જોખમ ઝોન ગાઈડ... થ્રી !


અન-લોક પિરિયડમાં કોણ કેટલું જોખમ લઈ શકે તે દર્શાવતી મિનિ-ગાઈડની સિરીઝ ચાલુ છે…

***

ગ્રીન જોખમ

"ઓનલાઈન ભણવા માટે નેટવર્ક બરોબર નથી આવતું" એમ કહીને ગર્લફ્રેન્ડને મળવા માટે ધાબે જતા રહેવું અને ટાંકી પાછળ સંતાવું.

ઓરેન્જ જોખમ

"ઓનલાઈન કોર્સની ડિફીકલ્ટી સોલ્વ કરવા માટે ભાઈબંધને ઘેર જઉં છું" એમ કહીને ગર્લફ્રેન્ડને કોઈ અંધારી રેસ્ટોરન્ટના સાંકડા ખૂણે મળવું.

રેડ જોખમ

ઉપરનાં બન્ને બહાનાં કાઢીને નીકળતી વખતે ફોન ઘરમાં જ ભૂલી જવો !

***

ગ્રીન જોખમ

પત્નીના કહેવાથી ભીડભર્યા શાક-મારકેટમાં જાતે શાક લેવા જવું…

ઓરેન્જ જોખમ

ઘણા વખતથી જોવા ન મળેલી રૂપાળી પાડોશણ દેખાઈ જતાં ચહેરાનું માસ્ક કાઢીને તેની સાથે હસી હસીને વાતો કરવી.

રેડ જોખમ

એ પાડોશણને તમારા સ્કુટરની પાછલી સીટ ઉપર બેસાડીને ‘લગભગ’ તમારા ઘર સુધી લાવવી !

***

ગ્રીન ઝોન

ભાઈબંધનું સ્કુટર લઈને મોં ઉપર માસ્ક અને માથા ઉપર હેલ્મેટ પહેરીને ‘શહેર કેવું દેખાય છે’ તે જોવા માટે નીકળી પડવું…

ઓરેન્જ ઝોન

છાપાં/ટીવીમાં જ્યાં રોજ ‘સોશિયલ ડિસન્ટન્સના લીરેલીરા’ ઊડે છે એ જગાઓ પર જઈને જાત-અનુભવનો ‘ફીલ’ લેવો….

રેડ ઝોન

‘જસ્ટ આ બાજુથી નીકળ્યો હતો તો મને થયું, સ્હેજ જોતા જઈએ…’ એમ કરીને શહેરની સિવિલ હોસ્પિટલમાં લટાર મારવી !

***

- મન્નુ શેખચલ્લી

Comments