હવે શાળાઓમાં 'ઓડ-ઈવન' ?


કહે છે કે જો સ્કુલો શરૂ થશે તો એમાં 'ઓડ-ઈવન' સિસ્ટમ હશે ! મતલબ કે સોમવારે પહેલા ધોરણવાળા તો મંગળવારે બીજા ધોરણવાળા ભણવા જશે. એ તો ઠીક છે, પણ પછી શું શું થશે ?

***

સવાલ : સ્કુલ-રીક્ષાવાળા જે ઘેટા-બકરાંની જેમ બાળકોને ભરે છે એનું શું?

જવાબ : કંઈ નહિ, એક દિવસ રીક્ષામાં ‘ઘેટાં’ ભરશે અને બીજા દિવસે ‘બકરાં’ !

***

સવાલ : સ્કુલમાં જો બાળકોને સોશિયલ ડિસ્ટન્સ પ્રમાણે બેસાડવાનાં હોય તો ક્લાસો કેવી રીતે લેવાના ?

જવાબ : એક ક્લાસમાં ટિચર ‘લાઈવ’ હશે અને બીજા ક્લાસમાં ‘ટેલિકાસ્ટ’ હશે !

***

સવાલ : પેલા ‘પ્રવેશોત્સવ’નું શું થશે ?

જવાબ : એના બદલે ‘ગૃહ પ્રવેશોત્સવ’ થશે !

***

સવાલ : અને ‘ગુણોત્સવ’ ?

જવાબ : બે વડે ભાગો… ‘ભાગોત્સવ’ !

***

સવાલ : આમાં ને આમાં અડધો જ કોર્સ પતશે તો ?

જવાબ : ચિંતા ના કરો. એક્ઝામનાં પેપરો પણ ઓડ-ઈવન હશે. એક સવાલનો જવાબ આપવાનો, બીજાનો નહીં આપવાનો !

***

સવાલ : પણ સ્કુલવાળા ફી તો આખેઆખી લઈ લેશે. એનું શું ?

જવાબ : તમારે તમારું બાળક આખેઆખું રાખવું છે કે કોર્સ ?

***

સવાલ : આમ તો આખેઆખું શિક્ષણ ડબલ નફાનો ધંધો બની જશે, એનું શું ?

જવાબ : 40 વરસ જુનો સવાલ છે. હવે તો એ સવાલ સિલેબસમાં જ નથી !

***

- મન્નુ શેખચલ્લી

Comments