રાહુલ ગાંધી કહે છે કે મોદી સરકારની ઘોર નિષ્ફળતાઓ ઉપર એક દિવસ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ થતો હશે !
જોકે સ્વયં રાહુલજીની ‘સફળતાઓ’ વિશેનો સંશોધન અભ્યાસ કઈ યુનિવર્સિટીમાં થશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ અમને લાગે છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભારત વિશે અમુક અભ્યાસો થવા ખરેખર જરૂરી છે ! જેમ કે…
***
ભારતીય કૌભાંડોમાં સજા
ભારતમાં અબજો ખર્વો રૂપિયાના કૌભાંડો થતાં રહે છે. (હાર્વર્ડવાળાને ખબર જ હશે) પરંતુ એમાંથી કેટલા કૌભાંડીઓ પકડાયા ? કેટલાને સજા થઈ ? કેટલા છૂટી ગયા ? અને મેઈન અભ્યાસની વાત એ છે કે કૌભાંડના કેટલા રૂપિયા પાછા આવ્યા ?
(અઘરો વિષય છે.)
***
ભારતીય દેશભક્તિમાં ઉતાર-ચડાવ
1947 પહેલાં દેશમાં જે દેશભક્તિનો જુવાળ હતો તે ક્યારે અને શી રીતે શમતો ગયો ? અને ફરી જે દેશભક્તિનો જુવાળ શરૂ થયો તે ક્યારે અને કયા કારણોસર શરૂ થયો ?
(બહુ અઘરો વિષય છે.)
***
ટ્રાફિક નિયમો અને ટેક્સ
ભારતીય પ્રજાની બે મુખ્ય ખાસિયતો છે. ટ્રાફિક નિયમોનું પાલન ‘હરગિઝ’ ના કરવું અને ટેક્સ ‘બને ત્યાં સુધી’ ના ભરવો. આ બે આદતોને લીધે ટ્રાફિક પોલીસને તથા ટેક્સ કન્સલ્ટન્ટોને કેટલી કમાણી થાય છે ?
(અર્થશાસ્ત્રને લગતો સહેલો અભ્યાસ છે.)
***
ભારતીય મતદારોની સાયકોલોજી
ભારતીય મતદારો જાણે છે કે ઉમેદવાર ભ્રષ્ટાચારી છે, ક્રિમિનલ છે, કૌભાંડી છે, જુઠ્ઠો-દગાબાજ છે… (અરે, અમુક કેસમાં તો મંદબુધ્ધિ પણ છે !) છતાં તેને ભારે બહુમતીથી કેમ ચૂંટી કાઢે છે ?
(આ અભ્યાસ તો અમેરિકાની પ્રમુખની ચૂંટણીમાં પણ કામ આવશે !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment