ઘેરબેઠાં ઓનલાઇન પનીશમેન્ટો !


સરકાર કહે છે કે શાળાઓમાં 15 ઓગસ્ટ સુધી ઓનલાઈન ભણાવવાનું રહેશે.

બરોબર છે પણ અગાઉ તો ક્લાસમાં જે લેટ આવે કે તોફાન કરતા હોય તેને સજા કરી શકાતી હતી. આમાં ઓનલાઈનમાં કેવી રીતે સજા કરવાની ?

લો, થોડાં સજેશનો…

***

જે સ્ટુડન્ટ ઓનલાઈન ક્લાસમાં લેટ જોઈન થાય એના મોબાઈલની તમામ સેવાઓ બે કલાક માટે બંધ કરી દેવામાં આવશે !

***

જે સ્ટુડન્ટ ચાલુ ક્લાસે ઝોંકા ખાતો ઝડપાઈ જાય તેણે કોરોના વાયરસને લગતી તમામ બિહામણી માહિતીના વિડીયો ત્રણ કલાક સુધી જોવા પડશે… જેથી એની ઊંઘ ઊડી જાય !

***

જે સ્ટુડન્ટ ચાલુ ક્લાસે મોબાઈલમાં ગેઈમ રમતો પકડાશે તેના મોબાઈલમાંથી તમામ ગેઈમો ચાર દિવસ માટે ડિલિટ કરી નાંખવામાં આવશે.

***

જે સ્ટુડન્ટ લેકચર સાંભળવાને બહાને કાનમાં ઇયર પ્લગ નાંખીને મ્યુઝિક સાંભળતો પકડાશે તેણે સોનિયા ગાંધીના તમામ લેકચરો ઝોકાં ખાધા વિના સાંભળવાં પડશે !

***

જે સ્ટુડન્ટો ચાલુ ક્લાસે બીજા સ્ટુડન્ટો જોડે ટાઈપિંગ કરીને ચેટ કરતાં પકડાશે એમનું વોટ્સએપ બંધ કરી દેવામાં આવશે !

***

જે સ્ટુડન્ટ આપેલું હોમવર્ક ટાઈમસર ઓનલાઈન સબમિટ નહીં કરે તેનું ફેસબુક પેજ બ્લોક કરી દેવામાં આવશે.

***

અને જે સ્ટુડન્ટે ઓનલાઈન ક્લાસ વખતે ટિચર કે સરનું કાર્ટુન બનાવીને અપલોડ કર્યું હશે તેણે પોતાના પગના અંગૂઠા પકડીને, મુરગો બનીને, સાત વાર ‘કુકડે કુક’ કરતો હોય તેવો વિડીયો ઉતરાવીને વાયરલ કરવાનો રહેશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments