વધુ "હું પણ.." ઝુંબેશવાળા !


રૂપાણી સાહેબે ‘હું પણ કોરોના ફાઇટર’ ઝુંબેશ ચાલુ કરી છે પરંતુ સાહેબ, અહીં ઓલરેડી કંઈક લોકો કોઈને કોઈ ઝુંબેશમાં છે જ !

***

“હું પણ બિચારો પતિ…”

પોતે વટથી પત્નીને આખો દહાડો હુકમો કરતા હોય, છતાં 'બિચારા પતિઓ' કચરા-પોતાં કરે છે તેની જોક્સ શેર કરનારા ડબલ-સ્ટાન્ડર્ડ પુરુષો…

***

“હું પણ જબરી પત્ની…”

પતિ ભલે રોટલી ના વણી આપતો હોય છતાં પતિ પાસે  ટિક-ટોક વિડીયોમાં એવી એક્ટિંગ કરાવનારી બહાદૂર છતાં પ્રેમાળ પત્નીઓ !

***

“હું પણ હેલ્ધી…”

પોતે ભલે સવારે સાડા નવ પહેલાં ઉઠતા ન હોય અને લોકડાઉનમાં ઊંઘવા સિવાય બીજું કંઈ કામ ન કર્યું હોય, છતાં “રોગ પ્રતિકાર શક્તિ” વધારવા માટે શું શું કસરતો કરવી તેના વિડીયો આખા ગામને ફોરવર્ડ કરનારાઓ !

***

“હું પણ ડિટેક્ટીવ…”

ચીનાઓની શું ચાલ છે ? તબલિગીઓ શું પ્લાનિંગ કરે છે ? મોદી-શાહ ભેગા મળીને શું કરવાના છે ? પેલો ઉત્તર કોરિયાનો કિમ-જોંગ કેમ ગાયબ થઈ ગયેલો ?

આ તમામ ખૂફિયા સવાલોના જવાબો શોધી શોધીને ફોરવર્ડ કરનારા સિક્રેટ એજન્ટો !

***

“હું પણ ગભરાયો…”

“હું તો ગભરાયો, પણ હવે તમે પણ ગભરાઓ !” એવા ઇરાદાથી કોરોના વિશેની બિહામણી વાતો ફેલાવનારાઓ.

***

“હું પણ કવિ…”

આમાં તો ગુજરાતે રેકોર્ડ તોડી નાંખ્યો છે ! હવે તો કોરોના-ફાઈટર્સ કરતાં ‘કવિ-ફાઈટર્સ’ની વધારે જરૂર પડવાની છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments