( લોકડાઉન પત્યા પછી આપણે અનલોક તો થઈ ગયા પરંતુ હવે સૌથી વધુ ત્રાસ આપી રહ્યા છે આ માસ્ક... યાને કે મુખલંગોટ!)
નડે છે, કનડે છે
સતાવે, ગુંગળાવે છે
અનલોક પછીનો
આ મુખ-લંગોટ !
***
સ્માઈલ ભલે આપો
દાંત ઘણા કાઢો
સેલ્ફીઓ બગાડે છે
અનલોક પછીનો
આ મુખ-લંગોટ !
***
દાંત કચકચાવે ?
કે મૂછમાં હસે છે ?
હાવભાવ શત્રુના
સદંતર છુપાવે છે
અનલોક પછીનો
આ મુખ-લંગોટ !
***
જાનેમન નચાવે છે
નૈણ વાંકાંચૂકાં,
પણ હોઠ પર
છે મસ્તી, કે
મશ્કરી એ જુની ?
છેતરે ઘણો, ને
રિઝાવે છે થોડો...
અનલોક પછીનો
આ મુખ-લંગોટ
***
મનમાં હતું કે
ઓળખશે કોણ ?
હટાવ્યો જ્યાં થોડો
ઘેરબેઠાં આવ્યો
ઈ-મેમો 200નો !
નાણાં પડાવે છે,
કે રોગથી બચાવે છે ?
અનલોક પછીનો
આ મુખ-લંગોટ !
***
નેતાજીના ચહેરે
બુકાનીને જોઈ
આવી ગઈ યાદ
ધાડપાડુઓની…
મોડેથી ખુલ્યો છે
રાઝ ‘મન્નુ’ ભાઈ
કે દીધા જેને વોટ
એ આ જ ચહેરો હતો !
છુપાવે છે ત્યારે જ
ઘણું બતાડે છે…
અનલોક પછીનો
આ મુખ-લંગોટ !
***
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment