ફેમસ કેસનાં સાત આશ્ચર્ય !


કોઈપણ અપમૃત્યુ કેસ, પછી તે આત્મહત્યા હોય કે મર્ડર, જ્યારે મિડિયાની આંખે ચડી જાય છે ત્યારે જાતજાતનાં આશ્ચર્યો સર્જાતાં હોય છે ! જેમ કે…

***

આશ્ચર્ય નંબર (1)

હજી પોલીસ તપાસ શરૂ થાય એ પહેલાં જ બધાને ખબર હોય છે કે ‘ખરેખર શું થયું હતું ?’

***

આશ્ચર્ય નંબર (2)

પોલીસ શું ‘છુપાવી રહી છે’ એ વાતો તો હંમેશાં ‘જગજાહેર’ હોય છે !

***

આશ્ચર્ય નંબર (3)

મરતાં પહેલાં એ માણસ કોને મળ્યો હતો, કોને ફોન કર્યો હતો, એણે શું ખાધું હતું એ બધી વિગતોની પૂછપરછ અધિકારીને ખબર પડે એ પહેલાં તો આખી દુનિયાને ખબર હોય છે !

***

આશ્ચર્ય નંબર (4)

મુંબઈ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કયા અફસરની કયા રાજકારણી જોડે સાંઠગાંઠ છે તેની જાણકારી યુપીમાં સહારનપુર જિલ્લાના બેમાઈ ગામના દુકાનદારને પણ હોય છે ! બોલો.

***

આશ્ચર્ય નંબર (5)

મરનારને કોની જોડે પ્રેમ હતો, કોની જોડે અફેર હતો, કોની જોડે બ્રેક-અપ થયેલું એ બધી વાતોની એનાં મા-બાપ સિવાય બધાને ખબર હોય છે !

***

આશ્ચર્ય નંબર (6)

ખૂની કોણ છે, એણે ખૂન શી રીતે કર્યું, શેના વડે કર્યું એવું પોલીસો શોધે એ પહેલાં તો કરોડો સોશિયલ મિડીયાના યુઝરોએ ખૂન કેસ સોલ્વ કરી નાંખ્યો હોય છે !

***

આશ્ચર્ય નંબર (7)

જે નેતાઓ આવા કેસમાં CBI તપાસની માગણી કરે છે એમના જ બંગલે જ્યારે CBIની રેઈડ પડે ત્યારે બૂમો પાડતા હોય છે કે CBI તો સરકારની કઠપૂતળી છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments