લો બોલો ! સ્કુલના સંચાલકોએ તો કહી દીધું કે હવેથી ઓનલાઈન શિક્ષણ બંધ !
અરે સાહેબો, તમને કોઈ અંદાજ પણ છે કે આની કેવી ગંભીર અસરો પડશે ?...
***
સૌથી પહેલાં તો જે મહિલા ટિચરોએ કેમેરા સામે આવવા માટે બ્યુટિપાર્લરમાં જઇને ફેશિયલ, હેર-ડાઈ, સ્ટાઇલિંગ વગેરે કરાવ્યું હતું એ બધો ખર્ચો માથે પડ્યો ને ?
વળી, ફેસબુકમાં હવે કયા વિડિયો શેર કરવાના ? ઘરે અથાણું બનાવે એના ?
***
બીજી બાજુ જેન્ટસ ટિચરો પણ ફરીથી દાઢી છોલવાનું બંધ કરી દેવાના !
***
અરે, પહેલા-બીજા ધોરણનાં બાળકોએ તો અત્યારથી ભેંકડા તાણીને રડારોડ મચાવી મુકી છે કે “અમને અમારો મોબાઇલ આપો... અમારે ભણવાનું છે...”
***
દસમા બારમાના સ્ટુડન્ટોને એમના પપ્પાએ જે ખાસ ‘એજ્યુકેશનલ પરપઝ’ માટે નવા મોબાઇલ લઈ આપ્યા હતા એનું શું ? ઘરમાં ઓલરેડી ઝગડા ચાલુ થઈ ગયા છે...
પપ્પા મોબાઈલ પાછો લઈ લેવાની વાતો કરે છે અને મમ્મી નવો મોબાઈલ પોતે રાખીને જુનું ડબલું બાબા/બેબીને પધરાવી દેવાના પેંતરાઓ કરવા માંડી છે !
***
અને મોટે ઉપાડે પેલી જુની સ્લેટ જેવી સાઇઝનાં ટેબ લઈ આવ્યા હતાં એનું શું કરવાનું ?
મમ્મી એને તપેલીનાં ઢાંકણ તરીકે વાપરે ? કે પપ્પા એને બફારામાં પંખો બનાવીને હલાવતા બેસી રહે ?
***
અરે, સૌથી ગંભીર અસર તો એ થશે કે મલ્ટીપ્લેક્સ વિના, મોલ-શોપિંગ વિના કે ખોટા ખર્ચા કર્યા વિના જિંદગી જીવી શકાય છે...
એ રીતે લોકોને હવે ખબર પડી જશે કે આજના બીબાંઢાળ ભણતર વિના પણ કશું ગુમાવવાનું નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment