મોટી હતી તેની વધી છે
નાની હતી તેની વધી છે
આ લોકડાઉનની ફાંદ છે
ઉપાધિ ઘણી બની છે !
***
ના ખબર દીધી એને
બર્મુડાના ઈલાસ્ટિકે
ના ચેતવી છે એને
લેંઘાના નાડાએ…
વર્ક-ફ્રોમ-હોમના બહાને
બહુ ફાટી નીકળી છે !
આ લોકડાઉનની ફાંદ છે
ઉપાધિ ઘણી બની છે !
***
લોકડાઉન ખુલશે ક્યારે
એમ વેઈટ કરતાં કરતાં
મુજ ‘વેઈટ’માં વધારો
ચૂપચાપ કરી ગઈ છે
વ્યાસમાં વધી છે…
ત્રિજ્યામાં વધી છે…
આ લોકડાઉનની ફાંદ છે
ઉપાધિ ઘણી બની છે !
***
અન-લોક થયા પછી પણ
એ ગાંઠતી નથી
જોગિંગ-વોકિંગ કે જિમથી
એ ટસની મસ નથી
બહાર રખડવા છતાં
અંદર જતી નથી
મારી જ ઘરવાળીએ
એને 'બહાર'વાળી કરી છે…
આ લોકડાઉનની ફાંદ છે
ઉપાધિ ઘણી બની છે !
***
ના પેન્ટમાં સમાતી
ના બેલ્ટથી કસાતી
ના શર્ટના બટનથી
એને નાથી પણ શકાતી
પહેરી ના પહેરાય
એવી જોડીઓ, કંઈ
કબાટમાં પડી છે…
પ્યાલા બરણીવાળીની
લાગે કોઈ સગી છે !
આ લોકડાઉનની ફાંદ છે
ઉપાધિ ઘણી બની છે !
***
અર્થતંત્ર નબળું, પણ
પાચનતંત્ર જબરું…
બસ એક વાતમાં
એ ‘વિકાસ’ને વરી છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment