આજકાલ અમુક વાતો એવી મજેદાર આવે છે કે એમાં થોડો વઘાર કરીએ તો ઓર મજેદાર બની જાય ! જુઓ…
***
વાત
એક વાત એવી આવી કે અમિતાભ બચ્ચનના પલંગ નીચે કોઈ ટીવી રિપોર્ટર સૂતો છે અને રજેરજની ખબર પહોંચાડે છે…
વઘાર
આ સાંભળીને હવે અભિષેક બચ્ચનના પેટમાં તેલ રેડાયું છે કે “ઐશ્વર્યના પલંગ નીચે કોણ હશે ?”
***
વાત
એક વાત એવી આવી કે અમિતાભ બચ્ચને પોતાની તબિયત વિશે માહિતી મેળવવા ન્યુઝ ચેનલ જોઈ…
વઘાર
આ સાંભળીને લગભગ તમામ ચેનલોના અધિકારીએ પોતાના સ્ટાફને તતડાવી નાંખ્યો કે “બચ્ચન સાહેબે કઈ ન્યુઝ ચેનલ જોઈ ? અને જોઈ હોય તો એ બ્રેકિંગ ન્યુઝ આપણી ચેનલમાં કેમ નથી ?”
***
વાત
બીજી એક વાત એવી આવી કે અમિતાભ, અભિષેક, ઐશ્વર્યા, આરાધ્યા… એમ સૌને કોરોનાનો ચેપ લાગ્યો છતાં જ્યા બચ્ચનને નથી લાગ્યો એ વાત ઉપર રેખાએ કહ્યું કે “જયાજી તો પહેલેથી જ નેગેટિવ છે…”
વઘાર
રેખા બહેન, એવું નથી ! હકીકત એ છે કે જયાજીને હજી ભરોસો નથી કે તમે ‘સીલ’ થયેલા બંગલામાં પણ શાંતિથી બેસી રહેશો… એટલે પોતે ચોકી કરવા માટે ‘બહાર’ રહ્યાં છે !
***
વાત
ગઈકાલે હજારો લોકોએ એક સરખો મેસેજ ફોરવર્ડ કર્યો હતો કે મેં સવારે નાસ્તામાં ફલાણું ખાધું અને જમવામાં ફલાણું લીધું…
વઘાર
લોકો પણ કેવા આળસુ થઈ ગયા છે ! પોતે શું ખાધું તે લખવાને બદલે બીજાનો ‘એંઠવાડ’ ફોરવર્ડ કરે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment