લોચો સાતમો : અક્કલ વગરના ફોલોઅર્સ


પહેલી વાત તો એ, કે આ ‘ફોલોઅર’ શબ્દ સામે મારો મોટો વિરોધ છે. આપણે કોઈ કલાકારના ‘ફેન’ હોઈ શકીએ, ‘ચાહક’ હોઈ શકીએ કે ઈવન ‘અભ્યાસુ’ હોઈ શકીએ પણ ફોલોઅર યાને કે ‘અનુયાયી’ શા માટે બની જવાનું ?

આજે સોશિયલ મિડિયાના જમાનામાં ‘ફોલોઅર્સ’ નામની બહુ મોટી ભ્રમણા ઊભી કરવામાં આવી છે. અહીં અચ્છા અચ્છા ગાયકો સંગીતકારોની ‘ગણના’ સુધ્ધાં નથી થતી કારણ કે એમના ‘ફોલોઅર્સ’ ઓછા છે !

એક સમયે જ્યારે ફિલ્મસંગીતના સાચા અર્થમાં ચાહકો હતા ત્યારે ‘રફી સાહેબ સારા કે કીશોરકુમાર?’ અથવા ‘શંકર-જયકિશન ચડે કે લક્ષ્મી-પ્યારે?’ એ બાબતે સંગીત રસિકોમાં રીતસર મોટા ઝગડા થઈ જતા હતા ! એટલું જ નહિ, એ જ ચાહકો બેધડક કહી શકતા હતા કે ‘ફલાણી ફિલ્મમાં શંકર-જયકિશને વેઠ ઉતારી છે’ અથવા ‘લક્ષ્મી-પ્યારે ઢકેલ પંચા દોઢસો જેવું સંગીત આપી રહ્યા છે.’ લોકો આવું કહી શકતા હતા કારણ કે તેઓ ખરેખર એમના સંગીતને સાચા અર્થમાં ‘ફોલો’ કરતા હતા. અહીં ફોલો કરવાનો અર્થ ‘સમજવું’ થાય છે, નહિ કે ઘેટાંની માફક ‘ફોલોઅર’ બની જવું !

’50 થી ’75 સુધીના અઢી દાયકામાં દિગ્ગજ કલાકારોના ઝંડા લહેરાઈ રહ્યા હતા છતાં સંગીતકારોમાં ઓ.પી. નૈયર, જયદેવ, ખૈયામ કે ઈવન જી.એસ. કોહલીની પણ કેમ નોંધ લેવાતી હતી ? કારણ એટલું જ કે ‘ચાહકો’ સારા અને ખરાબનો ફરક સમજી શકતા હતા. તેઓ ‘ફોલોઅર્સ’ નહોતા. આજે સ્થિતિ સાવ ઊંધી થઈ ગઈ છે. સૌથી પહેલી વાત તો એ છે કોઈ ગાયનના ગીતકાર, સંગીતકાર કે ગાયક કોણ છે તે શોધવા-જાણવાની કોઈને પરવા જ નથી. ઉપરથી કોઈને સરખી ક્રેડિટ નહી આપવા દેવાની સિસ્ટમ ચાલી ! અધૂરામાં પુરું, મ્યુઝિક કંપનીઓની દાદાગિરી શરૂ થઈ ગઈ.

આવી સ્થિતિમાં ખરેખર કોનામાં ટેલેન્ટ છે અને ખરેખર કોણ ‘ફોલો’ કરવાને લાયક છે એ વાત જ અભેરાઈએ ચડાવી દેવામાં આવી છે. આવો, થોડા આંકડા જોઈએ એટલે વાત વધારે સમજાશે...

એક નેહા કક્કડ નામની ગાયિકા જે મ્યુઝિકના રિયાલીટી શોમાં જજની ખુરશીમાં બેસીને સતત ‘ક્યુટ એક્સપ્રેશનો’ આપ્યા કરે છે, જેના નામે હજી માંડ એક ડઝન જાણીતાં ગાયનો પણ નથી અને જે ભૂલેચૂકે લાઈવ શોમાં સ્ટેજ ઉપર ગાવા ઉતરે તો એના કાચા સૂર અને નબળા અવાજને કારણે ઉઘાડી પડી જાય છે.... તેના ઇન્સ્ટાગ્રામ ઉપર 39.8 મિલિયન ફોલોઅર્સ છે !

ઓ મારા સાહેબો, 39.8 મિલિયન એટલે લગભગ ચાર કરોડ થયા ! આ હિસાબે તો બહેનનું કોઈપણ નવું ગાયન રાતોરાત સુપરહિટ થઈ જવું જોઈએ ને ! પણ ના, બહેન તો કંઈ માઇકલ જેકસન હશે, જેનાં ગાયનો ઓછાં જ હોવાં જોઈએ ! રાઈટ ?

બીજી બાજુ, સુંદર મંજાયેલા અવાજવાળી શ્રેયા ઘોષાલના માત્ર 19.6 મિલિયન ફોલોઅર્સ છે. નેહા કક્કડ કરતાં અડધા ! વાહ ! અને બિચારી સુનિધિ ચૌહાણ, જે મ્યુઝિક કંપનીઓની નજરમાંથી ઉતરી ચૂકી છે તેના હવે માત્ર 1.5 મિલિયન ફોલોઅર્સ બચ્યા છે. સવાલ એ છે કે આ બધા ફોલોઅર્સ આવે છે ક્યાંથી ? એક જમાનામાં જ્યારે સોશિયલ મિડીયાનું આટલું ગાંડપણ નહોતું ત્યારે કેકે નામનો ગાયક એક પછી એક હિટ ગાયનો વડે ટોપ ઉપર હતો, તેના આજે કેટલા ફોલોઅર્સ છે, ખબર છે ? માત્ર 67 હજાર !

અચ્છા, સોનુ નિગમને પણ મોટી કંપનીઓએ બોયકોટ કર્યો છે તેથી તેના ફોલોઅર્સ કેટલા છે ? માત્ર 830K યાને કે 8 લાખ 30 હજાર ! આનો અર્થ એ થયો કે પેલાં નેહા બહેન સોનુ નિગમ કરતાં 48 ગણી વધુ (ટેલેન્ટેડ હોય કે ના હોય) ‘લોકપ્રિય’ છે ! માત્ર આ એક જ ઉદાહરણ દર્શાવે છે કે આજના સંગીત ચાહકોમાં કેટલી ‘અક્કલ’ છે !

આપણે ખરેખર ભગવાનનો પાડ માનવો જોઈએ કે દેશમાં મોબાઈલ અને સોશિયલ મિડિયા છેક  મોડું મોડું આવ્યું. બાકી ખૈયામ જેવા સંગીતકારોને ‘શ્રધ્ધાંજલિ’ આપવાની તો વાત જ દૂર રહી, એમનું તો સંગીતના ઇતિહાસમાં ક્યાંય નામોનિશાન જ ના હોત !

ખરેખર અફસોસની વાત એ છે કે જ્યાં આટલા બધા ટેલેન્ટેડ સંગીતકારો અને ગાયકો હોવા છતાં (ગીતકારોની વાત જ નથી કરવા જેવી) જુઠ્ઠી પ્રચારબાજીમાં નવા ફિલ્મી સંગીતનું ગળું‘પ્રિ-પ્લાન’ રીતે ઘોંટાઈ રહ્યું છે.

(શ્રેણી સમાપ્ત)

***

- મન્નુ શેખચલ્લી

Comments