વિચારતાં ડર લાગે છે...

જમાનો ભલે બહુ નોર્મલ ના હોય છતાં કોરોના સિવાયની અમુક વાતો ડરામણી લાગે છે. જેમકે...


સ્હેજ વિચારતાં ડર લાગે છે કે…

- કે જે રાફેલ વિમાનો આટલી જોરદાર રેડાર સિસ્ટમ ધરાવે છે અને ભલભલાં છૂપાં ટાર્ગેટ શોધીને ખતમ કરી શકે છે તેને ‘એસ્કોર્ટ’ કરવા માટે આપણે સુખોય વિમાનો મોકલવાં પડે છે!

***

સ્હેજ વિચારતાં ડર લાગે છે…

- કે જે રાફેલ વિમાનો ઉપર મામૂલી ગોળીબારની સ્હેજ અસર પણ થતી નથી એવાં વિમાનોને અંબાલા એરબેઝ ઉપર ઉતારતાં પહેલાં શહેરમાં 144મી કલમ લગાડવી પડે છે !

***

સ્હેજ વિચારતાં ડર લાગે છે…

- કે ‘જાસૂસી’ના આરોપસર અમુક ચાઇનિઝ એપ ઉપર પ્રતિબંધ મુકવવામાં આવે છે અને બીજી બાજુ ટીવીમાં સતત બબ્બે દિવસ સુધી રાફેલ યુધ્ધ-વિમાનની રજેરજ માહિતી જાહેર કરવામાં આવે છે !

***

સ્હેજ વિચારતાં ડર લાગે છે…

- કે હજી તો પાંચ રાફેલ આવ્યાં છે ત્યાં તો દેશમાં આટલા બધા ‘સંરક્ષણ એક્સ્પર્ટો’ વધી ગયા છે તો જ્યારે બાકીનાં 31 આવશે ત્યારે તો શું થશે !

***

સ્હેજ વિચારતાં ડર લાગે છે…

- કે છેલ્લાં 23 વરસથી એકપણ નવાં યુધ્ધ-વિમાનો ખરીદ્યા વિના ભારતીય વાયુસેના શી રીતે ગાડું ગબડાવ્યા કરતી હતી !

***

સ્હેજ વિચારતાં ડર લાગે છે…

- કે એક બાજુ એમ કહેવામાં આવે છે કે હવે ભારતીય સેનાની તાકાત વધી ગઈ છે પણ બીજી બાજુ એમ જાણવા મળે છે કે ચીની લશ્કરે તો પીછેહઠ કરી જ નથી !

***

સ્હેજ વિચારતાં ડર લાગે છે…

- કે સંરક્ષણ સોદામાં ભ્રષ્ટાચાર કરવા બદલ કોઈને સજા કરવામાં 20-20 વરસ લાગી જાય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments