ગયા સોમવારે શૈલેન્દ્ર લિખિત ‘ગાઈડ’ના જે ગીતનું માત્ર મુખડું ચર્ચામાં લીધું હતું તે ગીતના હવે અંતરા પણ જોઈએ.
વાચકો ફિલ્મીની સ્ટોરી જાણતા જ હશે કે માંડ પંદર દિવસની ઓળખાણમાં રોઝી (વહીદા રહેમાન) પોતાના વૃધ્ધ પતિ (કીશોર સાહુ)ને છોડીને રાજુ ગાઈડ (દેવઆનંદ) સાથે ભાગી છૂટે છે. અહીં મુખડામાં શૈલેન્દ્રએ લખ્યું હતું :
“આજ ફિર જીને કી તમન્ના હૈ,
આજ ફિર મરને કા ઇરાદા હૈ...”
હવે આગળ...
શૈલેન્દ્ર રોઝીના મનનો ઉન્માદ બયાન કરતાં લખે છે :
“અપને હી બસ મેં નહીં મૈં,
દિલ હૈ કહીં તો હું કહીં મેં...”
એ પછીના શબ્દો ઉપર ધ્યાન આપજો :
“જાને ક્યા પા કે મેરી જિંદગી ને
હંસકર કહા... આહાહા....
આજ ફિર જીને કી તમન્ના હૈ...”
રોઝીને પોતાને ખબર નથી કે એની જિંદગીમાં એને શું મળી ગયું છે ! એને માત્ર એટલી ખબર છે કે ગુંગળામણ ભરેલી જિંદગીમાંથી આઝાદી મળી છે. કોઈ સામાન્ય ગીતકાર હોત તો ‘બંધન તૂટ ગયે’ ‘મૈં ચલી હવા કે સંગ’ અથવા ‘ખુલા આસમાં મેરે લિયે’ એવું લખી નાંખ્યું હોત પરંતુ આ શૈલેન્દ્ર છે. એમણે રોઝીના મનનું કન્ફ્યુઝન બહુ બારીકાઈથી ઝીલ્યું છે : “કંઈક મળ્યું તો છે પણ શું છે એની યે ખબર નથી !”
બીજા અંતરામાં તો શૈલેન્દ્ર પુરેપુરા ખિલ્યા છે.
“મૈં હું ગુબાર યા તૂફાં હું,
કોઈ બતાયે મૈં કહાં હું,
ડર હૈ સફર મેં કહી ખો ન જાઉં...
રસ્તા નયા !”
અચાનક મળી ગયેલી આઝાદીની સરખામણી આકાશમાં ઉડતા પંખી કે ખળખળ વહેતા ઝરણાં સાથે કરવાને બદલે શૈલેન્દ્ર ‘ગુબાર’ યાને ‘ધૂળની ડમરી’ સાથે કરે છે ! બીજી સરખામણી ‘તૂફાં’ એટલે કે ‘તોફાન’ સાથેની છે ! એટલું જ નહીં, શૈલેન્દ્ર એ પછીની પંક્તિમાં લખે છે “ડર હૈ સફર મેં કહીં ખો ન જાઉં...” શા માટે ? કારણ કે ‘રસ્તા નયા !’
આખું ગીત એસ. ડી. બર્મને અત્યંત ઉલ્લાસથી ભરપૂર સ્વરોમાં શણગાર્યું છે. સામાન્ય પ્રેક્ષકને પણ ગાયન માણવાનો ‘જલસો’ પડી જાય છે ! છતાં ભવિષ્યમાં કંઈક ખરાબ થવાનું છે એ ‘ડર’ સાવ સરળ લાગતા શબ્દોમાં શૈલેન્દ્રએ સંતાડી રાખ્યો છે ! અને હા, જરા ધ્યાનથી સાંભળો તો બર્મનદાદાએ ‘આજ ફિર મરને કા ઈરાદા હૈ’ પછી ગિટાર-મેન્ડોલિનને જે રીતે ઝણઝણાવ્યા છે તેમાં એક ‘ઢેન્ટેણેન્’ ટાઈપનો ઈશારો તો છે જ !
પહેલા બે અંતરામાં રોઝીના ડરની હિન્ટ આપ્યા પછી ત્રીજા અંતરામાં બિલકુલ આશાવાદી સૂર છે. ધ્યાનથી શબ્દો વાંચો :
“કલ કે અંધેરોં સે નિકલ કે,
દેખા હૈ આંખે મલતે મલતે...”
એક કુંઠિત, અંધારા જેવા લગ્નજીવનમાંથી નીકળીને રોઝી બે ઘડી તો ખુલ્લી દુનિયાના પ્રકાશથી અંજાઈ ગઈ છે ! એટલે જ કહે છે : “દેખા હૈ આંખે મલતે મલતે...” પરંતુ આંખો ચોળ્યા પછી શું જુએ છે ?
“ફૂલ હી ફૂલ, જિંદગી બહાર હૈ....”
ચારેબાજુ ફૂલો જ ફૂલો છે ! જિંદગી તો વસંત છે ! અને, એ પછીના ત્રણ શબ્દો શું છે ?
“તય કર લિયા !”
હવે પોઝિટીવલી, ડર્યા, ગભરાયા કે કન્ફ્યુઝ થયા વિના રોઝી કહે છે “તય કર લિયા...” નક્કી કરી લીધું છે કે “આજ ફિર જીને કી તમન્ના હૈ, આજ ફિર મરને કા ઈરાદા હૈ !”
હિન્દી ફિલ્મોએ આપણને કેટલાંક અવિસ્મરણીય ગીતો આપ્યાં છે. આ ગીતોની ખાસિયત એ હતી કે ફિલ્મની સિચ્યુએશન કે તેના પાત્રની મનોદશાને સાવ દૂર ખસેડીને સાંભળો તોય, તે તમારી પોતાની સંવેદનાને ક્યાંક અડી જાય છે ! ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’ જેવું ગીત કોઈપણ એવી વ્યક્તિ જે ભૂતકાળને ભૂલાવીને, જુનાં બંધનો ફગાવીને હિંમતપૂર્વક નવી જિંદગીમાં ઝંપલાવતી હોય તેને લાગુ પડે જ છે ને ?
- પછી એ વ્યક્તિ ડ્રગ્સમાંથી બહાર આવી રહી હોય, બિઝનેસના નુકસાનમાંથી ઉભરી રહી હોય કે આત્મહત્યાના વિચારો છોડી ‘મરને કા ઇરાદા’ને નવી રીતે જોવાની હિંમત કરતી હોય !
શૈલેન્દ્ર આ જ કારણસર મહાન ગણાય છે.
***
- મન્નુ શેખચલ્લી
Waah kya kehna hai.
ReplyDeleteThank you so much for your response Vipul Bhai !
Delete