ત્રીજો લોચો : ટેકનોલોજીની બગલઘોડી


ગયા અઠવાડિયે જે સાઉન્ડ રેકોર્ડિંગની ડિજીટલ ટેકનોલોજીના ‘દુરુપયોગ’ની વાત ઉપાડી હતી તે સહેલાઈથી પતે તેમ નથી. આ અદ્ ભૂત ટેકનોલોજીનું એક અદ્ ભુત વરદાન સમું એપ છે, જેનું નામ છે... ‘ઓટો-ટ્યૂનર’ !

શું છે આ ?

તો મારા સાહેબો,  લતા–આશા–રફી–મન્નાડે વગેરેના જમાનામાં આખા ગીત દરમ્યાન ક્યાંક ગાતી વખતે સૂરમાં ‘હાફ-નોટ’ (એ તો બહુ કહેવાય, છતાં ઉદાહરણ તરીકે) જેટલો ફરક રહી જાય તો આખું ગીત ફરીથી ગાવું પડે. એટલું જ નહિ, કોરસમાં ઊભેલી ચાર છોકરીમાંથી એક છોકરીનો સૂર કાચો કે ખોટો લાગ્યો તો પણ સંગીતકારો ચલાવી લેતા નહીં.

આજે હાફ-નોટ તો છોડો, ગાયકો આખેઆખો સૂર કે દોઢ સૂર ઉપર-નીચું ગાઈ નાંખે તો પેલા ‘ઓટો- ટ્યૂનર’ નામના સોફ્ટવેર વડે જે તે ખોટા સૂરને ઉપર કે નીચે કરી શકાય છે ! જી હા, આખી પંક્તિથી લઈને એકાદ ઠેકાણે સૂર કાચો લાગ્યો હોય તો તે કોમ્પ્યુટરના સ્કીન પર રીતસર ચપટી વડે ‘પકડી’ને સુધારી શકાય છે !

આના કારણે જ પરિણીતી ચોપરા, આલિયા ભટ્ટ અને ફરહાન અખ્તર જેવા ‘ગાયકો’ ગાયનો પણ આવી પહોંચે છે ! ચાલો,આ તો એક્ટરો છે, ગાયક હોવાનો દાવો નથી કરતા. પરંતુ આના કારણે ભલભલા શીખાઉ, અધકચરા અને રેઢિયાળ ગાયકો અચાનક સોનુ નિગમ અને અરિજીત સિંહની કક્ષામાં સિફ્તથી ગોઠવાઈ શકે છે !

ખુદ સોનુ નિગમે એક વિડીયોમાં કબૂલ કર્યું હતું કે ‘ઇન્ડિયન આઈડોલ’ની સ્પર્ધામાં અમુક ગાયકો જ્યાં સૂર ચૂકી ગયા હતા તેનું ફરી રેકોર્ડિંગ કરીને તેનું ‘ડબિંગ’ કર્યા પછી ટીવી ઉપર પ્રસારણ થતું હતું !

હવે વિચાર કરો, આજે જો કોઈ મ્યુઝિક કંપનીનો માલિક અથવા કોઈ મોટો પ્રોડ્યુસર પોતાની અધકચરી ટેલેન્ટવાળી રૂપાળી દિકરીને ‘હોટ-સેન્સેશનલ’ ગાયિકા તરીકે રજૂ કરવી હોય તો કેટલું સહેલું થઈ ગયું ? 

રહી વાત લાઈવ શોમાં ઉઘાડા પડી જવાની, તો દોસ્તો, આજકાલ લાઈવ શોમાં ઉછળતા કૂદતા અને ગુલાંટો મારતા ગાયક ગાયિકાઓ પ્રિ-રેકોર્ડેડ ગાયનો ઉપર માત્ર હોઠ ફફડાવતા હોય છે ! (યાદ કરો જસ્ટિન બિબર કોન્સર્ટ)

હવે ગયા અઠવાડિયે જે સવાલ છેડ્યો હતો કે જ્યાં બબ્બે ડઝન ટ્રેક ઉપર 150થી વધુ વાજિંત્રોની મેલોડી ભરી શકાય છે એવી ટેકનોલોજી હોવા છતાં અડધો અડધ ગાયનોમાં માત્ર બે ગિટાર જ કેમ વાગતી હોય છે ? તો એનું મૂળ પેલા ‘અન-પ્લગ્ડ’ નામના વિદેશી ટ્રેન્ડમાં છે.

અચ્છા અચ્છા વિદેશી ગાયકોએ જે ગીત ભરચક ઓરકેસ્ટા સાથે ગાયું હોય એ જ ગીત એમના મોઢે માત્ર પોતાની ગિટારના સથવારે સાંભળવા મળે તેની લહેજત કંઇ અલગ હતી ! મ્યુઝિક કંપનીઓ આ ટ્રેન્ડ ભારતમાં પણ લઈ આવ્યા. શરૂઆતમાં કેકે, મોહિત ચૌહાન, શ્રેયા ઘોષાલ, સુનિધિ ચૌહાણ વગેરેના અવાજોમાં આ સ્ટાઈલનું સાંભળવાનું ગમતું પણ હતું.

પરંતુ એ સાથે ભારતના યુવાનોને ગિટાર વગાડવાનું ઘેલું લાગ્યું ! હાથમાં ગિટાર હોય એવા ફોટા ફેસબુકમાં સારા લાગતા હતા. એમાંય વળી ‘ફોરેન’ની સ્ટાઈલ, એટલે અપનાવતાં વાર કેટલી ? જોકે 90 ટકા કિસ્સામાં એવું બન્યું કે ભાઈ મોટા ઉપાડે 8-10 હજાર રૂપિયાની ગિટાર લઈ તો આવે પણ પછી મ્યુઝિક ક્લાસમાં શીખતાં શીખતાં ખબર પડે કે આ આપણું કામ નહીં !

દરમ્યાનમાં બોલીવૂડની દર ચોથી ફિલ્મમાં ન્યુયોર્ક, લંડન, પેરિસ આવવા લાગ્યું. વિદેશમાં રહેતા NRI ઓડિયન્સમાં બોલીવૂડ પોપ્યુલર બની ગયું એટલે મ્યુઝિક કંપનીઓ રીતસર સંગીતકારોને સૂચના આપવા માંડી કે ફિલ્મમાં બે ત્રણ ગાયનો તો ‘ગિટાર-આધારિત’ જ હોવાં જોઈએ !

બીજી બાજુ બે ગિટાર, બે રિધમ અને એક કી-બોર્ડથી ગીતની પ્રોડક્શન કોસ્ટ લગભગ મફતના ભાવની થઈ ગઈ ! નવા ફૂટકળિયા ગાયકો ગિટાર ખખડાવીને કવર-વર્ઝન ગાવા લાગ્યાં ! આમ ફક્ત બે રૂપિયાની પડતર કિંમતવાળી ચીજ 200 રૂપિયાના ભાવે બજારમાં વેચવાની ચાવી મ્યુઝિક કંપનીઓને આ ટેકનોલોજીના દુરુપયોગ વડે હાથ લાગી ગઈ ! સમજ્યા ?

(આવતા સપ્તાહે : ગીતકારો કે સુથારો ?)

***

- મન્નુ શેખચલ્લી

Comments