લગ્નમાં ગોર મહારાજ અને વિડીયોવાળા સહિત જ્યાં માત્ર 50 વ્યક્તિઓ હાજર રહી શકે છે ત્યાં હવે IAC કંકોત્રીઓ આવશે !
IAC મતલબ I=ઇન્વીટેશન A=અગેઇન્સ્ટ C=કેન્સલેશન !
આ વોટ્સ-એપ કંકોત્રીમાં નીચે મુજબની સુચનાઓ હશે…
***
પ્રિય સ્નેહી શ્રી, નિમંત્રિતોમાં આપનો નંબર 51 અને 52 છે. (બધાને આવું જ લખવાનું છે !)
આ સાથે પહેલા 50 નિમંત્રિતોનું લિસ્ટ ફોન નંબરો સાથે મોકલ્યું છે. તેમાંથી ફોન કરીને કોણ નથી આવવાનું અને કોની જગ્યાએ તમે આવી શકો છો તેની વાટાઘાટો જાતે કરી લેવી. (અમારું મગજ ખાવું નહિ !)
***
મહેરબાની કરીને એ લિસ્ટમાંથી વરરાજા અથવા કન્યાની બાદબાકી ના કરાવી નાંખતા ! (આ લગન છે, બેસણું નથી !)
***
ગોર મહારાજને તો દક્ષિણા લેવાની છે એટલે એ તો આવશે જ ! મહેરબાની કરીને ત્યાં માથાકુટ કરીને સમયની બરબાદી કરશો નહિ. ( ગોર મહારાજે એક આસિસ્ટન્ટ રાખીને ઓલરેડી એક વધારાની સીટ પચાવી પાડી છે !)
***
લગ્નમંડપમાં પધારો ત્યારે કન્ફર્મ IAC નંબરવાળું ઇન્વીટેશન મોબાઈલમાં સાથે રાખવું. ( તમારું આઇડી પ્રૂફ પણ જોડે રાખવાનું છે. )
***
કન્ફર્મ IAC નંબર ટ્રાન્સફરેબલ નથી. મતલબ કે એકને બદલે બીજું કોઈ આવી શકશે નહીં. ( એજન્ટ પ્રથા બંધ છે.)
***
લગ્નમંડપમાં દાખલ થતી વખતે ચહેરા પરનું માસ્ક ઉતારીને ફેસ-રિકગ્નિશન ચેક કરાવવાનું ફરજિયાત છે. (કોઈ આતંકવાદી ઘુસી જાય તો?)
***
અને હા, રેલ્વેની જેમ અહીં પણ બાળકો માટે અડધું ભાણું કે અડધી સીટની વ્યવસ્થા નથી. આખું ઇન્વીટેશન હોવું જરૂરી છે . ( કેમ કે ‘જલુલ જલુલથી આવજો'વાળાને પણ અમે ઘરે જ બેસાડી રાખ્યા છે ! )
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment