ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ઠેરઠેર પુર ફરી વળ્યાં છે. મામલો ગંભીર છે. છતાં આવા સમયે ક્યાંકથી કંઈક ભળતા જ રમૂજી સમાચારો આવી ચડે છે ! જુઓ…
***
હોડીઓ…
પુર રાહત માટે સાચવીને રાખેલી હોડીઓ પુરમાં તણાઈ ગઈ…
***
ટાંકી…
ભયંકર પુરના પ્રવાહમાં ફલાણા ગામની પાણીની ટાંકી પાણીમાં જ તણાઈ ગઈ…
આ પાણીની ટાંકી પાણીમાં તરતી રહી હતી કારણ કે પાણીની ટાંકીમાં પાણી જ નહોતું…
***
ભેંસ…
અમુક ગામે પુરમાં તણાયેલી ભેંસને બચાવવા પાણીમાં ઉતરેલી ટીમ પોતે જ પાણીમાં તણાઈ ગઈ…
છેવટે એ ટીમને એ જ ભેંસની પીઠ ઉપર બેસાડીને બહાર કાઢવામાં આવી…
***
વીજળી…
ઢીંકણા ગામે એક ઊંચા વીજળીના થાંભલા ઉપર વીજળી પડવાથી આખા ગામની વીજળી ડૂલ થઈ ગઈ…
***
પુલ…
પુરનાં પાણીથી બચવા માટે બાંધવામાં આવેલો પુલ તાજેતરમાં આવેલાં પુરનાં પાણીમાં જ તણાઈ ગયો…
***
સ્વિમિંગ…
ભારે વરસાદને કારણે ફલાણા શહેરમાં રાખેલી સ્વિમિંગની સ્પર્ધા કેન્સલ કરવામાં આવી…
જોકે સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓ રસ્તા ઉપરથી તરતા તરતા જ આવ્યા હતા…
***
તળાવ…
ઢીંકણા શહેરના રસ્તાઓ ઉપર પાણીનું લેવલ અઢી ફૂટ થઈ ગયું… જ્યારે એ જ શહેરના નવા બનેલા તળાવની સપાટી માત્ર સાડા છ ઇંચ વધી છે… શુભરાત્રિ.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment