કોરોના ટાઈપ ક્રિકેટ સ્કોર !


અમને એક સપનું આવ્યું ! સપનામાં ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ ચાલી રહી હતી. કોમેન્ટેટર બોલતાં સંભળાયો :

“ટોસ ઇન્ડિયાને જીતા હૈ... પહલે બેટિંગ કરને કે લિયે મૈદાન મેં ઉતરે હૈં સચિન તેન્ડુલકર ઔર વિરાટ કોહલી… ઔર યે લિજિયે… પહલે બોલ પે સિંગલ નિકાલ લી હૈ તેન્ડુલકરને … ઇસી કે સાથ ભારત કા સ્કોર હો ગયા હૈ પૈંસઠ હજાર તીનસૌ બારહ…”

“હેં ?” અમે ચોંકી ગયા. “એટલા બધા શી રીતે થઈ ગયા ? ભઈ, હજી તો એક જ રન લીધો છે.”

“હા, પણ સચિનના ઓલરેડી 18,426 રન છે. કોહલીના 11,867 છે. હજી બેટિંગમાં રોહિત શર્મા બાકી છે, ગાંગુલી છે, અઝહરુદ્દીન છે…”

અમારા ભેજામાં આખું ગણિત ઉતરતું જ નહોતું. અમે માથું ધૂણાવતા હતા ત્યાં કોમેન્ટેટરે કહ્યું :

“મન્નુભાઈ, આ આખી કોરોના સિસ્ટમ છે !”

“કોરોના સિસ્ટમ ?”

“હાસ્તો વળી ! આખા ભારતમાં ચાર લાખ બત્રીસ હજાર સંક્રમિત થઈ ગયા એમ કહીને આપણે ઇન્ડિયાને ચોથા નંબર પર બેસાડી દીધું છે ને ! એ જ રીતે !”

“અરે પણ -” અમે અકળાઈ ગયા. “ભાઈ સાહેબ, એમાંથી બે લાખ સુડતાળીસ હજાર તો સાજા થઈ ગયા છે. એ બાદ કરીને કેમ નથી કહેતા કે -”

“એ જ તો સિસ્ટમ છે !”

“અરે, ગુજરાતમાં તો 28 હજારમાંથી 19 હજાર દરદી સાજા થઈ ગયા છે ! માત્ર 9 હજાર કેસ બાકી છે ! તો એવા આંકડા કેમ નથી બોલતા?”

કોમેન્ટેટરે અમારું સાંભળ્યું જ નહીં ! એ તો બોલતો રહ્યો :

“ઔર યે ચૌકા ! અબ ભારત કા ઓલ ટાઇમ સ્કોર હો ગયા હૈ. પૈસઠ હજાર તીન સો સોલહ…”

- અમે ખાલી સ્ટેડિયમ સામું જોઈને વિચારી રહ્યા હતા કે “અહીં કમ સે કમ બાર લાખ પ્રેક્ષકો તો બેઠા જ હશે, નહીં ?”

***

-મન્નુ શેખચલ્લી

Comments