આજે અયોધ્યામાં રામમંદિર માટે ભુમિપૂજન છે. ટીવીમાં આનું પ્રસારણ જોઈને અમુક લોકોને શારિરીક તથા માનસિક ‘રિ-એકશન’ આવવાની શક્યતા છે...
***
રિએક્શન પ્રકાર – 1
ટીવીમાં લાઇવ પ્રસારણ જોતાં પહેલાં, જોતાં જોતાં અને જોયા પછી મગજની નસો તંગ થઈ જાય, જીભમાં તથા પેટમાં જલન થતી હોય તેવી બળતરા થાય, મુઠ્ઠી ઉગામીને ટીવી તોડી નાંખવાનું મન થાય, ટીવીની ડિબેટમાં ભાગ લેતા હોઈએ તેમ સતત મોટા અવાજે ઘોંઘાટ કરવાનું મન થાય... અથવા મન સવારથી ઉદાસ, હતાશ, હારેલું હોય તેવું લાગ્યા કરે...
નિદાન પ્રકાર – 1
જો ઉપર જણાવેલાં લક્ષણો હોય તો માનવું કે મગજના કોષોમાં ‘સેક્યુલરીઝમ’ ‘એન્ટિ-હિન્દુત્વ’ તથા ‘એન્ટિ-મોદી’ નામનાં જીવાણુઓનો ફરીથી હુમલો થયો છે.
***
રિએક્શન પ્રકાર – 2
લાઇવ પ્રસારણ જોતાં જોતાં દિલો-દિમાગમાં જોશ ઉભરાઈ આવે, સોફામાં બેસી રહેવાને બદલે ઉછળી-ઉછળીને સુત્રો પોકારવા લાગો, ટીવી ઉપર કંકુ-ચોખાના ચાંલ્લા કરીને આરતી ઉતારો, ઘરની બહાર જઈને કોઈપણ ઇન્ટેલેક્ચ્યુઅલ જેવા દેખાતા માણસને બે ધોલ મારી બેસો..
નિદાન પ્રકાર – 2
ઉપરનાં લક્ષણો પ્રગટ થાય તો સમજવું કે લોહીનાં કણોમાં ‘ચોકીદાર’, ‘ભક્ત’, ‘હિન્દુવાદ’ જેવા રસાયણોનું પ્રમાણ ભયજનક સપાટીથી ઉપર વધી ગયું છે.
***
રિએક્શન પ્રકાર – ૩
ટીવીમાં એન્કર “યે દેખિયે ભુમિ, યે દેખિયે ભુમિ કા રંગ, યે દેખિયે ભુમિ કી મિટ્ટી, યે દેખિયે ભુમિ કા કંકડ, યે દેખિયે ભુમિ કા પૌધા, યે દેખિયે ભુમિ કા પેડ...” એવું બતાડ્યા કરતો હોય તે આંખો ફાડીને ઉત્તેજિત થઈને જોયા કરવું...
નિદાન પ્રકાર – 3
‘બ્રેકિંગ ન્યુઝ’ નામની વરસો જુની બિમારીએ ફરી ઉથલો માર્યો છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment