તમે ભલે એમ માનતા હો કે આ કોરોના વાયરસને કારણે બધાનાં નસીબ ખરાબ થઈ ગયાં છે પણ એમાંથી અમુક લોકોનાં નસીબ ‘બદ’થી ‘બદતર’ અને ‘બદતરીન’ હોઈ શકે છે ! વાંચો…
***
બદનસીબી
તમે બસની રાહ જોતાં જોતાં કંટાળીને મોં ઉપરનું માસ્ક હટાવીને મોટું બગાસા ખાતા હો એ જ વખતે કોઈ તમારા મોં ઉપર મોટી છીંક ખાય !...
બદતર નસીબી
એ છીંક ખાનારા માણસની મોટી મોટી મૂંછો હોય, મોટા મોટા ડોળા હોય અને બાવડાના મોટા મોટા મસલ્સ હોય…
બદતરીન નસીબી
છતાં તમે ગુસ્સામાં આવીને એને સંભળાવી દો : “એય ટોપાઆ ! દેખાતું નથી ? આંધળો છે ?”
બસ પછી...
***
બદનસીબી
મામુલી ખાંસી હોવા છતાં પત્નીના આગ્રહથી તમે કોરોના ટેસ્ટ કરાવ્યો હોય તે પોઝિટીવ નીકળે….
બદતર નસીબી
પ્રાયવેટ હોસ્પિટલોમાં બેડ ખાલી ન હોય અને સરકારી હોસ્પિટલમાં સવારે જ બાર મોત થવાને કારણે તાત્કાલિક બેડ મળી જાય…
બદતરીન નસીબી
બે જ દિવસ પછી તમારા વીમા એજન્ટનો ફોન આવે કે તમારું પ્રિમિયમ ભરવાની છેલ્લી તારીખ છે, જો સમયસર ભરી દેશો તો ‘ફાયદા’માં રહેશો !
***
બદનસીબી
તમે તમારી ફેવરીટ સસ્પેન્સ વેબસિરિઝ જોતા તમારા સ્માર્ટ ટીવી સામે બેઠા હો અને બરોબર સસ્પેન્સ ખુલવાની અણી પર હોય ત્યારે ‘ભપ’ કરતા અવાજ સાથી ટીવી હોલવાઈ જાય અને પાછળથી થોડો ધૂમાડો નીકળતો દેખાય…
બદતર નસીબી
તમે કંપનીની સર્વિસમાં ફોન કરો ત્યારે ખબર પડે કે ટીવીની વોરન્ટી બે દિવસ પહેલાં જ પતી ગઈ છે…
બદતરીન નસીબી
ફોન કરીને તમે ઇલેક્ટ્રીશીયનને બોલાવો તો એ બધું ચેક કરીને કહે કે ટીવીમાં તો 500 રૂપિયાનો ખર્ચો છે પણ તમારા ઘરનું આખું ચાઇનિઝ વાયરિંગ સાવ સડી ગયું છે જે નવેસરથી કરાવવાનો ખર્ચો 15000 થશે !
***
બદનસીબી
તમને ખરેખર કોરોના વાયરસનો ચેપ લાગે છે, તમારો રિપોર્ટ ખરેખર પોઝિટીવ આવે છે અને તમારે ખરેખર કોઈ પ્રાયવેટ હોસ્પિટલમાં દાખલ થવું પડે છે…
બદતર નસીબી
દાખલ થયાના ત્રીજા જ દિવસે તમને દવા-ઇન્જેક્શન વગેરે આપતી નર્સ કોરોના પોઝિટીવ નીકળે છે ! એટલું જ નહિ, બીજા બે જ દિવસ પછી તમારી ટ્રિટમેન્ટ કરનારા ડૉક્ટર પણ પોઝિટીવ નીકળે છે…
બદતરીન નસીબી
તાત્કાલિક એ હોસ્પિટલને ચારે બાજુથી સીલ કરી દેવામાં આવે છે પણ ભૂલથી તમે અંદર પુરાઈ ગયા છો !
... આને કહેવાય બદ-બદ તરીન નસીબી !
***
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment