ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમની વાત નીકળે ત્યારે એવું સાંભળવા મળે છે કે જવા દો ને, રાજકારણમાં પણ નેપોટિઝમ ચાલે જ છે ને !
વાત સાચી છે પણ અહીં આ બે વચ્ચે જબ્બર તફાવત છે. લોકો ડિટેલમાં જતા જ નથી. અમને કહો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નેપોટિઝમને કારણે શુ થાય છે ? મોટા મોટા સ્ટારો અથવા પ્રોડ્યુસરોનાં બાબલા-બેબલીઓ ‘ટેલેન્ટ’ વિના ઘૂસી જાય છે. રાઈટ ?
તો આ ‘ટેલેન્ટ’ એટલે શું ? કે ભઈ, એને એક્ટિંગ નથી આવડતી. ડાન્સનાં ઠેકાણા નથી, ફાઈટ સીનમાં મારવા જતાં પોતે જ માર ખાય છે, ફોટા પડાવતા નથી આવડતું, હાઈટ બોડીમાં નબળા છે, લુક્સમાં એવરેજ છે, ડાયલોગ યાદ નથી રહેતા, મિડીયા જોડે વાત કરવામાં ખોટા વટાણા વેરી નાંખે છે. વગરે વગેરે. બરોબર ?
હવે જસ્ટ વિચારો, રાજકારણીનાં બાબલા-બેબલી પોલિટિક્સમાં આવે તો તે કેવાં હોવાં જોઈએ ?
ટિપિકલ અનુભવી રાજકારણી જેવા... ખડૂસ, નફ્ફટ, કરુબાજ, નાલાયક, જુઠ્ઠા, ખંધા, ચાલાક, લુચ્ચા, કપટી, કૌભાંડી, વિશ્વાસઘાતી, હલકટ, ગુન્ડા જેવા, જાડી ચામડીના અને મગરના આંસુ સારી બતાડે એવા દંભી હોવા જોઈએ ને ?
હવે બોલો, મા-બાપની તૈયાર ગાદી ઉપર બેસવા આવેલા અને બેસી ગયેલા કેટલા વડના ટેટાઓમાં આટલી ‘ટેલેન્ટો’ છે… ?
જોયું ? કન્ફ્યુઝ થઈ ગયા ને !
બિચારા ચાંદીની ચમચી સાથે જન્મેલાં, જિંદગીભર એસીમાં મોટાં થયેલાં, ફોરનની કોઈ ભલતી યુનિવર્સિટીમાંથી કોઈ ભલતી ડિગ્રી લઈને પાછાં આવેલાં, ઇંગ્લીશ મિડીયમ કલ્ચરમાં ઉછરેલાં અને સ્હેજ ધૂળ ઊડે તો એલર્જી થઈ જાય એવાં ભોળાં – નાજુક બચોળિયાંઓને રાજકારણમાં પલોટવા માટે નેતાજીના ચમચાઓએ કેટલી મહેનત કરવી પડતી હશે ?....
***
નેતાજીનો એકાદ ખાસ ચમચો એના સાથીઓ આગળ હૈયાવરાળ કાઢતો હશે : “ભૈયા ક્યા બતાઉં ? હમારે બાબા કિતને ભોલે હૈં… મુઝે પૂછ રહે થે, અંકલ, યે ઘૂસ કૈસે લેતે હૈં ?”
***
બિચારાં ભોળાં બાળકોને લાંચ લેતાં શીખવાડવું પડે ! કૌભાંડના ‘ક’માં સમજ ના પડતી હોય છતાં બાબો કોઈનું વીસ-પચ્ચીસ લાખનું ‘કરી નાંખે’ તો “વાહ… વાહ… ક્યા બાત હૈ !” એમ કરીને બાબલાનાં ખોટાં વખાણ કરવાં પડે ! (પછી ભલે પાછળથી સેટલમેન્ટમાં ત્રીસ લાખ ચૂકવવા પડ્યા હોય.)
***
બીજા નેતાજીનો બીજો એકાદ ચમચો મૂછમાં હસતાં હસતાં સાથીઓ આગળ ભાંડો ફોડતો હશે “આ બેબી બહેનમાં કંઈ અક્કલ જેવું છે કે નહીં ? ઈલેક્શન જીતી ગયા પછી મને કહેતાં હતાં કે હવે મારે લોકોની સેવા કરવી છે !”
***
નેતા-ટેટા યાને કે નેતાજીનાં સંતાનોને ‘સેવા’ કરતાં ય શીખવાડવું પડે !
“બેટા, આમ બે હાથ જોડીને નમસ્કાર કરોઓઓ…. સાથે સાથે સ્માઈલ આપોઓઓ… ચલોઓઓ… આ સ્માઈલ સળંગ સત્તર મિનિટ સુધી ખેંચીને રાખોઓઓ… પરમ દહાડે રેલી નીકળવાની છે ! તમારે ખુલ્લી જીપમાં ઊભા રહીને લોકોનું અભિવાદન ઝીલવાનું છેએએ…”
એમાં વળી બાબલો કે બેબલી પૂછી બેસે “અંકલ, ક્યા ઈસી કો સેવા કહતે હૈં ?”
***
અઘરું છે ભૈશાબ, અઘરું છે ! ફિલ્મ સ્ટારનાં બચ્ચાંની આંખમાં તો ગ્લિસરીન નાંખીને એને રડાવી શકો પણ આ નેતા-ટેટાની આંખમાંથી મગરનાં આંસુ શી રીતે કઢાવવાં ?
- આ તો હજી શરૂઆતનાં જ ટ્રેઈનીંગ સેશનોની વાત કરી ! બાકી, જરા ઇમેજીન કરો, રાહુલ ગાંધીને ‘નેતા’ બનાવવા પાછળ જેને જેને લગાડ્યા હશે એમના દિમાગની તો કેવી પથારી ફરી હશે ?
***
-મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment