સોશિયલ મિડીયામાં હજી સારું છે કે ગુલઝાર, ગાલિબ કે જાવેદ અખ્તર જેવા કવિઓ નવું નવું લખ્યા કરે છે ! હરિવંશરાય બચ્ચન પણ શું લખી ગયા હતા તે જાણવા મળી જાય છે પરંતુ દુનિયાના મહાન ગણાતા કોઈ ફ્રેન્ચ નવલકથાકાર કે કોઈ ગ્રીક ફિલોસોફર અથવા કોઈ રશિયન નાટ્યકાર શું કહી ગયા હતા તેની આપણને ક્યાંથી ખબર પડે ?
ઓફ કોર્સ, અખબારો તથા મેગેઝિનોમાં દર અઠવાડિયે આવતી ચિંતનાત્મક કોલમોમાંથી જ ને !
આવી કોલમોમાં અચૂક લખ્યું હોય છે કે ‘જર્મન કવિ દાન્તે કહે છે કે...’ ‘રશિયન લેખક દોસ્તોવ્યસ્કીએ એક જગાએ લખ્યું છે કે...’ ‘ફ્રેન્ચ નાટ્યકાર પિરાન્દેલોએ તેની ડાયરીમાં નોંધ્યું છે કે...’ ‘જાપાનિઝ ફિલ્મકાર કુરોસાવાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે...’ વગેરે વગેરે...
મેક્સમુલર, ટોલ્સટોય, સોક્રેટિસ, હ્યુ-આન-સંગ, એરિસ્ટોટલ, ખલિલ જિબ્રાન, વર્ડ્ઝવર્થ, શેક્સપિયર, ઇલિયટ, આલ્બેર કામુ, એન્તન ચેખોવ, ઇન્ગ્રીડ બર્ગમાન, સર્ગી તારકોવ્સ્કી... આવાં અનેક નામો આપણી આંખે અથડાયા કરે છે. બિચારા ડફોળ વાચકોની સગવડ ખાતર આ બધાં નામોની આગળ ઓળખાણવાચક શબ્દો પણ હોય છે જેમ કે ‘ગ્રીક વિચારક’ ‘ફ્રેન્ચ ક્રાન્તિકારી’ ‘રશિયન નાટ્યકાર’ ‘યુરોપના મધ્યકાલીન લેખક’ ‘અમેરિકાના પ્રખ્યાત અવકાશવિજ્ઞાની ’ વગેરે વગેરે.
સૌથી મઝાની વાત એ છે કે આ તમામ મહાન હસ્તિઓ મરી ગઈ છે ! એટલું જ નહિ, એ બધી હસ્તિઓ ફોરેનની છે ! હજી ગાંધીજી શું કહી ગયા કે સરદાર વલ્લભભાઈ પટેલ શું માનતા હતા એ બાબતનાં ગપ્પાં સોશિયલ મિડિયામાં તરત જ ખુલ્લાં પડી જાય પણ સોક્રેટિસ શું કહી ગયો હતો તે તમને ક્યાંથી ખબર પડવાની હતી ?
અરે ! આ ચિંતનાત્મક કોલમોમાંથી જ ખબર પડે ને ?
સાચું કહેજો, તમે કોઈ દહાડો દોસ્તોવ્યસ્કીની ચોપડી જોઈ છે ? જર્મન કવિ નિત્શેનો કાવ્યસંગ્રહ ક્યાંથી મળે તેની કંઈ ખબર છે ? ધારોકે તમે ગુગલમાં સર્ચ મારીને આવું કંઈક શોધી પણ કાઢ્યું તોય શી ખાતરી કે તમે જે શોધ્યું એ સિવાય દોસ્તોવ્યસ્કી અને નિત્શે બીજે ક્યાં ક્યાં અને શું શું લખી ગયા હશે ?
બસ, એટલે જ આપણે આવી સુવિચારોથી મઢેલી ચિંતનાત્મક કોલમો વાંચતા રહેવું જોઈએ ! જેથી કાલે ઊઠીને ટોલ્સટોય શું કહેવાના છે તેની ઉપર પણ નજર રહે !
જોકે આમાં થોડી પ્રેક્ટિકલ સમસ્યા ખરી. જેમ કે મનના ગુસ્સાને કાબૂમાં રાખવા માટે ટોલ્સટોયે એરિસ્ટોટલને શી સલાહ આપી હતી એ તો જાણવા મળે પરંતુ માવો ખાઈને બીજો કોઈ થૂંક્યો હોય છતાં 500 રૂપિયાનો દંડ તમને ચોંટે ત્યારે શું કરવું તે જાણવા મળતું નથી.
અમને તો ઘણીવાર વિચાર આવે છે કે આ બધા મહાન વિચારકો શું કહી ગયા તે જાણવા કરતાં ધીરુભાઈ અંબાણી મુકેશ અંબાણીને શું સલાહ આપી ગયા હશે તે જાણવાથી વધારે ફાયદો ના થાય ?
વળી, પેલા બધા મરી ગયેલા ચિંતનકારો કરતાં આજના જીવતા ચિંતન-લેખક પાસેથી જ કંઈ જ્ઞાન લેવું જોઈએ ને ? એકવાર અમને આવા જ જીવતા-જાગતા ચિંતનકાર સાથે લન્ચ લેવાનો મોકો મળ્યો હતો. એમની લાંબી લાંબી વાતોમાં સમય વીતી રહ્યો હતો એટલે અમે એમને યાદ કરાવવાના હેતુથી પૂછ્યું : “હવે જમવા વિશે શું વિચારો છો ?”
એમણે ગંભીર ચહેરો કરીને જવાબ આપ્યો કે “પ્લેટોએ કહ્યું છે માણસ પોતાના પેટ વિશે જેટલી ચિંતા કરે છે એટલી જો બીજાના પેટ વિશે ચિંતા કરતો હોત તો આ પૃથ્વી સ્વર્ગ બની જાત !”
અમે તો બે ઘડી સ્તબ્ધ થઈ ગયા ! છતાં ધીમેથી પૂછી લીધું કે “એવું તો પ્લેટો કહે છે, પણ થાળીઓ શું કહે છે ?”
હવે સ્તબ્ધ થવાનો વારો એમનો હતો ! અમે ફેરવી ફેરવીને ખુલાસો કરતાં કહ્યું કે ‘ભલે કાચની પ્લેટો જે કહેતી હોય તે, પણ આપણી દેશી થાળીઓ જમવા વિશે શું કહે છે ?’
- અમે જમતી વખતે પ્લેટો અને થાળીઓ, બન્નેને પૂછી જોયેલું, પરંતુ કોઈએ સરખો જવાબ નહોતો આપ્યો....
***
e-mail : mannu41955@gmail.com
Lalitbhai, Good set up to catch.. Let us see how many people point out that Nietzsche never wrote poetry and there can not a collection of poems by him. :)
ReplyDeleteઅરે મારા સાહેબ, નિત્શે કવિતાઓ લખતો હતો કે ગઝલો એની મારા જેવા ડોબાને ક્યાંથી ખબર હોય ? અમે તો ચિંતન કોલમોમાંથી જ જ્ઞાન લીધું હોય ને !
ReplyDelete