અચ્છા અચ્છા ડૉક્ટરોએ આપણને ઓનલાઈન ગાઈડન્સ આપ્યું કે કોરોના વાયરસથી શી રીતે બચવું, મોટા મોટા મોટિવેટરોએ આપણને શીખવ્યું કે ઘેર બેઠાં માખીઓ મારતાં મારતાં પોઝિટીવ શી રીતે રહેવું. અરે, મોટી મોટી હિરોઈનોએ આપણને (એટલે કે પતિઓને) શીખવ્યું કે વાસણ ઘસતી વખતે પાણી શી રીતે બચાવવું... પણ યાર, કોઈ ફેમસ હેર સ્ટાઇલિસ્ટ તો છોડો, કોઈ ગુજરાતી કવિએ પણ ના શીખવાડ્યું કે આ વધી ગયેલા વાળનું શું કરવું ?
આ તો છેક લોકડાઉન 4.0 પહેલાં મોદીજી એમના ભાષણમાં બોલ્યા ત્યારે ખબર પડી કે બોસ, આમાં ‘આત્મનિર્ભર’ બનવાનું હતું !
મોદી સાહેબના કીધા પહેલાં જે જે સજ્જનોએ આ મામલે આત્મનિર્ભર બનવાની કોશિશો કરી છે એમની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી, (અરે યાર, બધી ચાઈનિઝ વાનગીઓ જ કેમ યાદ આવે છે?) ના ના, ચિનિયાઓએ તીડ ખાધા જેવી થઈ છે !
અમે પણ કોશિશ કરી હતી. (તીડ ખાવાની નહિ, પોતાના વાળ કાપવાની !) પરંતુ યુ-ટ્યુબ ઉપર ખાસ કોઈ માર્ગદર્શન મળ્યું નહિ. એક ભાઈએ કાંસકામાં બ્લેડ ભરાવીને એની ઉપર ક્લિપ લગાડીને વાળ છોલવાનું ડેમોન્સ્ટ્રેશન કરી બતાડ્યું હતું પણ એ જોઈને અમને સખ્ખત ડર ઘૂસી ગયો હતો કે ક્યાંક નવી નવી પડી રહેલી ટાલ ઉપર જ બુલડોઝરની માફક બ્લેડ ફરી વળી તો ?
પતિઓએ ભલે પત્નીઓને શાક સમારવામાં સહાય કરી હોય પરંતુ વાળ કાપવાને મામલે કોઈ પત્ની પતિના કામમાં આવી નથી. કારણ શું છે, કે પત્નીએ ભલેને બ્યુટિપાર્લરનો કોર્સ કર્યો હોય, એમાં સવા બે ફૂટ લાંબા વાળને વેતરીને સવા છ ઇંચના કેવી રીતે કરી નાંખવા એ શીખવાડ્યું હોય, પણ મારી મા, અહીં સવા ત્રણ ઇંચના વાળને સવા બે ઇંચના શી રીતે કરવા ? એ બ્યુટિ-પાર્લરના કોર્સમાં નથી આવતું !
પતિ એકવાર ‘આત્મનિર્ભર’ બનીને પોતાના વાળ અરીસામાં જોઈને કાપવાની હિંમત (કે કોશિશ) પણ કરે, પરંતુ પાછળથી જે વાળને 9 મિલીમીટરમાંથી 6 મિલીમીટરના કરવાના છે અને સવા બે ઇંચમાંથી પોણા ઇંચના કરવાના છે... અને એ બે વચ્ચે જે માત્ર સવા બે ઇંચનું અંતર છે એમાં કોરોનાના સંક્રમણ દર્શાવતા ગ્રાફની માફક ‘ગ્રેજ્યુઅલી’ વધતા રાખવાના છે... એમાં તે ‘પત્નીનિર્ભર’ શી રીતે બની શકે ?
(બોલો ! હવે ખબર પડી ને કે, જેન્ટ્સ લોકોની ‘સાદી’ હેર-સ્ટાઈલો લેડિઝની ભલભલી અગડમ બગડમ હેર-સ્ટાઈલો કરતાં કેટલી અઘરી છે?)
સૌથી ખરાબ હાલત એવા ભાયડાઓની થઈ છે જે હંમેશા સલુનમાં જઈને પોતાના વાળ રંગાવતા હતા ! બે મહિનામાં એમના વાળ ઝેબ્રા ક્રોસિંગના કાળા - ધોળા પટ્ટા જેવા થઈ ગયા હતા ! એમાં વળી જે ભાયડાઓ મોટા ઉપાડે જાતે ડાઈ (યાને કે ‘ડુ-ઓર-ડાઈ’) કરવા ગયા એમની હાલત તો ઝેબ્રા ક્રોસિંગ ક્રોસ કરવા જતાં ચટ્ટાપટ્ટાવાળી બિલાડી આડી ઉતરી હોય એવી થઈ ગઈ !
એક તો જાતે માથું રંગવાનો અનુભવ નહીં, એમાં વળી પુરુષનો અહમ નડે ! પત્ની કંઈ સલાહ આપવા જાય તો સાંભળે નહીં ! છેવટે પોતાનું કપાળ રંગી બેસે ! (કાળા રંગથી, યાર, વારંવાર વેલણની યાદ ના અપાવો.) ડાબે જમણે બહુ બારીક કામ કરવા જતાં કાન ચીતરાઈ ગયા હોય... પાછળની સાઈડે હાથ સરખો ના પહોંચ્યો હોય ત્યાં બિલાડીએ પીંખી નાંખેલા કાગડા જેવા કાળાંધોળાં રહી ગયા હોય... અને બોચી ? જવા દો ભૈશાબ,એ ભાઈ સાહેબ ચોવીસે કલાક ઘરમાં જ હોવા છતાં ઊંચા કોલરવાળું ટી-શર્ટ પહેરીને ફરે છે !
‘શરમના માર્યા’ કોલર અધ્ધર રાખવા પડ્યા હોય એવી વીરલ ઘટનાઓ આ લોકડાઉનમાં જ બની છે !
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment