સારા ફિલ્મી ગીતકાર હોવાની પહેલી શરત એ છે કે ગીતના શબ્દો સરળ અને જીભે ચડી જાય તેવા હોવા જોઈએ. બીજી શરત એ છે કે સંગીતકારની ધૂનમાં શબ્દો સહજતાથી ફીટ થઈ જવા જોઈએ. પરંતુ મોટે ભાગના નવાં ગીતોમાં ગીતકારોએ શબ્દોને ખીલાની જેમ ધૂનમાં ઠોકી બેસાડવાનું કામ કર્યું છે.
અગાઉના ગીતકારો કેવું સુંદર કામ કરતાં હતા તેનો એક નમૂનો રજુ કર્યા વિના આ વાત નહીં સમજાય. ફિલ્મ ‘તલાશ’ની પેલી તર્જ યાદ કરો. ‘પલકોં કે પીછે સે ક્યા તુમને કહ ડાલા...’
જો શબ્દો વિના ‘ડા.... ડા... ડા...’ કરીને એની ધૂન મનમાં ગાશો તો ખ્યાલ આવશે કે એસ. ડી. બર્મને ખાસ્સી લાંબી અને અટપટી તર્જ બનાવી છે. જેમાં પહેલી જ પંક્તિમાં મિનિમમ 18 અક્ષરો વાપરવા પડે.
આની સામે ‘મેરા નામ જોકર’ની સાદી સીધી તર્જ યાદ કરો. ‘જીના યહાં, મરના યહાં...’ આને મનમાં ‘ડા... ડા... ડા... ડા...’ કરીને ગાઓ તો સમજાશે કે દરેક પંક્તિમાં માત્ર 4 અક્ષરની જ જગા છે.
હવે બન્ને ગીતકારોની માસ્ટરી જુઓ. શૈલેન્દ્રએ આ ગીતમાં માત્ર ચાર પાંચ અક્ષરોની પંક્તિઓ લખીને લાઇફની આખી ફિલોસોફી ઠાલવી દીધી.
“જીના યહાં,
મરના યહાં,
ઇસ કે સિવા,
જાના કહાં.”
બીજી તરફ ‘તલાશ’ના ગીતમાં મજરુહ સુલતાન પુરીનું મુખડું જુઓ.
‘પલકોં કે
પીછે સે
ક્યા તુમને
કહ ડાલા,
ફિર સે તો
ફરમાના !’
જવાબ પણ એટલો જ લાંબો છતાં ધૂનમાં સહજતાથી ભળી જાય તેવો છે :
“નૈનોં ને
સપનોં કી,
મહેફિલ
સજાઈ હૈ,
તુમ ભી
જરૂર આના !”
તમે જુઓ, કે 18 અક્ષરોની જગ્યામાં 22-23 અક્ષરો કેવી સહજતાથી ગોઠવાઈ ગયા છે ! જો અહીં આનંદ બક્ષી હોત તો કદાચ ...
“નૈનોં હી,
નૈંનો મેં,
નૈંનો ને,
નૈંનો સે,
નૈના મિલાયે,
નયે મન સે”
એવું કંઈક લખીને વર્ણાનુપ્રાસ મેળવતા ફક્ત 18 અક્ષરમાં પતાવ્યું હોત ! પરંતુ મજરૂહ સુલતાનપુરીએ સવાલ-જવાબની પેટર્ન પકડી રાખી છે. જેમાં ઉત્સુક્તાના જવાબમાં નિમંત્રણ છે. એ તો ઠીક, અંતરામાં તો
‘તન થરથરાયે,
ઉંગલી હમારી,
દેખો પિયા ના મરોડો’
એમ કહીને છેક ફિઝિકલ ઇન્ટિમસી સુધી વાત લઈ ગયા છે !
આવાં તો સેંકડો ઉદાહરણો જુનાં ગીતોમાં મળશે. પરંતુ નવા ગીતકારો “આનંદ બક્ષી જેવું લખવામાં શું ધાડ મારવાની ?” એમ સમજી બેઠા લાગે છે. એમાં ને એમાં હથોડા વડે શબ્દોના ખીલા ઠોકી બેસાડતા હોય તેવું લખવા-માંડ્યા. ખીલા-ઠોક કામનું પણ એક ઉદાહરણ લઈએ.
યાદ કરો મણિરત્નમની ફિલ્મ ‘બોમ્બે’નું ગીત ‘તૂ હી રે...’ એમાં મુખડું તો સુંદર ત્રણ જ અક્ષરનું મળી ગયું એટલે કવિ મહેબૂબ ચગી ગયા. આગળ અંતરામાં જ્યાં રહેમાનની ધૂનમાં જગ્યા જ નથી ત્યાં ખીલા ઠોક્યા છે :
“તુમ ઉધર જાન ઉમ્મીદ તોડો જો મેરી,
ઈધર યે જહાં છોડું મૈં...”
જરા ધ્યાનથી સાંભળશો તો ખ્યાલ આવશે કે ગાયક હરિહરને આ અટપટા શબ્દોને સમાવવા માટે ‘તુમુધરજાન’ અને ‘ઈધર્યેજહાં’ એમ ભેગું ભેગું ગાવું પડ્યું છે. અહીં હરિહરનની મહાનતા છે કે આવું વિચિત્ર ખીલા ઠોક કામને તેમણે રેશમના રૂમાલની જેમ ડિલીવર કર્યું છે.
બાકી, મહેબૂબની જગાએ કોઈ સમજદાર ગીતકાર હોય તો ‘ઇધર જાન’ અને ‘ઉધર યે’ જેવા શબ્દોના ખીલા ઠોકવાને બદલે સરળતાથી લખી શક્યો હોત:
“તુમને તોડી વહાં પે જો ઉમ્મીદ મેરી,
યહાં યે જહાં છોડું મૈં..”
સો સિમ્પલ !
કવિ મહેબૂબે તો જેન્ડર (જાતિ)ની યે પરવા કરી નથી. એક ઠેકાણે લખે છે :
“મૌત આ, જિન્દગી તેરે હાથો મેં દે દિયા રે !”
અલ્યા, જિન્દગી ‘દે દી’ કહેવાય કે ‘દે દિયા ?’
આ તો માત્ર એક જ દાખલો છે. આજનાં કોઈપણ આલ્બમ ઉઠાવીને સાંભળો. આવાં સેંકડો ખીલાઠોક ગાયનો કાને ટીચાતાં રહેશે.
અગાઉ અમે લખી ગયા છીએ તેમ, ગીતકારો પાસે કોઈ ‘થિમ’ કોઈ ‘સંવેદના’ જેવું તો છે જ નહિ, ઉપરથી નવી ટેકનોલોજી મળી છે... જ્યાં આવા ખીલા જેવા શબ્દો અલગથી ગાઈને ‘પંચ’ કરી શકાય છે !
***
- મન્નુ શેખચલ્લી
હું આપનો તદ્દન પ્રમાણિક અને નિયમિત વાચક છું આપની કોલમ વાંચવા થી મારા મગજમાં ખુબ જ તાજગી આવે છે મારા મિત્ર વર્તુળમાં પણ હું સતત આપની કોલમ ના વખાણ જ કરતો હોઉં છું.આપની કોલમમાં હાસ્યની સાથે સાથે બૌદ્ધિકતા પણ છુપાયેલી હોય છે જે મને અત્યંત ગમે છે આપ હંમેશા માટે આટલું જ સુંદર લખતા રહેશો એવી શુભેચ્છા
ReplyDeleteજુના ફિલ્મી ગીતોનું આટલું ઊંડા વિશ્લેષણ તો પ્રથમ વાર જોયું. બોમ્બે ના ગીતનુંઆપે જે પોસ્ટમોર્ટમ કર્યું છે તે તો અદભુત જ છે એટલું નહીં પરંતુ શબ્દો બદલી ને શું લખ્યું હોત તો મૂળ ધૂન સચવાઈને ગીત પણ સચવાઈ જાતે એ પણ તમે સાબિત કરી આપ્યું છે તે ખરેખર બહુ અદભુત કહેવાય સલામ છે આપની કલમને. ખરેખર આપ પોતે જ એક સારા ગીતકાર છો એવું અમે આપના લેખો માં વારંવાર અનુભવ્યું છે.
ReplyDeleteખુબ ખુબ આભાર કર્દમ ભાઈ !
Deleteસરસ સમજ આપી
ReplyDeleteસરસ
ReplyDeleteસમજણ આપી
થેન્ક યુ રાજુભાઈ !
Deleteહું તો જાણે નખશિખ તરબોળ રહ્યા કરું છું છેક 2003 થી. તમારા બધા જ આયામો મારામાં સંવિત્ત છે, લલિતભાઈ ! બધાં જ પુસ્તકો, કોલમો અને એનાં પાત્રો અને એની ઉપર કલગીરુપે રહેલી આપણી કલાકોની પહેલી મુલાકાત.... ધરવ તો થયો નથી..અને થવાનો પણ નથી. બસ, સતત ઈન્તેઝાર રહેતો આવે છે...
ReplyDeleteબસ, આપના જેવા રસિક અને સુજ્ઞ વાચકો મને મળી જાય છે તેને જ હું સરસ્વતી માતાની કૃપા માનું છું , રસેશ ભાઈ !
DeleteAs Naushad ji once said about new songs .." Coffin Taiyaar hota hai Aur Murda aa ke So jaata hai"
ReplyDeleteExactly ! નૌશાદ સાહેબ હયાત હતા ત્યાં સુધી તો કોફીન સાઈઝનું મડદું તો બનાવતા હતા.? હવે તો છૂટા હાથ પગ ધડના સ્પેર પાર્ટ્સ અંદર ઠાલવીને ખીલા ઠોકી દે છે !
Delete