ઓનલાઇન ભણતરના છ ફાયદા


કેટલાક વાલીઓ શાળાઓમાં ઓન-લાઈન શિક્ષણનો વિરોધ કરે છે. અમે કહીએ છીએ કે ભઈ, ઓનલાઈન ભણતરમાં તો સૌનો ફાયદો છે ! જુઓ…

***

ફાયદો (1)

પહેલો ફાયદો શિક્ષકોને છે. એકવાર એક પાઠ ઓનલાઈન ભણાવી લીધો પછી એકની એક જ ટેપ ફરી ફરી વગાડ્યા કરવાની ! વારંવાર જાતે ભણાવવાની ઝંઝટ મટી !

***

ફાયદો (2)

બીજો ફાયદો શાળાના સંચાલકોને છે. જો વારંવાર આખા કોર્સની એકની એક ટેપ જ ઓનલાઈન વગાડવાની હોય તો શિક્ષકોનું શું કામ છે ? એમને છૂટા કરી દેવાના ! ચાલુ રાખો કોરોના…

***

ફાયદો (3)

ત્રીજો ફાયદો સ્ટુડન્ટોને છે. કંઈ ના સમજાયું હોય તો રિવાઈન્ડ કરીને ફરીથી જોઈ લેવાનું. એક્ઝામ પણ ઓનલાઈન જ આપવાની હોય તો ગુગલ પરથી જવાબો શોધીને કટ-પેસ્ટ કરી દેવાના ! ચાલુ રાખો કોરોના…

***

ફાયદો (4)

ટ્યૂશન ક્લાસીસને તો ફાયદો જ ફાયદો છે ! પાંચ-પાંચ રૂમ ભાડે રાખવાની જરૂર જ ના રહી ને ! અને હા, એકવાર આખો કોર્સ રેકોર્ડ કરી લીધો પછી ટ્યૂટરોને પણ છૂટા કરી દેવાના ! ચાલુ રાખો કોરોના…

***

ફાયદો (5)

વેકેશનોમાં દાદાગીરી કરીને જે સ્કુલ-વાન અને સ્કુલ-રીક્ષાવાળા ભાડું ઉઘરાવતા હતા એમની પણ છૂટ્ટી થઈ જાય ને ! ચાલુ રાખો કોરોના…

***

ફાયદો (6)

વાલીઓને પણ બહુ મોટો ફાયદો છે ! 10મા 12મામાં આવે ત્યારે બાબા-બેબીઓને જે સ્કુટી અપાવવી પડે છે… એ ખર્ચો જ બચી ગયો ને ! ચાલુ રાખો કોરોના…

***

- મન્નુ શેખચલ્લી

Comments