હિન્દી ફિલ્મોનાં ગીતોને સાહિત્યકારોએ તો કદી ગંભીરતાથી લીધા જ નહિ. જોકે હિન્દી તથા ઉર્દૂના અચ્છા અચ્છા શાયરોએ જે સરળ શબ્દોમાં ફિલ્મી ગીતો લખ્યાં તે 50-60 વરસ પછી પણ હજી જીવંત રહ્યા છે એનું મુખ્ય કારણ એ રહ્યું છે કે સીધા સાદા લાગતા શબ્દોમાં આમ આદમીના જીવનની પીડાઓ, ખુશીઓ, આકાંક્ષાઓ અને હતાશાઓ ઝીલાતી હતી. (આજના ગાયનોમાં ‘આમ આદમી’ ગાયબ છે. જે ગીતો લખાય છે તે ‘પોપ-કોર્ન’ જનરેશન માટે છે, જેની પીડા, ખુશી, આકાંક્ષા કે હતાશાની કોઈ ગીતકારને પડી જ નથી.)
ખેર, આજે એકાદ-બે એવાં ગીતોની વાત કરવી છે જેમાં સ્હેજ ઊંડા ઉતરતાં લાગે કે કેટલું લાંબુ વિચારીને એ ગીતો લખાયાં હશે. પહેલું ગીત લઈએ ‘ગંગા જમુના’ ફિલ્મનું. એમાં બાળપણમાં ગંગાના નાનાભાઈ જમુનાને સ્કુલના બીજા બાળકો સાથે એક ‘પ્રેરણાત્મક’ ટાઈપનું ગીત ગવડાવવામાં આવે છે. શિક્ષક જે ગીત ગવડાવે છે તેના શબ્દો શું છે ?
“ઇન્સાફ કી ડગર પે, બચ્ચોં દિખાઓ ચલ કે,
યે દેશ હૈ તુમ્હારા, નેતા તુમ્હીં હો કલ કે...”
આમ જોવા જાવ તો અહીં કોઈપણ રમતિયાળ બાળગીત લખી શકાયું હોત. ફૂલ, તિતલી, નદિયા, ખિલૌના... એવા શબ્દોની આસપાસ જોડકણાં બની શક્યાં હોત. પરંતુ આ ‘ઇન્સાફ’ કી ડગર પે... ક્યાંથી આવ્યું?
સ્હેજ ફિલ્મની વાર્તા યાદ કરો તો ખ્યાલ આવશે કે મોટો થયા પછી ગંગા (દિલીપકુમાર) ગુસ્સામાં આવીને ગામના જમીનદારની હત્યા કરી બેસે છે ત્યારે જમુના (નાનોભાઈ ) શહેરથી ઇન્સ્પેક્ટર બનીને ગામમાં આવે છે ! બસ, અહીં પેલા બાળપણમાં પડેલા સંસ્કાર એને ફરજ પરસ્ત બનાવે છે કે “ઇન્સાફ કી ડગર પે, (અબ) દિખાઓ ચલ કે...”
આગળ અંતરામાં તો શકીલ બદાયુનીએ રીતસર ફિલ્મના અંત ભાગની એંધાણી જ મુકી છે :
“અપને હો યા પરાયે, સબ કે લિયે હો ન્યાય,
દેખો કદમ તુમ્હારા હરગિઝ ના ડગમગાયે...!”
અને પછીના અંતરાની છેલ્લી પંક્તિ છે :
“જીવન નયા મિલેગા અંતિમ ચિતા મેં જલ કે...”
આ અંતિમ ચિતા કોની છે ? ગંગાની, કે જેને નાનોભાઈ આખરે ગોળી મારી દેવાનો છે ? કે પછી ઇન્સ્પેક્ટર જમુનાની, કે જેની પરીક્ષામાં તાવણી થઈ રહી છે ?
ફિલ્મ આવી ત્યારે આ ગીત આપણે સાંભળી લીધું, સાથે ગાઈ પણ લીધું પરંતુ એના ભીતરનો અર્થ કદાચ વરસો પછી ઉઘડે છે ! વળી, ફિલ્મના દિગ્દર્શક નિતીન બોઝે ક્લાઇમેક્સમાં આ ગીત બેકગ્રાઉન્ડમાં વગાડીને યાદ પણ નથી કરાવ્યું ! પ્રેક્ષકો સમજે તો ઠીક, ના સમજે તો ય ગીત તો સરસ છે જ ને ?
હિન્દી ફિલ્મોનાં અમુક ગીતોમાં આ રીતે ‘ધૂળમાં હીરા’ સંતાડી રાખવાની ખુબી જોવા મળે છે.
બીજું ગીત મારા પ્રિય ગીતકાર શૈલેન્દ્રનું છે. ફિલ્મ છે ‘જાગતે રહો.’ આખી ફિલ્મ આમ પણ એક રૂપક (મેટાફર) છે જેમાં એક હાઇ-રાઈઝ બિલ્ડીંગમાં રાતના સમયે તમામ ગોરખધંધા ચાલી રહ્યા છે, જેનો સાક્ષી એક ભોળો ગામડીયો (રાજકપૂર) બને છે. છેલ્લે બધા શયતાનો એને જ ચોર સાબિત કરે છે, ત્યારે એ બિચારો કહે છે કે હું તો અહીં પાણી પીવા આવ્યો હતો. પણ મેં અહીં બડા બડા ચોર જોયા છે. વગેરે વગેરે.
ફિલ્મના અંતે નરગિસ મંદિરમાંથી આવીને આ ગામડીયાને પાણી પીવડાવે છે. અહીં પહેલી નજરે ભજન જેવું લાગતું ‘પ્રભાતિયું’ છે : ‘જાગો મોહન પ્યારે...’
જોવાની વાત એ છે કે હવે ‘ભગવાનને’ જાગવાનું કહેવામાં આવી રહ્યું છે ! અને હા, આમ આદમી માટે શું મેસેજ છે ? શૈલેન્દ્ર એક અંતરામાં લખે છે :
“જિસ ને મન કા દીપ જલાયા,
દુનિયા કો ઉસને ઉજલા પાયા...”
અને મજબૂત પંચલાઇન ઉમેરે છે :
“મત રહેના અખિયોં કે સહારે !”
મતલબ કે જે આંખે દેખાય છે એ સાચું નથી ! (આ ફિલ્મ પણ નહીં!) ભાઈ, તું તારી આંખોના ભરોસે ના રહેતો !
જોકે છેલ્લા અંતરામાં શૈલેન્દ્ર આમ આદમીના આક્રોશને પોઝિટીવ નોટ ઉપર ઠારે પણ છે :
“કિરન પરી ગગરી છલકાયે,
જ્યોત કા પ્યાસા પ્યાસ બુઝાયે...
ફૂલ બનેં મન કે અંગારે.”
મતલબ કે સચ્ચાઈની ચિનગારી આગ લગાવીને બધું ભસ્મીભૂત કરી નાખે એના કરતાં એ અંગાર ઠરીને છેવટે ફૂલ બને એ જ ઇચ્છનીય છે.
હિન્દી ફિલ્મોનાં કહેવાતા સુવર્ણ કાળમાં આવાં ડઝનબંધ ગીતો લખાયાં છે જેમાં ગીતકારોએ ચાર શબ્દો ડાબે હાથે લખી નાખવાને બદલે ખાસ્સા ઊંડા ઉતરવાની કોશિશ કરી હોય. છતાં એ ચાર શબ્દો એટલા સરળ હતા કે આમ આદમીના હોઠે ચડી જાય અને દાયકાઓ સુધી દિલમાં રહી જાય.
***
- મન્નુ શેખચલ્લી
Lalitbhai, you are so right.
ReplyDelete“જિસ ને મન કા દીપ જલાયા,
દુનિયા કો ઉસને ઉજલા પાયા...” has always been always to my heart .
Another gem is Hari Hari Vasundhara pe neela neela ye Gagan..
Whole basis of philosophy of Adwait is to be amused by world as creation of God and feel oneness. (In Ravindranath, words starting with Jeevan come so often.) In this song, whole Await philosophy is expressed in one song and so nicely.
જી. આપની વાત બિલકુલ સાચી છે. કુદરતનું આટલું સુંદર વર્ણન આટલી સરસ રીતે અને શુધ્ધ હિન્દી ભાષામાં... આજે પણ આ ગીત સાંભળીને ઝણઝણાટી થાય છે !
ReplyDelete