... કેવા દહાડા આવ્યા છે ! (હાસ્ય કવિતા)



ઘાટ કરતાં

ઘડામણ મોંઘું

એવા દહાડા જોયા હતા

આજે, પેટ્રોલ કરતાં

ડિઝલ મોંઘુ…

કેવા દહાડા આવ્યા છે !

***

ચાય કરતાં

કિટલી ગરમ

એવા દહાડા જોયા હતા

આજે, ચાયવાલા કરતાં

‘ચીની’વાલા ગરમ…

કેવા દહાડા આવ્યા છે !

***

સૂંઠને ગાંગડે

ગાંધી થયા

એવા દહાડા જોયા હતા

આજે, વાડ્રા છોડીને

ગાંધી બન્યા…

કેવા દહાડા આવ્યા છે !

***

ધરમ કરતાં

ધાડ પડી

એવા દહાડા જોયા હતા

આજે, ડોક્ટર – નર્સોને

ગાળો પડી…

કેવા દહાડા આવ્યા છે !

***

ફરે તે ચરે,

બાંધ્યો ભૂખે મરે

એવા દહાડા જોયા હતા

આજે, ફર્યો તે મર્યો

(કોરોનામાં)ને

બાંધ્યો ઓનલાઈન ફર્યો

કેવા દહાડા આવ્યા છે !

***

ચકલી નાની

ને ફૈડકો મોટો

એવા દહાડા જોયા હતા,

આજે, ટ્વિટ નાનું

ને, વિવાદ મોટો…

કેવા દહાડા આવ્યા છે !

***

બાર વરસે

બાવો બોલ્યો,

બચ્ચા, દુકાળ પડેગા

એવા દહાડા જોયા હતા

આજે, ત્રણ મહિને

એક્સ્પર્ટો બોલ્યા

કોરોના ઔર બઢેગા…

કેવા દહાડા આવ્યા છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments