હાઇ-ફાઇ મમ્મીઓમાં ફફડાટ !

કેન્દ્ર સરકારે જાહેર કરેલી શિક્ષણ નિતીમાં પાંચમાં ધોરણ સુધી માતૃભાષામાં જ ભણતર રહેશે. આ વાત સાંભળીને ‘ઇંગ્લિશ મિડીયમ’ મમ્મીઓમાં ભયંકર ફફડાટ ફેલાઈ ગયો છે ! સાંભળો…

***

“ઓ માય ગોડ ! હવે ફિફ્થ સ્ટાન્ડર્ડ સુધી આપણાં કિડ્સ મધરટંગમાં ભણશે ?”

“મતલબ કે આપણે કિડ્સને ‘ઇટ કરી લે’ ‘ડ્રીન્ક કરી જા’ ‘ક્વિક્લી ફીનીશ કરી નાંખ’ એવું નહીં કહી શકીએ ?”

“ઓ માય ગોડ ! તો તો પછી આપણામાં અને મિડલ ક્લાસ મમ્મીઓમાં ફેર શું રહેશે ?”

“અરે મિડલ ક્લાસ છોડો. હવે તો કામવાળી મમ્મી અને આપણામાં ફેર ના રહ્યો !”

“આઈ સ્વેર… જ્યારથી કામવાળીઓની આપણા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં એન્ટ્રી બંધ કરી ત્યારથી આપણે જ કામવાળીઓ બની ગયાં !”

“જરૂર આમાં કામવાળી પ્રજાની કંઈક ચાલ છે !”

“લેટ્સ પ્રોટેસ્ટ અગેન્સ્ટ કામવાળી પ્રજા !”

“અરે, એ બધું છોડો, પહેલાં વિચારો કે આપણાં કિડ્ઝ હવે રીસેસમાં પણ ગુજરાતી બોલશે !”

“અને કોઈ ટિચર પનીશ પણ નહીં કરે !”

“સો હોરિબલ !”

“રેઇન રેઇન ગો અવે ને બદલે હવે આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ ગવડાવવું પડશે ?”

“વોટ ઇઝ ધીસ ઢેબરીયો ?? હાઉ મિડલ ક્લાસ !”

“અરે ઢેબરીયો નહીં, ઘેબરીયો છે ! મારી કામવાળી એવું જ ગાતી હતી !”

“ઓ એમ જી ! યુ મિન, હવે આપણી લેંગ્વેજ એક્સપર્ટ્સ પણ વર્કીંગ ક્લાસમાંથી આવશે ? S… O… S...”

(બેભાન થઈ જાય છે...)

(બીજી મમ્મીઓ ગભરાઈ જાય છે અને એકબીજાને પૂછે છે..)

"અલી, આ કોઈ નવો સૉસ આવ્યો છે કે શું ?"

***

- મન્નુ શેખચલ્લી

Comments