ઈન્ટરનેશનલ બાબતોમાં અમે એક નંબરના ‘ઢ’ છીએ ! એમાંય, અમેરિકાની અમુક વાતો તો અમને કદી સમજાતી જ નથી.
આજકાલ અમેરિકામાં જે તોફાનો ચાલ્યાં છે તે જોઈને અમને થાય છે કે...
***
અલ્યા, જે ટ્રમ્પ ઉત્તર કોરિયા, ચાઇના, સિરીયા, અફઘાનિસ્તાન અને ઇરાન જોડે યુધ્ધો કરવાની મોટી મોટી વાતો કરતો હતો, એ આટલાં અમથાં તોફાનો થતાંની સાથે બંકરમાં કેમ છૂપાઈ ગયો ?
.... એવું કેવું અમેરિકામાં ? હેં ?
***
અલ્યા, આપણે ત્યાં બિચારા તરસ્યા શ્રમિકો લાંબી સફર માટે ટ્રેનના પ્લેટફોર્મ ઉપરથી પાણીની બાટલીઓ લૂંટે...
અને ત્યાંના ખાઈ-પીને મસ્ત રહેતા અમેરિકનો મોલમાં ઘૂસીને મોંઘી મોંઘી ચીજ વસ્તુઓ લૂંટવા માંડે ?
... અલ્યા, એવું કેવું અમેરિકામાં ?
***
અલ્યા, અમને તો કહેતા હતા કે લોકડાઉનમાં હવા ચોખ્ખી થઈ ગઈ...
તો પછી મેદાનમાં હજારો લોકો ઊંધા પડીને કેમ બૂમો પાડે છે કે ‘આઇ કાન્ટ બ્રીધ ?’
... એવું કેવું અમેરિકામાં ?
***
અહીં યુપીમાં તોડફોડ કરનારાઓના ફોટા પડી જાય અને એમનાં નામ સાથે હોડિંગો પણ લાગી જાય...
અને ત્યાંની લૂંટફાટના વિડીયો આખી દુનિયામાં ફરતા થઈ ગયા છતાં એમાંથી કોઈની ધરપકડ ના થાય ?
... અલ્યા, એવું કેવું અમેરિકામાં ?
***
અને ભઈ, જે પોઝમાં ઘૂંટણ વડે પેલા ફ્લોઈડ ભાઈનું ગળું દબાવીને ગુંગળાવી માર્યો, એ જ પોઝમાં ત્યાંની પોલીસ ઘૂંટણિયે પડીને ‘માફી’ માગે ?
... અલ્યા, એવું કેવું અમેરિકામાં ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment