ડ્રાઈવ થ્રૂ બેસણાના નિયમો !



સાંભળ્યું છે કે હવે તો ‘ડ્રાઈવ-થ્રુ’ બેસણાની નવી પ્રથા શરૂ થઈ છે !

આમાં સગાંવ્હાલાઓ કારમાં જ આવે છે, કારમાં જ બેસી રહે છે અને બેઠાં બેઠાં જ શ્રધ્ધાંજલિના ફૂલો કોઈ સ્વયંસેવિકા બહેનને અર્પણ કરી, તસવીરને હાથ જોડી, કાર આગળ હંકારી જાય છે !

કોરોના વાયરસને ધ્યાનમાં રાખેલી આ પ્રથાના હવે નિયમો પણ આવશે ! જુઓ...

***

આ ‘બેસણું’ તો છે પરંતુ તમારે કારમાં જ ‘બેસવાનું’ છે, મંડપમાં નહીં !

***

કારમાં બેથી વધુ વ્યક્તિઓએ બેસવું નહીં. બેસનારે મોં ઉપર માસ્ક પહેરી રાખવું ફરજિયાત છે.

***

શ્રધ્ધાંજલિ માટે આપવાનાં ફૂલો જાતે સેનિટાઈઝ કરીને લાવવાનાં રહેશે.

***

દીપ-જ્યોતની થાળીમાં રોકડા રૂપિયા નાંખવા નહીં. તેના બદલે ઓનલાઈન પેમેન્ટ કરવું. જરૂર પડે તો સદ્ ગતના ફોટા પાસે મુકેલા QR કોડની ઇમેજની સ્કેન કરીને પણ પેમેન્ટ કરી શકાશે.

***

કારમાંથી ઉતરીને સદ્‌ ગતના ફોટા પાસે ઊભા રહીને સેલ્ફી લેવાની સખત મનાઈ છે.

***

ડ્રાઈવ-થ્રુમાં ટુ-વ્હીલર ઉપર પણ આવી શકાય છે. પરંતુ બે કે ત્રણ પૈંડાવાળી સાઈકલ સવારીને ડ્રાઈવ-થ્રુમાં એલાઉ કરવામાં આવશે નહીં.

***

જો આપની પાસે કોઈ વાહન ના હોય તો ડ્રાઈવ-થ્રુ શ્રધ્ધાંજલિ માટે સ્કુટીની વ્યવસ્થા રાખેલી છે.

(હેલ્મેટ ઘરેથી લાવવાની રહેશે.)

***
ડ્રાઈવ-થ્રુ બેસણામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બદલ આભાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ.

***

- મન્નુ શેખચલ્લી

Comments