વધારાની રાહત માંગણીઓ !


રૂપાણી સાહેબની સરકારે પુરા 14000 કરોડ રૂપિયાની રાહતો જાહેર કરી છે છતાં અમુક વર્ગને હજી અસંતોષ છે ! જુઓ….

***

માવા રાહત

પાનમસાલા તથા માવા ખઆનારાઓ, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, એવી માંગ ઊઠી છે કે અમે લોકડાઉનના કપરા સમયમાં 10 ગણા 20 ગણા ભાવે માવા ખાઈને માવા ઉદ્યોગને આત્મનિર્ભર કર્યો છે તો હવે અમને 1 પડીકી ઉપર 3 પડીકી મફતમાં મળે તેવી રાહત વ્યવસ્થા ગોઠવાવી જોઈએ.

***

થૂંક માફી

પાનમસાલાની પિચકારી મારવી એ એક કલા છે. આવા કલાકારોની માગણી છે કે અમે જાહેરમાં પિચકારી મારતાં કે થૂકતાં પકડાઈએ તો અમને થનારા બબ્બે હજારના દંડ માફ થવા જોઈએ. તો જ આ કલા આત્મનિર્ભર બની શકશે.

***

વીજળી બિલ માફી

જે મનોરંજન રસિયાઓ રાતના બબ્બે વાગ્યા સુધી આંખો ખેંચી ખેંચીને વેબસિરિઝો જોતા રહ્યા છે તેમની ઇચ્છા છે કે તેમના વીજળી બિલમાં 20 ટકા માફ કરવામાં આવે. કારણ કે હવે તો વેબસિરિઝો પણ પતી ગઈ છે.

***

બીપી રાહત

જે ભીરુ, ભોળા નાગરિકોએ સતત કોરોના વિશેના બિહામણા સમાચારો, અફવાઓ અને વાતો સાંભળીને પોતાના બીપી જાતે જ વધારે મુક્યાં છે તે દરદીઓની માગણી છે કે હવે બીપી તથા હાયપર ટેન્શનની દવાઓમાં તેમને 50 ટકા રાહત દરે આપવામાં આવે.

***

કવિ સહાય

લોકડાઉન દરમ્યાન એક પણ રૂપિયાનો પુરસ્કાર લીધા વિના જે કવિઓએ ઘેર બેઠાં વેબ-મુશાયરાઓમાં કવિતાઓ સંભળાવી છે તેમની લાગણી છે કે તેમને ઘેર બેઠાં વધુ કવિતાઓના ઉત્પાદન માટે આર્થિક સહાયો આપવામાં આવે. કેમ કે શ્રોતાઓ તો ફોન સ્વીચ-ઓફ કરીને તરત જ આત્મનિર્ભર થઈ જાય છે.

***

- મન્નુ શેખચલ્લી

 

Comments