સામાજિક સમસ્યાઓને હેડ-ઓન લઈ રહી છે નવી ફિલ્મો


ગયા સપ્તાહે એક ટોપિક છેડ્યો હતો કે હોલીવૂડની ફિલ્મોમાં એમના દેશ અમેરિકાની સામાજિક સમસ્યાઓ વિશે કંઈ નિસ્બત દેખાય છે ખરી ? સ્વભાવિક છે, જવાબ ‘ના’ માં મળી રહ્યો છે.

એની સામે ભારતીય ફિલ્મોને જુઓ તો અહીં ઠેરઠેર આપણી પોતાની જ સમસ્યાઓ જોવા મળી રહી છે. એટલું જ નહિ, સન ૨૦૦૦ બાદ મલ્ટીપ્લેક્સ સિનેમાની શરૂઆત થઈ છે ત્યાર પછી તો આપણી ફિલ્મોની સામાજિક નિસ્બત વધુ ને વધુ ખુલીને બહાર આવી છે.

ફક્ત શિક્ષણપ્રથાનો દાખલો લઈએ તો ‘થ્રી ઇડિયટ્સ’ થી પાયાના પ્રશ્નો પૂછાવાના શરૂ થયા કે ‘શું ફક્ત ગોખીને પાસ થવું એ જ શિક્ષણ છે ? કે પછી પોતાની ટેલેન્ટની પહેચાન મેળવવી એ શિક્ષણ છે ?’ 

આ તો શરૂઆત થઈ પણ આખા દેશમાં જ્યાં અનામત પ્રથા બાબતે રાજકીય પક્ષોએ મોટો વિવાદ ઊભો કર્યો છે એવા વિષયને પણ પ્રકાશ ઝા જેવા ડિરેક્ટરે ‘હેડ-ઓન’લઈને ‘આરક્ષણ’ નામની ફિલ્મ બનાવી. જે બોક્સ ઓફિસ ઉપર ચાલી પણ ખરી.

ગરીબોના તેજસ્વી બાળકોને ભણાવીને IIT એન્ટ્રન્સ એક્ઝામમાં ટોપ કરાવનારા બિહારના આનંદકુમારની જહેમત વિશેની આખી ફિલ્મ આવી ગઈ, ‘સુપર 30’. એ સિવાય ‘ઇંગ્લીશ મિડિયમ’માં અતિશય મોંઘી સ્કુલોમાં ગરીબ બાળકોની RTE સીટનું કૌભાંડ ઉઘાડું પાડ્યું. ‘હિન્દી મિડિયમ’ મિડલ ક્લાસ મા-બાપને મોંઘું ફોરેન એજ્યુકેશન શી રીતે હચમચાવી દે છે તેની વાત લઈને આવી. 

ઇંગ્લીશ વિંગ્લીશ’ તો વિદેશમાં વસ્તી ભારતીય ગૃહિણીની પોતાનાં જ સંતાનો આગળ અંગ્રેજી ના બોલી શકવાની થોપી દેવાયેલી શરમ ઉપર આધારિત હતી. ‘હિચકી’માં ફરીવાર RTEનો મુદ્દો ઉઠાવાયો અને ‘તારે જમીં પર’ ભલે કોઈ માનસિક બિમારીથી ગ્રસ્ત બાળકની વાર્તા હોય, એમાં મૂળ મુદ્દો તો બીબાઢાળ શિક્ષણ પધ્ધતિનો જ હતો.

આ સિવાય ગુજરાતીમાં પણ ‘’ (નેશનલ એવોર્ડ વિજેતા) અને ‘સાહેબ’ ‘બેક બેન્ચર’ જેવી ફિલ્મો આવી છે. ભારતની બીજી ભાષાઓમાં આ વિષયને લઈને કેટલી ફિલ્મો બની છે તેની ખબર નથી પરંતુ આવનારા વરસોમાં હજી આ વિષય ઉપર ફિલ્મો બનતી જ રહેશે એ ચોક્કસ છે. અતિશય મોંઘી ફી,બોગસ કોલેજો, ધંધાદારી ટ્રસ્ટીઓ અને કોમર્શિયલ ટ્યૂશન ક્લાસીસ જેવી અનેક  સમસ્યાઓ હજી ઊભી જ છે.

મારો સવાલ એ છે કે દુનિયાના બીજા કયા દેશમાં માત્ર આ વિષય ઉપર આધારિત આટલી ફિલ્મો બની છે ? વળી એવું પણ નથી કે કોઈ કહેવાતા ક્રાંતિકારી ફિલ્મ-મેકરોએ આ બધી ફિલ્મો માત્ર એવોર્ડ્ઝ કમાવા માટે બનાવી હોય.

આમાંની મોટાભાગની ફિલ્મોએ બોક્સ ઓફિસ ઉપર કમાણી કરી છે. લોકો આ ફિલ્મો જોવા માટે મોટી સંખ્યામાં આવ્યા કારણ કે આ આપણા સમાજની દુઃખતી રગ છે. ખરેખર તો હોલિવૂડના નિર્માતાઓને નવાઈ લાગવી જોઈએ કે જે ભારતીય સિનેમા ઉપર એમણે પરમેનેન્ટલી ‘એસ્કેપિસ્ટ’ (ભાગેડુ) હોવાનું લેબલ લગાડ્યું હતું તેનાથી બિલકુલ ઊંધુ બની રહ્યું છે.

હવે વાત કરીએ ભારતીય સિનેમામાં નારી વિષયને લઈને બનતી ફિલ્મોની. આવી ફિલ્મો સતત બનતી જ રહી છે. અગાઉ તેને ‘હિરોઇન ઓરિએન્ટેડ’ ફિલ્મો કહેતા હતા. એમાં વિધવા વિવાહ, બાળવિવાહ, કુરિવાજો તથા નારીને થતા સામાજિક અન્યાયની વાતો તો હતી જ. પરંતુ હવે તો હિન્દી ફિલ્મો ખુલેઆમ એવા વિષયોને ‘હેડ-ઓન’ લઈ રહી છે જેની ૨૦ વરસ પહેલાં કલ્પના પણ અશક્ય હતી.

દાખલા તરીકે ‘પિન્ક’ કંઈ બળાત્કાર વિશેની ફિલ્મ નહોતી. એનો મુદ્દો એ જ હતો કે આજની યુવતી જો ‘ના’ કહે તો એને સ્પષ્ટ ‘ના’સમજવામાં આવે. ફિલ્મમાં કોઈ ઉપર બળાત્કાર થતો જ નથી. કોઈ પાવરફૂલ બાપના નબીરાઓ ત્રણ યુવતીઓને કેટલી હદે પરેશાન કરી શકે તેનો આ માત્ર ‘કોર્ટ-રૂમ ડ્રામા’ હતો. છતાં એ ફિલ્મે બીજી ઘણી ફિલ્મોના દરવાજા ખોલી નાંખ્યા... ‘થપ્પડ’,  ‘છપ્પાક’,  ‘આર્ટિકલ 15A’ ‘સેકશન 375’ વગેરે.

એ જ રીતે જોવા જાવ તો ‘પેડમેન’ કોઈ ઉદ્યોગ સાહસિકની વાર્તા નહોતી. ‘ટોઇલેટ એક પ્રેમકથા’ સરકારની ઘર-ઘર શૌચાલય માટેની પ્રચાર ફિલ્મ પણ નહોતી પરંતુ બન્નેમાં માત્ર અને માત્ર મહિલાઓને જે પીડા ભોગવવી પડે છે. તેમાંથી તેમને મુક્ત કરવાની વાત હતી !

હજી જરા ફરીથી વિચારજો, શું અમેરિકા કે બીજા કોઈ પણ દેશોમાં આવી ફિલ્મો બની છે ખરી ?

***

-મન્નુ શેખચલ્લી

Comments