હાસ્યકથા : પકિયાની પીપી


પકિયાને કચ્ચીને લાગી હતી પણ રોકી રાખવા સિવાય છુટકો જ નહોતો. એસટી બસ સ્ટોપ ઉપર અમદાવાદ જતી એકસ્પ્રેસ બસનો ટાઈમ 12.15નો હતો. બસ હવે ગમે તે ટાઈમે મુકાઈ જાય. એવામાં જો પોતે ‘એક નંબર’માં ગયો તો આ બાજુ અમદાવાદ એકસ્પ્રેસ પણ જાય.

બાર-પંદરની બસ છેક બારને બાવીસે મુકાઈ. પકિયાને તો રોકી રાખવા સિવાય છુટકો જ ક્યાં હતો ? ધડાધડ કરતાં પેસેન્જરો ચડ્યા એની સાથે અથડાતો પકિયો પણ ચડ્યો. મનમાં હતું કે સીટ રોકીને, એની ઉપર રૂમાલ મુકીને ફટાફટ ‘જઈ’ આવું પણ ડ્રાઈવર હજી એની સીટ ઉપર જ બેઠો હતો. એ ક્યાંક ઉપાડી મારે તો ?

કંડક્ટર આવ્યો. પકિયાએ પૈસા આપતાં કહ્યું ‘એક અમદાવાદ’. પછી દબાયેલા અવાજે પૂછી જોયું “ઉપડવામાં વાર છે ?” કંડક્ટરે પોતાની કેશ-બેગનું પરચૂરણ ખખડાવતાં ઉધ્ધત જવાબ આપ્યો. “કેમ ભઇ, મસાલો ખાધા વિનાના રહી ગયા છો ? બસ ઓલરેડી લેટ છે….”

બધા પેસેન્જરની ટિકીટ કાપીને કંડક્ટર તો ઉતરી ગયો ! ડ્રાઈવર પણ એની સીટ ઉપર નહિ ! પકિયાને ચટપટી ઉપડી. શું કરું ? જતો આવું ? ફટાફટ ? પણ ક્યાંક આ લોકોએ બસ ઉપાડી મુકી તો ?

‘આમાં રિસ્ક ના લેવાય..’ પકિયો બબડીને બેસી રહ્યો. ઘડિયાળમાં જોયું, બાર ને સત્તાવીસ… સાલું આટલી વારમાં તો બે વખત જઈ આવ્યો હોત. ‘હજીયે કંઈ ખાટું મોળું નથી થયું…’ એવો વિચાર આવતાંની સાથે બીજો વિચાર આવ્યો કે “ભઇલા, આમાં ખાટું મોળું ના હોય, બધું ખારું જ હોય !”

પકિયાને હવે થયું, રિસ્ક લઈ જ લેવું જોઈએ. એ ઊભો થઈને સીટની બહાર નીકળતો હતો ત્યાં જ કંડક્ટર બસમાં ચડ્યો ! પકિયાની મનની મનમાં રહી ગઈ ! હવે તો છૂટકો જ નહતો. પકિયો પગની આંટી ચડાવીને બસમાં બેસી રહ્યો. વળી આ તો હતી એકસ્પ્રેસ બસ, હવે શી ખબર કેટલા કલાક પછી કયા શહેરમાં સ્ટોપ કરશે ? પકિયાનું ‘પ્રેશર’ વધવા લાગ્યું…

આવું પ્રેશર પકિયાએ એની જિંદગીમાં નહોતું અનુભવ્યું. નીચેનું પ્રેશર તો ખરું જ, ઉપરથી દિમાગમાં પ્રેશર વધી રહ્યું હતું. એમાં વળી જેટલી વાર બસ રોડના ખાડા ઉપરથી ઉછળે એટલી વાર પકિયાના ‘રિક્ટર સ્કેલ’નો કાંટો હચમચી ઉઠતો હતો. મુઠ્ઠીઓ વાળીને તે હવે તૂટવાની અણી પર આવી ચૂકેલા કોઈ ડેમને બચાવવા માટે હોલીવૂડની ફિલ્મના સુપરમેનની માફક મથી રહ્યો હતો.

એવામાં અચાનક બસ ઊભી રહી. એન્જિન પણ ધરઘરાટી કરતું અટકી ગયું. પકિયાએ આંખો ખોલીને જોયું તો રેલ્વે ફાટક હતું. એ જ ક્ષણે પકિયાને મગજમાં બત્તી થઈ. એ ઝડપથી સીટ ઉપર ઊભો થઈ, બે પગની આંટીને બરોબર સાચવતો, પેસેન્જરોની ભીડમાંથી માર્ગ કરતો ઝડપથી નીચે ઉતરી ગયો.

સામે વગડો હતો. વગડાની વચ્ચે એક કેડી હતી. પકિયાને એ કેડી ‘મુક્તિમાર્ગ’ સમાન લાગી ! તે દોડ્યો. ખુલ્લા વગડામાં માંડ માંડ એકાદ ઝાંખરાની આડશ શોધીને તે ઊભો રહ્યો.

‘હાશ… હવે…’ એમ કરીને પકિયો છલોછલ ભરાઈ ગયેલા ડેમનો ગેટ ખોલે છે ત્યાં તો પાછળથી ટ્રેનની વ્હીસલ સંભળાઈ…. !!

હવે ? પણ પકિયાએ નક્કી કરી લીધું હતું કે બસ જાય તો ભલે જાય !

બસ, એ પછી તો પેલી તરફ ધસમસતી ટ્રેન વછૂટી અને આ તરફ ધસમસતી પકિયાની પીપી.

***

-મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. લગભગ બધાને પકીયા જેવો નાનો મોટો અનુભવ તો હશે જ.....
    મજા આવી....
    કેમ કે આમાં તકલીફ પકીયા ને હતી
    આપણને નઈ....

    ReplyDelete

Post a Comment