન્ફેશન’ કરે છે, અડધી રાત્રે ચર્ચ ખોલાવડાવીને પોતાના મૃત્યુ પછીની ‘શ્ર્ધ્ધાંજલિ’ સ્પીચના રિહર્સલો કરે છે ! (સાથે સાથે સ્મશાનયાત્રાનું ગ્રાન્ડ રિહર્સલ પણ કરાવી લેવાનું હતું ને ? છોકરીનાં મા-બાપ તો બિચારાં એમાંય ‘કોમેડી’ સમજીને સાથ આપતાં હોત !)

ફિલ્મમાં ભેજાંગેપ ઘટનાઓની એવી ભરમાર છે કે પ્રેક્ષકોને જ ‘બ્રેઇન કેન્સર’ થઈ જાય ! 

‘ગ્રાન્ડ મસ્તી’ કે ‘હમશકલ્સ’ જેવી ભેજાંગેપ ફિલ્મોના તો પ્રચારમાં જ કહેવામાં આવે છે કે દિમાગ ઘરે મુકીને જજો. અહીં એવી ચેતવણી ના આપીને પ્રોડ્યુસરે બહુ મોટી ભૂલ કરી છે !

ભેજાંગેપ ઘટનાઓ અપાર છે... આ લોકો કોલેજમાં ભણે છે છતાં જમશેદપુરના કોઈ વિચિત્ર રિવાજ મુજબ એ લોકો ‘પ્રોમ નાઈટ’માં નાચે છે ! (BTW, પ્રોમ સ્કુલમાં જ હોય) એ તો ઠીક, સુશાંત સિંહનું ઘુંટણનું કેન્સર ફેલાઈને છેક છાતીની પાંસળીઓ સુધી પહોંચી ગયું છે છતાં તે કોઈ થિયેટરમાં રજનીકાન્તની મુવી જોવા એકલો ગયો છે ! ત્યાં દર્દ અસહ્ય થઈ જતાં 108ને ફોન કરવાને બદલે પેલી છોકરીને ફોન કરે છે ! થિયેટરની સીટ ઉપર સાડા ત્રણ મિનિટનો મેલોડ્રામા કર્યા પછી જ છોકરી એમ્બ્યુલન્સ બોલાવે છે ! એટલું જ નહીં, જ્યારે સુશાંતને સ્ટ્રેચરમાં નાંખીને લઈ જાય છે ત્યારે જમશેદપુરનો એકપણ પ્રેક્ષક ‘આ શું થયું ?’ એમ વિચારીને સુશાંતને જોવા પણ ઊભો થતો નથી !

અને હા, છોકરીને રાતોરાત પેરિસ જવું છે ! કેમ ? કારણ કે અભિમન્યુ વીર નામના તેના પ્રિય ગાયકે એક ગીત અધૂરું કેમ રાખ્યું છે, તે પૂછવા માટે ! ઓ બહેન, વિડીયો કોલ કરીને ના પૂછાય? ખાલીપીલી બાપાના પૈસા શું કામ બગાડે છે ?

‘અ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ’ ઉપરથી બનેલી આ ફિલ્મને અમુક વિવેચકોએ ઘણા સ્ટાર્સ આપ્યા છે, તે જાણ ખાતર.

***

- મન્નુ શેખચલ્લી

Comments