સાવ નવું એપ... my_rotli !!


ના ના, રોટલીને આટલો બધો અન્યાય શા માટે ? બહેનો પોતે બનાવેલા ઢોકળાં, થેપલાં, સબ્જી કે ઈવન દાળ-ઢોકળીના ફોટા પાડીને ફેસબુકમાં મુકે છે પણ શું તમે કદી રોટલીના ફોટા જોયા ?

રોટલી બનાવવી એ કળા છે. (પુરુષોને આ લોકડાઉન દરમ્યાન કદાચ સ્વ-પ્રયત્ને સમજાયું હશે.) એમાંય સરસ મઝાની ફૂલકા રોટલી બનાવવી એ તો શ્રેષ્ઠમાં ય શ્રેષ્ઠ કળા છે. પરંતુ એની કદર કેટલા લોકોને છે ?

શું ક્યારેય તમે કોઈ રેસિપી બુકમાં રોટલીની રેસિપી વાંચી ? યુ-ટ્યૂબમાં હજી તંદુરી રોટીનો ડેમો (ડેમોન્સ્ટ્રેશન) જોવા મળી જશે પરંતુ સરસ મઝાની ગોળ, પાતળી અને ગેસની ભૂરી ઝાળ ઉપર પટપટ કરીને ફૂલી જતી રોટલીનો વિડીયો જોયો છે કદી ?

શું કદી કોઈ રોટલીનો ‘રિવ્યુ’ વાંચ્યો ? કે “ફલાણા બહેનની આજની રોટલીમાં જે ઝીણી ઝીણી ફોડલીઓ ઉપસી છે તેની કલાત્મક્તા અને તે ફોડલીઓની વચ્ચે જ્યાં છૂટક છૂટક આછા બ્રાઉન તથા ઘેરા બ્રાઉન રંગના ચાંદલા ઉપસ્યા છે તે બન્ને વચ્ચે એક ખાસ પ્રકારનું જે સાયુજ્ય રચાયું છે…”

ના. ગુજરાતની લાખો કરોડો બહેનોની રોટલીની કદી કદર થઈ જ નથી. શું તમને સ્હેજ પણ અંદાજ છે ખરો, કે એક ગુજરાતી નારી એની આખી જિંદગીમાં કેટલી રોટલીઓ બનાવે છે ?

જરા વિચાર કરો. અહીં એક આખેઆખો પાપડ ઉદ્યોગ અને ખાખરા ઉદ્યોગ ચાલી રહ્યો છે છતાં જે પાયાની રોટલી-સર્જક નારી છે તેની શા માટે સતત ઉપેક્ષા થતી રહી છે ? પરંતુ હવે અમે એ નહીં થવા દઈએ. અમે એક રોટલી એપ લાવવાના છીએ. એ એપનું નામ છે my_rotli.

માય_રોટલીની સૌથી મહત્વની ખાસિયત એ હશે કે તેમાં રોટલીની બન્ને સાઈડને મહત્વ આપવામાં આવશે. જે રીતે છાપેલા પુસ્તકના એક પેજની બન્ને બાજુ ગણીને બે પેજ ગણવામાં આવે છે, અથવા ન્યુઝ વેબસાઈટમાં એક સમાચારને એક પેજ ગણવામાં આવે છે એ જ રીતે એક રોટલીને બે રોટલી ગણવામાં આવશે.

કોઈ 10 વરસની દીકરી જિંદગીની પહેલી રોટલી બનાવીને તેનો ફોટો અપ-લોડ કરે ત્યારથી તેની ગણત્રી શરૂ થઈ જશે. પછી તો જ્યારે તે બારમું પાસ થાય ત્યારે તેના માર્ક્સની સાથે તેના મા-બાપ એમ પણ ગણાવશે કે “બેબીનો ઓલટાઈમ રોટલી કાઉન્ટ પણ હવે તો 50,000ની ઉપર છે, હોં !”

જ્યારે લગ્ન માટે છોકરો જોવા આવે ત્યારે તો ખાસ કહેવામાં આવશે. “અમારી બેબીનો વન મિલિયન ઓલટાઈમ રોટલી કાઉન્ટ છે ! એમાંય, 100K રિવ્યુઝ છે અને ટુ બિલિયનથી વધારે લાઈક્સ છે. બોલો !”

સીધી વાત છે, ઘરના ચાર સભ્યો માટે ગણીને 10 રોટલી બનાવી હોય પણ એના 100 વ્યુઝ અને 80 લાઈક ના મળે તો એનો ફાયદો શું ? આજે આખું સોશિયલ મિડીયા ક્રિએટિવ લોકોને સપોર્ટ કરી રહ્યું છે. સાવ મામૂલી ચાર લીટીની કવિતાને ચારસો વ્યુ અને ચાળીસ લાઈક મળી જાય છે તો રોટલી જેવી રોટલીના સર્જનની કદર તો થવી જ જોઈએ ને ?

વરસોથી રોટલી બનાવનાર ભારતીય નારીનું આર્થિક શોષણ થતું આવ્યું છે. 100 નંગ પાપડ કે 100 નંગ ખાખરા બનાવનારને જો અમુક રકમ પુરસ્કાર રૂપે મળતી હોય તો લાખો નંગ રોટલીનું સતત સર્જન કરનાર ગૃહિણીને કમ સે કમ યોગ્ય સન્માન તો મળવું જ જોઈએ ને ? શું કહો છો ?

બસ અમારું આ my_rotli એપ લોન્ચ થાય કે તરત જ ડાઉનલોડ કરજો ! જય રોટલી !

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments