સૌથી પહેલી વાત તો એ કે જ્યારે કોઈ જાણીતા ટોચ ઉપર બિરાજતા સંગીતકાર કોઈ જુના ગાયનનું રિ-મિક્સ કરવા માટે તૈયાર થઈ જાય તો એનો અર્થ એ નથી થતો કે એને એને પોતાની ઓરીજીનલ ધૂનમાં ભરોસો નથી. પરંતુ મ્યુઝિક કંપનીઓ તથા પ્રોડ્યુસરોને ‘ઇન્સ્ટન્ટ હિટ’ની (અર્થાત ઇન્સ્ટન્ટ કમાણીની) એટલી ઉતાવળ હોય છે કે તેઓ રીતસર સંગીતકારો ઉપર ચડી બેસે છે.
બીજું, હું અંગત રીતે માનું છું કે કોઈ જુનું ગાયન રિ-મિક્સ થઈને આવે તો એમાં કંઈ ‘સંગીતનું ખૂન’ કે ‘પરંપરાનું પતન’ નથી થઈ જતું. ઉલ્ટુ, એ ગીતને નવી ‘લાઇફ’ મળે છે. યંગ લોકો પણ ઓરિજીનલ ગીતને શોધીને સાંભળે છે.
અને ત્રીજી સૌથી મહત્વની વાત એ છે કે માત્ર ઓરકેસ્ટ્રા બદલીને, ચાર વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ ખખડાવીને જુના ગાયનને ‘આઇટમ સોંગ’ બનાવી નાંખો એને સાચા અર્થમાં રિ-મિક્સ ના કહેવાય. એમ જોવા જાવ તો આપણી શહેરી નવરાત્રિમાં જે ગરબા થાય છે તેમાં માત્ર ઢોલને બાદ કરો તો ડ્રમ, ઓક્ટા-પેડ, ગિટાર, કી-બોર્ડ, સેક્સોફોન વગેરે વાજિંત્રોથી જે ગરબા રજુ થાય છે એ રિ-મિક્સ જ કહેવાય ને ? પણ એવું નથી.
જ્યારે કોઈ ગીતનું રિ-મિક્સ થાય ત્યારે તેનું નવું ‘સંસ્કરણ’, નવો ‘અવતાર’ થવો જોઈએ. આ વાત હજી કોઈના ભેજામાં જ બેઠી નથી ! એટલે રિ-મિક્સના નામે ધૂમધડાકા સાથેનું ઓરકેસ્ટ્રા, બે ચાર ડિજિટલ ઇફેક્ટ્સ અને એકાદ બે નવા અર્થહીન શબ્દો ધરાવતા અંતરા ઘૂસડી દો એટલે પત્યું, એવો જ ટ્રેન્ડ બની ગયો છે.
મારો મુખ્ય સવાલ એ છે કે શા માટે જુના ગાયનોમાંથી ‘આઇટમ સોંગ’ (કે ડાન્સ નંબર) જ બનવા જોઈએ ? શા માટે કોઈ મીઠું મધુરું જુનું ગીત કે કોઈ ઉદાસ ગમગીન સોંગ નવા ફેરફાર અને રંગરૂપ સાથે ના આવી શકે ? શું રિ-મિક્સ એટલે માત્ર ઢીનચાક ઢીનચાક જ થવું જોઈએ?
આ એંગલથી જોઈએ તો મને અંગત રીતે મૂળ ન્યુઝિલેન્ડના પણ વરસોથી મુંબઈમાં કામ કરી રહેલા મ્યુઝિશીયન મિકી મેક્લેરીમાં કંઈક નવો ચમકારો દેખાય છે. હિન્દી ફિલ્મોના સુંદર ગીતોને તેમણે એક અનોખો વેસ્ટર્ન ટચ આપીને ‘ધ બાર ટેન્ડર રિ-મિક્સ’ નામના આલ્બમ કર્યાં છે. એની કેચ-લાઈન જ બધું કહી દે છે : ‘just stirred, not mixed.’ યાને કે માત્ર સ્હેજ હલાવ્યું છે, મિક્સ નથી કરી નાંખ્યું !
અહીં ‘આજ કી રાત કોઈ આને કો હૈ’નું રહસ્યમય વર્ઝન છે, ‘તુમ જો મિલ ગયે હો’નું તોફાની વર્ઝન છે, ‘ખોયા ખોયા ચાંદ’નું સિક્સ્ટીઝ સ્ટાઇલમાં ડાન્સ વર્ઝન છે અને ‘અજીબ દાસ્તાં હૈ યે...’માં તો ઓરીજીનલ ફિલ્મના ફૂટેજને જોડીને એક ત્રીજા જ લેવલની ઉદાસ લવ-સ્ટોરીની ઝલક બનાવી છે. લગભગ એકાદ ડઝન જેટલા ગીતોમાં એક વાત ઊડીને આંખે (એટલે કે કાને ) વળગે છે કે મિકી મેક્લેરી પાસે હિન્દી ગીતોને જુદા જ એંગલેથી જોવાની અને સાંભળવાની ‘નજર’ છે !
આપણી ઇન્ડિયન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ટેલેન્ટની ખોટ નથી. (સંગીતકારોની વાત કરું છું, ગીતકારોની નહીં.) જરૂર છે તો એક નવા એન્ગલની, નવા વિચારની, નવી શૈલીની.
શું જુના શાસ્ત્રિય સંગીત ઉપર આધારિત ગીતોને સ્હેજ પણ મચડ્યા વિના એમાં કંઈક નવું ઉમેરી ના શકાય ? દાખલા તરીકે ‘ઇક રૂત આયે, ઈક રૂત જાયે’…માં વર્ષની ચાર ઋતુના વર્ણન ચાર અલગ અલગ રાગમાં થયાં છે. આ જ ગીતને વધુ બહેલાવીને, ચાર અલગ-અલગ મેલ-ફિમેલ સિંગરોની જોડી પાસે ગવડાવીને, એમાં વરસાદ, પવન, ઝરણાં વગેરેની સાઉન્ડ ઇફેક્ટો ઉમેરીને નવું ‘એક્સ્ટેન્ડેડ’ (લાંબુ) વર્ઝન ના બનાવી શકાય ? પણ ના. ‘રિમિક્સ’ એટલે ઘોંઘાટ ! જાણે એ જ વણલખ્યો નિયમ હોય !
રિ-મિક્સથી પણ કરુણ અને દયાજનક સ્થિતિ ‘કવર-વર્ઝન’ની છે. અહીં બચોળિયાં અને નવાસવા ગાયકોને એમ છે કે ગિટાર હાથમાં લઈને કોઈ જુનું ફેમસ સોંગ ગાઈ નાંખ્યું એટલે થઈ ગયું‘કવર વર્ઝન’ ! ચાલો, એ પણ કરો, પરંતુ જરા અલગ અલગ ગીતો શોધવાની તો તસ્દી લો ?
અહીં તો એક ગીત હાથમાં આવ્યું નથી કે બધા જ લવરમૂછિયા તૂટી પડ્યા છે ! ‘લગ જા ગલે...!’ 'લગ જા ગલે...!' કેમ, લતાજીનાં બીજાં ગીતો દેખાતાં જ નથી ? આ ‘લગ જા ગલે...’ એ તો એટલી હદે દાટ વાળ્યો છે કે બિચારી શ્રેયા ઘોષાલે પણ પિયાનો ખખડાવતાં એનો ‘સેલ્ફી વિડિયો’ ઉતારવો પડ્યો છે !
(શ્રેણીના આગામી લેખમાં... ટાઇમપાસ બેકગ્રાઉન્ડ સોંગ એટલે વેઠ ? )
***
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment