નવાં હેરિટેજ સ્મારકો !

આપણે ‘અન-લોક’ તો થઈ ગયા પણ શનિ-રવિમાં ક્યાં જવાનું ?


તો પ્રસ્તુત છે એવા સ્થળોની પેકેજ ટુર જે સ્થળો હવે ‘સ્મારક’ યાને કે ‘હેરિટેજ’ બની ગયાં છે…

***

ખાઉ-ગલીઓ

આવો દોસ્તો, જુઓ આ ગલીઓ… અહીં એક સમયે ચાટ મસાલાથી ચાઇનિઝ અને પાંવભાજીથી પંજાબી વાનગીઓનો મેળો જામતો હતો. આજે એ ગલીઓમાં કરુણ ગીત ગુંજી રહ્યું છે :

“યે ગલીયાં યે ચૌબારા, યહાં  કબ આઓગે દોબારા…”

***

મલ્ટિપ્લેક્સો

એક જમાનામાં જ્યાં પહોળી સીટ ઉપર બેસીને પિત્ઝા, બર્ગર, પોપકોર્ન અને પેપ્સીના ઓર્ડરો વચ્ચે થોડી થોડી ફિલ્મ પણ જોતા હતા… એ મલ્ટિપ્લેક્સની સીટો સૂની પડી છે. અહીંની ડોલ્બી સ્ટિરીયો સાઉન્ડ સિસ્ટમમાં ગાયન વાગી રહ્યું છે :

“પાસ બૈઠો, તબિયત મસલ જાયેગી, મૌત ભી આ ગઇ હો તો ટલ જાયેગી !”

- બોલો, બેસવું છે ?

***

મોટેરા સ્ટેડિયમ

આહાહા… જાણે હજી ગઈકાલે જ ટ્રમ્પ સાહેબનું અભિવાદન કરવા માટે અહીં લાખ માણસ ભેગું થયું હતું… અને આજે ? આખા સ્ટેડિયમમાં સન્નાટો છે. આવો, આ સન્નાટોમાં સાંભળો, સ્ટેડિયમની ખુરશીઓ શું ગાઈ રહી છે ?

“લાખોં તારે, આસમાન મેં, એક પ્રેક્ષક ઢૂંઢે ના મિલા…”

***

વિધાનસભા

છેલ્લા ત્રણ મહિનાથી તો અહીંના મૂળ ‘ટુરિસ્ટો’ને આપણે બહારની દુનિયામાં પણ નથી જોયા ! એમાંય વળી અહીંના ટુરિસ્ટો છેલ્લે છેલ્લે અમુક રિસોર્ટોમાં સંતાયા પછી અહીંની પાટલીઓ કરુણ ગીત ગાય છે.

“ગુમનામ હૈ કોઈ… બદનામ હૈ કોઈ…”

***

- મન્નુ શેખચલ્લી

Comments