આજે માત્ર 1 લિટર ડિઝલના રૂપિયા 80 સુધી પહોંચી ગયા અને 1 તોલા સોનાનો ભાવ 50,000 જેટલો થઈ ગયો છે.
એવા સમયે, યાદ કરો, હિન્દી ફિલ્મોમાં રૂપિયાની શી વેલ્યુ હતી ?
***
પાંચ રૂપૈયા બારા આના
છેક 1958માં ‘ચલતી કા નામ ગાડી’ ફિલ્મમાં કીશોરકુમાર મધુબાલાની કાર રીપેર કરી આપે છે. એનું બિલ એવું અધધ પાંચ રૂપિયા પંચોતેર પૈસાનું આવે છે કે એ વૂસલ કરવા માટે કીશોરકુમારે છેક મધુબાલાના સ્ટેજ-પ્રોગ્રામમાં ઘૂસીને, ગાયન ગાઈને ઉઘરાણી કરવી પડી હતી ! બોલો.
***
દસ લાખ
1966માં આવેલી ફિલ્મ ‘દસ લાખ’ના એક ગાયનમાં જોરદાર સ્કીમ હતી ! આ સ્કીમનો પ્રચાર લગભગ તમામ ભિખારીઓ કરતા હતા કે… “તુમ એક પૈસા દોગે, વો દસ લાખ દેગા !”
બિચારા ભોળા લોકો એમ સમજતા હતા કે ભિખારીને એક પૈસો આપવાથી ઉપરવાળો દસ લાખ રૂપિયાની લોટરી લગાડશે ! હકીકતમાં સ્કીમમાં માત્ર ‘દસ લાખ’ બોલતા હતા… યાને કે, દસ લાખ પૈસા પણ હોય અને દસ લાખ કાંકરા પણ હોય !
***
કિતના ઇનામ રખ્ખે હૈં…
1975માં ‘શોલે’ના ગબ્બર પૂછે છે “કિતના ઇનામ રખ્ખે હૈં સરકાર હમારે સર પે ?” જવાબમાં સાંબા કહે છે “પચ્ચાસ હજાર….”
જરા વિચારો, આજે 50 હજાર તો શું 50 લાખનું ઇનામ જાહેર કરો તોય કોઈ વિજય માલ્યાને પકડીને ઇન્ડિયામાં લાવવાનું બીડું ઝડપે ખરું ?
***
2 લાખ 55 હજાર કરોડ
વાહ ! આને કહેવાય કંઈ વાજબી રકમ ! પણ હલો, આ ફિલ્મ હજી બની નથી… જેનું નામ છે : “બેન્કોની NPA…”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment