ભવિષ્યના મૂરતિયાઓની ટચૂકડી !


લો બોલો, ભવિષ્યમાં મૂરતિયાઓ માટે કેવી કેવી ટચૂકડી જાxખ આવતી હશે ?...

***

વેલ-ટ્રેઈન્ડ યુવક જોઈએ છે

વિદેશમાં ભણેલી અને પાંચ આંકડાનો પગાર મેળવતી મોડર્ન યુવતીને લગ્ન માટે 'વર્ક-ફ્રોમ-હોમ' ઉપરાંત ‘હોમ’નું તમામ વર્ક કરી શકે તેવો યુવક જોઈએ છે. લોકડાઉનના સમય દરમ્યાન પપ્પાએ જેને રસોઈ, સાફ-સફાઈ તથા ઘરકામની ટ્રેનીંગ આપી હોય તેવા યુવકને પ્રથમ પસંદગી. શાક સમારતાં સમારતાં સોફ્ટવેરનું કામ કરનારે તાત્કાલિક સંપર્ક કરવો.

***

હોમ-મેકર હસબન્ડ મળશે

શું આપ આળસુ, એદી, ઘમંડી, ફાંકેબાજ અને ઉડાઉ યુવકોની મેરેજ પ્રપોઝલથી કંટાળી ગયા છો ? તો અમારો સંપર્ક કરો. ગૃહ સજાવટ, કીચન મેનેજમેન્ટ તથા કુકીંગના કોર્સ કરેલા રેડી-ટુ-યુઝ હસબન્ડોની વિશાળ રેન્જમાંથી પસંદગી કરો. ખાસ ઓફર : ત્રણ મહિનાથી લઈને છ મહિના સુધીના ‘ટ્રાયલ પિરિયડ’ના ધોરણે પણ લગ્નેચ્છુ યુવકો 100 ટકા સંતોષની ગેરંટી સાથે મળશે.

***

પતિ કાઢવાનો છે

પાંચ વરસના લગ્નજીવનમાં ક્યારેય ‘ચૂં કે ચા’ ન કરનાર બોરિંગ, મુંજી, બોચિયા અને બોઘા સ્વભાવના પતિને છૂટાછેડાથી કાઢવાનો છે. જેને આજ્ઞાંકિત, ડાહ્યો, રસોઈયા કમ ઘરઘાટી જેવો આદર્શ પતિ જોઈતો હોય તેવી યુવતીઓ તાત્કાલિક ખાનગીમાં સંપર્ક કરે. ખાસ નોંધ : છૂટાછેડાના વકીલની ફી 'લેનાર' પાર્ટીએ ચૂકવવાની રહેશે.

***

- મન્નુ શેખચલ્લી

Comments