‘ગાઈડ’ ફિલ્મના શૈલેન્દ્રએ લખેલાં તમામ ગીતો સુંદર છે એમાં બે મત હોઈ જ ના શકે પરંતુ વારંવાર એ ગીતો સાંભળ્યા પછી એમાં એકબીજાને સાંકળતી કડીઓ હોય તેવું પણ લાગે છે.
ખાસ કરીને શૈલેન્દ્રએ ‘રાહી’ ‘રાહ’ ‘મુસાફિર’ વગેરે શબ્દોને ખૂબીપૂર્વક વાપર્યા છે. ફિલ્મની શરૂઆતમાં જ ‘વહાં કૌન હૈ તેરા...’માં તેઓ પૂછે છે ‘મુસાફિર, જાયેગા કહાં ?’
દેવઆનંદ એક ગાઈડ હતો. આ સંદર્ભમાં શૈલેન્દ્ર સૂત્રધારની અદામાં કહે છે ‘તૂને તો સબ કો રાહ દિખાઈ... તૂ અપની મંઝિલ ક્યું ભૂલા ?’
આ જ ‘રાહ’ની વાત ત્યાં આવે છે જ્યારે રાજુ ગાઈડ ઈમોશનલી ભાંગી પડેલી રોઝીને સહારો આપતાં ગાય છે :
‘તેરે મેરે સપને અબ એક રંગ હૈ.. તો જહાં ભી લે જાયેં રાહેં.. હમ સંગ હૈં !’
ગાઈડ તરીકે પોતે જાણતો હોય એવા રસ્તા બતાડનારો રાજુ હવે ‘રસ્તા જ્યાં લઈ જાય’ ત્યાં સાથે સાથે જવાની વાત કરે છે ! આમ જોવા જાવ તો વાત મામૂલી છે, પણ સ્હેજ વિચારો તો પાત્રની સાથે કેટલું બંધબેસતું આવે છે ?
આગળ જતાં રોઝીની સફળતા પછીનું જે ટોટલી રોમેન્ટિક સોંગ છે : ‘ગાતા રહે મેરા દિલ, તૂ હી મેરી મંઝિલ...’ એના તો મુખડામાં જ આ વાત આવી ગઈ કે રસ્તા ભલે રસ્તાના ઠેકાણે રહ્યા, હવે તો તું જ મારી ‘મંઝિલ’ છે.
આ ગીતના અંતરામાં વધુ એક ઈશારો છે. ‘ઓ મેરે ‘હમરાહી’ (એક જ રાહ ઉપર ચાલનારા) મેરી બાંહ થામે ચલના, બદલે દુનિયા સારી, તુમ ના બદલના...’
આ કડી રોઝી અને રાજુ બન્ને એકબીજા માટે ગાય છે. પરંતુ છેલ્લે રોઝી એનો નીવેડો લાવતાં કહે છે ‘પ્યાર હમેં ભી સિખલા દેગા ગર્દિશ મેં સંભલના.’ મતલબ કે આપણો પ્રેમ આપણને ખોટા રસ્તે જતાં બચાવી લેશે. (આગળ જતાં ખુદ રાજુ ગાઈડ જ જુગારના ખોટા રસ્તે ચડી જાય છે.)
પછી, બન્ને વચ્ચે ગેરસમજ ઊભી થાય છે ત્યારે જે ઉદાસ ગીત આવે છે એમાં પણ ‘રાહ’નો ઉલ્લેખ છે.
‘તેરે મેરે દિલ કે બીચ અબ તો સદીયોં કે ફાસલે હૈં,
યકીન હોગા કિસે કિ હમ તુમ એક ‘રાહ’ સંગ ચલે થે...’
અને ઓફ કોર્સ, ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’માં રોઝીએ ગાયું હતું : ‘‘ડર હૈ સફર મેં કહીં ખો ન જાઉં...
‘રસ્તા’ નયા...’’
આમ ફિલ્મનાં અડધો અડધ ગીતોમાં ક્યાંકને ક્યાંક ‘રાહ’ ‘રસ્તા’ ‘હમરાહી’ ‘મુસાફિર’ ‘મંઝિલ’ની વાતો આવતી રહે છે. જોકે આવા શબ્દો એ સમયનાં ગીતોમાં બહુ કોમન હતા. જેના કારણે શૈલેન્દ્રએ તેને સૂઝપૂર્વક અહીં વાપર્યાં હશે તેવો ખ્યાલ આવવો જરા મુશ્કેલ છે પરંતુ જ્યારે બધાં ગીતોને એકસાથે સામે રાખીને વિચારીએ ત્યારે કંઈક ‘કડીઓ’ જોડાતી લાગે છે.
શૈલેન્દ્ર અને તેની કક્ષાના તે સમયના અન્ય ગીતકારોની ખુબી એ હતી કે વાર્તાના પ્રવાહમાં જે તે પાત્રોના બારીકમાં બારીક મનોભાવો પકડીને તેને શબ્દોમાં ગુંથતા હતા. ‘ગાઈડ’માં જે બે ગીતો બેક-ટુ-બેક આવે છે તેમાં પણ આ ઝીણવટ દેખાય છે.
રાજુ ઉપર રોઝીની બનાવટી સિગ્નેચર કરવાના આરોપસર પોલીસ ધરપકડ થવાની છે. અહીં રોઝીનું જે ગીત છે તેમાં ટિપિકલ મુજરા સોંગ જેવા શબ્દો છે. પ્રેમી માટેની મીઠી ફરિયાદ છે : ‘મો સે છલ કિયે જાય, હાય રે હાય હાય, સૈંયા બેઈમાન...’
એમાં શબ્દો પણ મીઠડા છે ‘મન કા હૈ બૈરી કાલા, દિલ જિસે દે ડાલા...’ બીજા અંતરામાં કહે છે ‘સમઝા કે મૈં તો હારી, ધમકાયા... દીની ગારી..’ ટુંકમાં, રોઝીના મનમાં તો હજી રાજુ માટે પ્રેમ છે જ ! જેને ધમકાવી શકાય, મીઠી ગાળ દઈ શકાય એવો છે પ્રેમી ‘મન કા કાલા’…
શૈલેન્દ્રના શબ્દો સ્પષ્ટ ઈશારો આપે છે કે રોઝીને હજી રાજુ માટે એટલો જ પ્રેમ છે. જો સામે આવે તો મીઠો ઝગડો કરીને પૂછવું છે કે તેં આવું કેમ કર્યું ? પરંતુ રાજુ ગીતના આ જ શબ્દોની ગેરસમજ કરે છે અને પોતાની ડ્રીમ-સિકવન્સના ગીતમાં કહે છે : ‘‘ક્યા સે ક્યા હો ગયા, બેવફા તેરે પ્યાર મેં...’’
(ગાઈડ નાં ગીતો વિશે હજી બે-ત્રણ અવલોકન બાકી છે.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment