હજી તો શાળા-કોલેજો ખુલવાના કોઈ લક્ષણો દેખાતાં નથી પરંતુ જરા કલ્પના કરો….
જ્યારે ‘પ્રિ-સ્કુલ’ એટલે કે અંગ્રેજીમાં જેને ‘કિન્ડર ગાર્ડન’ કહે છે (જેમાં બાળકોને રમાડવાના અને જમાડવાના જ રૂપિયા લઈ લે છે) તેમાં જો માસ્ક પહેરીને છોકરાંઓને મોકલવાં ફરજિયાત હશે તો કેવાં સીનો જોવા મળશે ?...
***
છોકરાંઓની ફરિયાદો…
“મેડમ, આણે મારું માસ્ક લઈ લીધું !”
“મેડમ જુઓને મારા માસ્કની રબ્બરની દોરી તૂટી ગઈ !”
“ટિચર ટિચર, આ છોકરો માસ્કને ગિલોલ બનાવીને મારી ઉપર ટીશ્યુ પેપરનો બોલ ફેંકે છે !”
“ટિચર ટિચર ! આણે મારા માસ્ક ઉપર ABCD લખી નાંખી !”
“મેડમ… મારું માસ્ક આંખો પર ચડી ગયું… મને કંઈ દેખાતું નથી !”
“મેડમ… આ કહે છે કે મારું માસ્ક તો ચીપ છે…”
“ટિચર ટિચર… આ છોકરી મારા માસ્ક વડે એના નાકના શેડા લૂછે છે.”
“ટિચર, મારા નાસ્તાના ડબ્બામાંથી કોઈનું માસ્ક નીકળ્યું !”
“એંએંએંએં… મારું માસ્ક ખોવાઈ ગયું… એંએંએંએં…”
***
ટિચરની ફરિયાદો…
“તમારો બાબો યુનિફોર્મ વિનાનું માસ્ક પહેરીને કેમ આવે છે ?”
“તમારી બેબી માસ્ક ખસેડ્યા વિના જ વોટરબેગમાંથી પાણી પીએ છે. એને જરા શીખવાડો.”
“તમે તમારા ચાઈલ્ડને બે એકસ્ટ્રા માસ્ક આપવાનું રાખો. એ આખો દહાડો પોતાનું માસ્ક ચાવ્યા કરે છે.”
“અને હા, બાળકને સ્કુલમાંથી એકસ્ટ્રા માસ્ક આપ્યું હશે તો એનો 100 રૂપિયા ચાર્જ થશે.”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment